સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની નીચે સરક્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Crypto Market: ક્રિપ્ટો માર્કેટમાં સૌથી વધારે વેલ્યૂ ધરાવનાર ટોકન બિટકોઇનમાં આજે 5 ફેબ્રુઆરીએ મોટી ઉથલપાથલ મચી છે. ગત નવેમ્બર મહિના બાદ Bitcoin પહેલી વાર 70 હજાર ડોલરની નીચે આવી ગયો છે. હાલ 69,101ના લો લેવલ પર કારોબાર કરી રહ્યો છે, જો કે બાદમાં થોડી રિકવરી પણ દેખાઈ છે.
ક્રિપ્ટો માર્કેટ મંદીના ભરડામાં
આ મોટા ઘટાડાનું કારણ અમેરિકાની ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરીકે Kevin Warshનું નામની ચર્ચા થતાં તેની અસર બિટ કોઈન પર પડી છે. એવી અટકળો છે કે કેવિન અધ્યક્ષ બનશે તો ફેડરલ રિઝર્વના સરવૈયામાં ઘટાડો આવી શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી ક્રિપ્ટો માર્કેટમાં ભારે અસ્થિરતા દેખાઈ રહી છે. ભારે વેચવાલી જોવા મળતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. માર્કેટ પર મંદીવાળાઓ (Bears) હાવી થવાની આશંકાએ ટ્રેડર્સ પોતાની પોઝિશન ઝડપથી લિક્વિડેટ કરી રહ્યા છે. જેની સીધી નકારાત્મક અસર ડિજિટલ એસેટ્સ પર પડી રહી છે.
40 ટકા જેટલો મોટો ઘટાડો
વૈશ્વિક ક્રિપ્ટો એક્સચેન્જ 'Coinmarketcap'ના તાજેતરના અહેવાલ મુજબ, બિટકોઈનની કિંમત ઘટીને આશરે 71,280 ડોલર પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં આ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીએ 1,26,000 ડોલરથી વધુની સર્વોચ્ચ સપાટી (ઓલ ટાઈમ હાઇ) વટાવી હતી. જો કે, ત્યારબાદ સતત વોલેટિલિટી(કોઈ ચોક્કસ શેરના ભાવમાં આવતો ઝડપી ઉતાર-ચઢાવ)ને કારણે કિંમતમાં અત્યાર સુધીમાં લગભગ 40 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ હોવાથી રોકાણકારો સાવચેતી દાખવી રહ્યા છે.
ટ્રમ્પની ટેરિફનીતિ પણ કારણભૂત
બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી Ethereumમાં પણ ચોંકાવનારો ઘટાડો જોવા મળી રહ્યો છે. લગભગ 2200 ડોલર પર કારોબાર થઈ રહ્યો છે. માર્કેટ નિષ્ણાંતોનું માનવું છે કે આ ભારે ઘટાડા પાછળનું કારણ સંસ્થાકીય રોકાણકારો મોટા પ્રમાણમાં કરેલા રોકાણને વેચી બહાર નીકળી રહ્યા છે. પાછલા વર્ષે ઓકટોબરમાં ટ્રમ્પે ઘણા દેશો પર ટેરિફ બોમ્બ ફોડ્યો હતો જેથી ક્રિપ્ટોનું માર્કેટ ડગમગી ગયું હતું. જે બાદ બિટકોઇન એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ(ETF)માંથી અરબો ડોલર રોકાણકારોએ પાછા ખેંચી લીધા હતા. જાન્યુઆરીમાં અમેરિકન સ્પોટ બિટકોઈન ETF માંથી 3 બિલિયન ડોલરથી વધુનો આઉટફ્લો થયો છે.
બિટકોઈનની કિંમતમાં થઈ રહેલા સતત ઘટાડાને કારણે માત્ર સામાન્ય રોકાણકારો જ નહીં, પરંતુ 'માઈક્રોસ્ટ્રેટેજી' જેવા મોટા સંસ્થાકીય રોકાણકારો પર પણ મોટું સંકટ ઊભું થયું છે. આ અમેરિકન સોફ્ટવેર કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની બિટકોઈન હોલ્ડિંગમાં ઓચિંતી રીતે જોરદાર વધારો કર્યો છે. કંપનીએ અત્યાર સુધીમાં કુલ 7,12,647 બિટકોઈન એકત્ર કર્યા છે. હાલમાં કંપની પાસે રહેલા આ બિટકોઈન્સની કુલ કિંમત 62 અબજ ડોલરથી પણ વધુ છે, જે કંપનીની નાણાકીય સ્થિતિને આર કે પાર લગાવી શકે છે.
જોકે, ચિંતાની વાત એ છે કે માઈક્રોસ્ટ્રેટેજીએ આ બિટકોઈન સરેરાશ 76,037 ડોલર પ્રતિ ટોકનના ભાવે ખરીદ્યા છે. અત્યારે બિટકોઈનનો ભાવ આ ખરીદ કિંમત કરતા નીચે સરકી રહ્યો હોવાથી કંપનીની બેલેન્સ શીટ પર તેની વિપરીત અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ગયા મહિને જ કંપનીએ મોટા પ્રમાણમાં બિટકોઈનની ખરીદી કરી હતી, પરંતુ માર્કેટમાં મંદીનું જોર વધતા આવનાર દિવસોમાં ક્રિપ્ટો માર્કેટ હડકંપ મચે તેવી પૂરી પૂરી આશંકાઓ છે.








