મુંબઈ : વર્તમાન વર્ષના નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાઈ રહ્યું છે. ભારતની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનો અંદાજ પૂરો પાડતા એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ જે નવેમ્બરમાં ૫૯.૭૦ હતો તે ડિસેમ્બરમાં સહેજ નબળો પડી ૫૮.૯૦ જોવાયો છે.
ડિસેમ્બરનો પ્રારંભિક પીએમઆઈ ફેબુ્રઆરી બાદ સૌથી નીચો છે એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું છે.
વર્તમાન મહિનામાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર બન્નેની વેપાર પ્રવૃત્તિ ધીમી પડી હોવાનું બન્ને ક્ષેત્રનો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) સૂચવે છે.
૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે, માટે ૫૮.૯૦નો પીએમઆઈ એકંદર વેપાર પ્રવૃત્તિ મજબૂત હોવાનું સૂચવે છે, એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
એચએસબીસી ફલેશ ઈન્ડિયા પીએમઆઈનું વર્ષ ૨૦૨૫ પોઝિટિવ સ્તરે સમાપ્ત થઈ રહ્યું છે. સમાપ્ત થઈ રહેલું વર્ષ ખાનગી ક્ષેત્ર માટે વિકાસનું વર્ષ તરીકે પૂરુ થઈ રહ્યું છે.
ઉત્પાદન તથા નવા ઓર્ડરની માત્રા ડિસેમ્બરમાં સાધારણ ઘટી છે, પરંતુ તે ઊંચી ટકી રહેવામાં સફળ રહી છે. ફુગાવાજન્ય દબાણ નીચું રહેતા કંપનીઓને તેનો લાભ મળી રહ્યો છે.
ડિસેમ્બરમાં નવા ઓર્ડર મળવાની ગતિ સ્થિર રહી છે. નવા નિકાસ ઓર્ડર પ્રાપ્ત થવાની ગતિમાં વધારો જોવા મળ્યો છે અને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે.
ઊંચા ટેરિફ વચ્ચે ભારતના ઉદ્યોગોને ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, બંગલાદેશ, મધ્ય પૂર્વ, યુકે, શ્રીલંકા તથા અમેરિકા ખાતેથી નિકાસ ઓર્ડરમાં મજબૂતાઈ જોવા મળી હોવાનું સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.
જો કે ઉત્પાદન ક્ષેત્રનો અલાયદો પીએમઆઈ જે નવેમ્બરમાં ૫૬.૬૦ રહ્યો હતો તે ઘટી ૫૫.૭૦ જોવાઈ રહ્યો છે. ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કંપનીઓમાં વર્ષના અંતે રોજગાર નિર્માણ જોવા મળ્યું નથી. બન્ને ક્ષેત્રમાં નવા કર્મચારીની ભરતી થઈ નથી અને કર્મચારીઓની સંખ્યા લગભગ સ્થિર રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વેપાર વૃદ્ધિને લઈને વેપારગૃહો વિશ્વાસ ધરાવી રહ્યા છે, ત્યારે આશાવાદ ધીમી ધારે મંદ પડી રહ્યો છે.


