સોના- ચાંદીમાં પીછેહટ થવા સામે ક્રૂડના ભાવમાં ઝડપી તેજી આવી
- ચીને ઈકોનોમીમાં ૯૨ અબજ ચાઈનીઝ કરન્સી ઠાલવવાનો નિર્ણય કરતાં ક્રૂડ તથા કોપરના ભાવ ઉછળ્યા
- ક્રૂડતેલના ઉત્પાદક દેશો ઉત્પાદન ઘટાડશે એવી શક્યતા
Updated: Nov 21st, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી પડી હતી. વિશ્વબજારના સમાચાર વધ્યા મથાળે વેચવાલી બતાવતા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૮૦થી ૧૯૮૧ વાળા ઘટી ૧૯૭૧થી ૧૯૭૨ ડોલર રહ્યા હતા.સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૭૧થી ૨૩.૭૨ વાળા ૨૩.૩૭થી ૨૩.૩૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૬૨૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૩૦૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૨થી ૯૦૩ વાળા આજે ૯૦૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૫૬થી ૧૦૫૭ વાળા ૧૦૫૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૦થી ૦.૪૫ ટકા વધ્યા હતા.
જોકે વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં મંદી અટકી ઝડપી પ્રત્યાઘાતી સુધારો ભાવમાં જોવા મળ્યો હતો. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૦.૬૧ વાળા ઉંચામાં ૮૧.૯૮ થઈ ૮૧.૮૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૫.૮૯ વાળા ઉંચામાં ૭૭.૦૫ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશો દ્વારા આગળ ઉપર ઉત્પાદનમાં વધુ ઘટાડો કરાશે એવી શક્યતા વિશ્વબજારમાં ચર્ચાતી થતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૭૦૦ વાળા રૂ.૬૦૬૪૪ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૯૫૦ વાળા રૂ.૬૦૮૮૮ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૩૦૫૦ વાળા રૂ.૭૨૫૬૧ રહ્યા હતા. મુંબઈ બજારમાં સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. ચીનના સમાચાર મુજબ ત્યાંની સેન્ટ્રલ બેન્કે લોન પ્રાઈમ દરો જાળવી રાખ્યા હતા તથા ઈકોનોમીમાં ચાઈનીઝ કરન્સીનો પ્રવાહ વધારવાનો નિર્ણય કર્યાના વાવડ મળ્યા હતા.
આના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલ તથા કોપરના ભાવમાં મજબુતાઈ જોવા મળી હતી. ક્રૂડ ઉત્પાદક દેશોની ઓપેકની મિટિંગ ૨૬મી નવેમ્બર મળવાની છે, તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. ચીનની સેન્ટ્રલ બેન્ક ઈકોનોમીમાં ૯૨ અબજ ચીનની કરન્સી યુઆનના પ્રવાહ વધારશે એવા નિર્દેશો મળ્યા હતા.