ક્રૂડમાં આંચકા પચાવી ભાવ ફરીથી અઢી ટકા ઉછળ્યા: સોના-ચાંદીમાં વધ્યાભાવથી ઘટાડો
- ઓપેકના દેશોની આ સપ્તાહમાં મળનારી મિટિંગમાં ક્રૂડ ઉત્પાદનમાં કાપ મૂકવા વિષયક નિર્ણય કરવામાં આવે એવી બતાવાતી શકયતા
- રૂપિયા સામે ડોલર તથા બ્રિટીશ પાઉન્ડમાં ઘટાડો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા.02 ડિસેમ્બર 2019, સોમવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા હતા. વિશ્વ બજાર વધ્યા મથાલે નરમ રહી હતી. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ પણ નરમ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૪૭૨.૫૦ ડોલર થયા પછી નીચામાં ભાવ ૧૪૫૪.૪૦ થઈ સાંજે ભાવ ૧૪૫૮.૬૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે ફંડવાળાની વેચવાલી નિકળ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૧.૭૪ વાળા રૂ.૭૧.૭૮ ખુલી ઉંચામાં ભાવ રૂ.૭૧.૮૨ થયા પછી નીચામાં રૂ.૭૧.૬૨ થઈ છેલ્લે બંધ રૂ.૭૧.૬૭ રહ્યા હતા. આજે ડોલરના ભાવ સાત પૈસા નરમ રહ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવપ ૭ પૈસા ઘટી રૂ.૯૨.૪૯થી ૯૨.૫૦ રહ્યા હતા. સામે યુરોના ભાવ એક પૈસો વધી રૂ.૭૮.૯૧થી ૭૮.૯૨ બોલાઈ રહ્યા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૮૦૫૦ વાલા રૂ.૩૭૮૨૭ તથા ૯૯.૯૦નાભાવ રૂ.૩૮૨૦૦ વાળા રૂ.૩૭૯૭૯ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૪૬૦૦ વાળા રૂ.૪૪૨૦૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૪૨૦૦થી ૪૪૨૫૦ તથા કેશમાં ભાવ આ ભાવથી આશરે રૂ.૧૩૦૦ ઉંચા રહ્યા હતા સામે જીએસટી સાથેના ભાવ આ ભાવતી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૧૬.૯૫ ડોલર થયા પછી નીચામાં ભાવ ૧૬.૮૩ થઈ સાંજે ભાવ ૧૬.૮૮થી ૧૬.૮૯ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ આજે સાંજે ૮૯૨થી ૮૯૨.૧૦ ડોલર તથા પેલેડીયમના ભાવ આજે સાંજે ૧૮૫૧.૬૦થી ૧૮૫૧.૭૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ જે પાછલા સપ્તાહના અંતે ૪થી ૫ ટકા ગબડયા હતા તે આજે આંચકા પચાવી ફરી બેથી અઢી ટકા ઉંચકાતા આજે સાંજે ભાવ બ્રેન્ટક્રૂડના બેરલના ૬૧.૮૦થી ૬૧.૮૫ ડોલર બોલાઈ રહ્યા હતા. જ્યારે ન્યુયોર્કના ભાવ સાંજે ૫૬.૪૫થી ૫૬.૫૦ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના ઉત્પાદક દેશોની ઓપેકની મિટિંગ આ સપ્તાહમાં યોજવામાં આવનાર છે. તથા આ મિટિંગમાં ક્રૂડતેલમાં ઉત્પાદન કાપ વિષયક શું નિર્ણય કરવામાં આવે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી છે.