Get The App

ક્રૂડ ઓપેકની મિટિંગ પૂર્વે 4થી 5 ટકા તૂટતાં ખેલાડીઓ સ્તબ્ધ

- સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ ફરી ઉંચકાયા: વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચકાઈ સાત સપ્તાહની ટોચે પહોંચ્યો : પ્લેટિનમના ભાવ ઉંચકાયા

- કરન્સીમાં બંધ બજારે ડોલરના ભાવમાં આગેકૂચ

Updated: Nov 30th, 2019

GS TEAM

Google News
Google News
ક્રૂડ ઓપેકની મિટિંગ પૂર્વે 4થી 5 ટકા તૂટતાં ખેલાડીઓ સ્તબ્ધ 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 30 નવેમ્બર 2019, શનિવાર

મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઉછળ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓ આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચાર હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ શુક્રવારે મોડી રાત્રે ઝડપી ચારથી પાંચ ટકા તૂટી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયાના સમાચાર હતા. 

ક્રુડના ઉત્પાદક દેશો ઓપેક સંગઠનના દેશો તથા રશિયા સામે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મિટિંગ મળવાની છે અને આ મિટિંગમાં ઉત્પાદન વિષયક શું નિર્ણય કરવામાં આવે છે તેના પર બજારની નજર વચ્ચે આજે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ગબડતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. ચીન- અમેરિકા વચ્ચે મતભેદો વધતાં તેની અસર ક્રુડના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રુડના ભાવ સપ્તાહના અંતે આશરે ચારથી સાડા ચાર ટકા ગબડી ૬૦.૪૫થી ૬૦.૫૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ આશરે પાંચ ટકા તૂટી છેલ્લે ૫૫.૧૫થી ૫૫.૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૪૫૬.૪૦ ડોલરવાળા ઉછળી સપ્તાહના અંતે ૧૪૬૪ ડોલર રહ્યા હતા જ્યારે સોના પાછળ ચાંદીના ભાવ ૧૬.૯૩ વાળા ઉછળી છેલ્લે ૧૭.૦૪થી ૧૭.૦૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૭૧.૭૪ વાળા રૂ.૭૧.૮૦થી ૭૧.૮૨ બોલાઈ રહ્યા હતા. રૂપિયો વધુ નબળો પડયો હતો.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૭૮૬૭ વાળા રૂ.૩૮૦૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૦૧૯ વાળા રૂ.૩૮૨૦૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૪૪૩૭૦ વાળા રૂ.૪૪૬૦૦ બોલાતા હતા જ્યારે કેશમાં ભાવ આ ભાવથી રૂ.૧૧૦૦થી ૧૧૫૦ ઉંચા રહ્યા હતા તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજાર પાછળ તથા ડોલર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓ ઉંચકાઈ હતી.

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ વધી છેલ્લે સાત સપ્તાહની નવી ઉંચી ટોચે પહોંચ્યાના સમાચાર હતા. ક્રુડતેલમાં વિકલી ભાવ ઘટાડામાં બે મહિનાનો રેકોર્ડ તૂટયો છે. અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટયા છે તથા ત્યાં જોબ માર્કેટ મજબૂતાઈની રહ્યાના સંકેતો મળી રહ્યા છે. 

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી છેલ્લે ઔંશના ૮૯૬થી ૮૯૬.૧૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી છેલ્લે ૧૮૪૧.૬૦થી ૧૮૪૧.૭૦ ડોલર રહ્યાના વાવડ હતા. કોપરમાં ન્યુયોર્ક વાયદો જોકે સપ્તાહના અંતે ૧.૨૫થી ૧.૩૦ ટકા માઈનસમાં રહ્યાના નિર્દેશો હતા. અમેરિકાના શેરબજારો ટોચ પરથી નીચા આવ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ સપ્તાહના ંગે પ્રત્યાઘાતી ઉંચકાયા છે પરંતુ નવેમ્બરના આખા મહિનામાં સોનાના ભાવમાં જે ઘટાડો આવ્યો છે તે પાછલા ત્રણ વર્ષનો માસીક ધોરણે સૌથી મોટો ઘટાડો રહ્યો હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.



Tags :