મુંબઈ : મહારાષ્ટ્ર દિન નિમિત્તે મુંબઈ ઝવેરી બજાર બંધ રહ્યું હતું ખાનગીમાં અન્ડરટોન મજબૂત રહ્યો હતો. અમેરિકા-ઈરાન વચ્ચે ફરી સંઘર્ષની સ્થિતિ આકાર લઈ રહી હોવાના સંકેતે વિશ્વ બજારમાં ભાવ મક્કમ રહ્યા હતા. ગુરુવારની સરખામણીએ અમદાવાદ બજારમાં સોનામાં નરમાઈ રહી હતી જ્યારે ચાંદીમાં ટકેલુ વાતાવરણ રહ્યું હતું. ક્રુડ તેલમાં ૧૨૬ ડોલરની ઊંચી સપાટીએથી ભાવમાં પીછેહઠ રહી હતી.
મુંબઈ ઝવેરી બજાર મહારાષ્ટ્ર દિન નિમિત્તે સત્તાવાર બંધ રહ્યું હતું. જો કે ખાનગીમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૪૮,૯૭૦ બોલાતા હતા જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૪૮,૧૯૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૨,૪૧,૦૯૩ ભાવ મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૫૩,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૫૨,૭૦૦ બોલાતા હતા. અમદાવાદ સોનામાં રૂપિયા ૨૦૦૦નો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨,૪૫,૦૦૦ ટકેલા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ઉપરમાં ૪૬૩૬ ડોલર અને નીચામાં ૪૫૬૦ ડોલર થઈ મોડી સાંજે ૪૫૯૩ ડોલર મુકાતું હતું. ચાંદી પ્રતિ ઔંસ ૭૪.૨૫ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૯૯૨ ડોલર અને પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૫૩૧ ડોલર મુકાતુ હતું. દરમિયાન ક્રુડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર પીછેહઠ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૧૦૩ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૧૧૦ ડોલર કવોટ થતું હતું.


