એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે
GST Rates: જીએસટીના નવા રેટ્સ આજથી દેશભરમાં લાગુ થયા છે. જ્યાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતાં દૂધ, ઘી, પનીર-માખણથી માંડી ઓઈલ-શેમ્પુ સસ્તા થયા છે. ટીવી, એસી, ફ્રિઝથી માંડી કાર-બાઈકના ભાવ પણ ઘટ્યા છે. પરંતુ અમુક એવી ચીજવસ્તુઓ પણ છે, જેના પર સરકારે ટેક્સ વધારી દીધો છે. લકઝરી પ્રોડક્ટ્સ અને હાનિકારક પદાર્થો જેવા Sin ગુડ્સ કેટેગરી પર 40 ટકા જીએસટી લાગુ કર્યો છે. જેમાં કોલ્ડ ડ્રિંક્સથી માંડી સિગારેટ-તમાકુ, લકઝરી કાર સમાવિષ્ટ છે.
40 ટકા સ્લેબમાં લકઝરી પ્રોડક્ટ્સ
નવરાત્રિના શુભારંભ સાથે આજ 22 સપ્ટેમ્બર, 2025થી જીએસટીમાં મોટો સુધારો લાગુ થયો છે. સરકારે જીએસટી સ્લેબ 12 ટકા અને 28 ટકા દૂર કરી માત્ર બે 5 ટકા અને 18 ટકાનો સ્લેબ લાગુ કર્યો છે. જેમાં મોટાભાગની પ્રોડક્ટ્સના ભાવ ઘટ્યા છે. જો કે, લકઝરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો માટે એક નવો 40 ટકાનો સ્લેબ લાગુ કર્યો છે.
ફાસ્ટ ફૂડથી લઈને ઠંડા પીણાં સુધીના ભાવ વધ્યાં
Sin ગુડ્સમાં એવી વસ્તુઓ અથવા સેવાઓ સામેલ છે, જે લોકોને સ્વાસ્થ્ય અને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે પાન મસાલા, સિગારેટ, ગુટખા અને ફાસ્ટ ફૂડ. આ યાદીમાં એવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે જે લોકોને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે જુગાર, સટ્ટો અને અન્ય ગેમિંગ સેવાઓ. તેના પર 40% નો ઊંચો GST લાગુ થશે. સરકારે Sin ગુડ્સ કેટેગરીમાં સુપર-લક્ઝરી વસ્તુઓનો પણ સમાવેશ કર્યો છે, જેમાં મોટી અને લક્ઝરી કાર, ખાનગી જેટ, યાટ, હેલિકોપ્ટર અને કેટલીક બાઇકનો સમાવેશ થાય છે.
- તમાકુ
- પાન મસાલા
- ગુટખા
- અનપ્રોસેસ્ડ તમાકુ
- સિગારેટ
- નાના અને મોટા સિગાર
કોલ્ડડ્રિંક્સ પણ થયા મોંઘા
- કાર્બોનેટેડ પીણાં
- સુગર એડેડ પીણાં
- કેફીનયુક્ત પીણાં
ભારે એન્જિનવાળી કાર અને બાઇક
- પેટ્રોલ કાર (1200 સીસીથી વધુ)
- ડીઝલ કાર (1500 સીસીથી વધુ)
- બાઇક (350 સીસીથી વધુ)
લક્ઝરી પ્રોડક્ટ્સ
- સુપર-લક્ઝરી યાટ્સ
- ખાનગી જેટ
- ખાનગી હેલિકોપ્ટર
IPL ટિકિટ પણ મોંઘી થશે
સરકારે ક્રિકેટ ચાહકો (ખાસ કરીને IPL ચાહકો) ને પણ મોટો ફટકો આપ્યો છે. આજથી IPL મેચ જોવાનું વધુ મોંઘું થયું છે, અને ટિકિટ પર અગાઉ લાગુ 28 ટકા GSTને બદલે 40 ટકા GST સ્લેબમાં સમાવવામાં આવ્યું છે. કોલસો, લિગ્નાઈટ અને પીટ (કાર્બનિક પદાર્થ) પણ આ કેટેગરીમાં સામેલ છે, જે મોંઘા થયા છે.