Business

કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો

By GS Team
29 Apr 20262 mins read
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો

અમદાવાદ : વિશ્લેષકોએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે તેમના આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. આ ઘટાડો ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવ વચ્ચે જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારાનો પ્રભાવ હજુ સુધી સંપૂર્ણપણે પ્રગટ થયો નથી. જે આગામી કેટલાક ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સના નાણાકીય પ્રદર્શન પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. તેઓ માને છે કે આ પ્રતિકૂળતા નાણાકીય વર્ષ ૨૦૨૭ના આંકડાઓને અસર કરશે.

યુદ્ધ પહેલાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે લગભગ ૧૦-૧૨% ની આવક વૃદ્ધિની અપેક્ષા રાખી હતી, જેમાં વધુ વૃદ્ધિની સંભાવના છે. જો પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ ઝડપથી સુધરે છે, તો એક ક્વાર્ટર માટે થોડો આંચકો લાગી શકે છે, પરંતુ આપણે એ જ ૧૦-૧૨% વૃદ્ધિ દર પર પાછા ફરવું જોઈએ. જો યુદ્ધ લંબાશે છે, તો આવક વૃદ્ધિની અપેક્ષાઓ લગભગ ૬-૧૦% સુધી ઘટી શકે છે તેમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

આ દરમિયાન, ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૭ ડોલરની આસપાસ રહ્યા છે. યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોમાં મડાગાંઠને કારણે સોમવારે તેમાં ઉછળકૂદ ચાલુ છે. વિશ્લેષકોના મતે તેલના ભાવ ઊંચા રહી શકે છે, સંભવત: ૯૦-૧૦૦ ડોલરપ્રતિ બેરલ, જે હોર્મુઝ સ્ટ્રેટ અવરોધિત રહે છે કે કેમ તેના પર આધાર રાખે છે. હાલમાં કોઈ ચોક્કસ જવાબ નથી કારણ કે તેમાં ઘણા બધા પરિબળો સામેલ છે. જો સ્ટ્રેટ ફરીથી ખુલે છે, તો તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. 

જેપી મોર્ગને પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૭માં કોર્પોરેટ આવક વૃદ્ધિ માટે જોખમો પણ દર્શાવ્યા છે. તેમનો અંદાજ છે કે જો યુદ્ધવિરામ થાય તો પણ, પુરવઠામાં વિક્ષેપ અને ઊંચા ખર્ચ આગામી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે. ઊર્જા પુરવઠાને સામાન્ય બનાવવામાં હજુ ત્રણથી ચાર મહિના લાગવાની શક્યતા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, જેપી મોર્ગને રિટેલ, ઓટો, નાણાકીય અને તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારિત સરેરાશ ધોરણે તેના નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે આવક અંદાજને ૨% થી ૧૦% ઘટાડી દીધા છે.

વિશ્લેષકો કહે છે કે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભાવ ઉપરાંત, આગામી કેટલાક મહિનામાં ધ્યાન રાખવાનું બીજું પરિબળ રૂપિયા-ડોલર સમીકરણનું છે. ભારતની કમાણી આંશિક રીતે નિકાસ પર આધારિત છે. નબળા રૂપિયાથી ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી), ધાતુઓ અને ઓટો જેવા ક્ષેત્રોને ફાયદો થાય છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળતા પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ૧૫% નિફ્ટી ઈપીએસ (શેર દીઠ કમાણી) વૃદ્ધિની અપેક્ષા હતી. જો યુદ્ધ ચાલુ રહે અને ક્રૂડના ભાવ થોડા વધુ મહિનાઓ સુધી ઊંચા રહે, તો તે ઘટીને ૭-૮% થઈ શકે છે. જે ઓટોમોબાઇલ્સથી લઈને તેલ અને ગેસ અને એરલાઇન્સ સુધીના ક્ષેત્રોને અસર કરી શકે છે.