Business

LTCG ટેકસ નાબુદ કરવા બાબતે સરકાર સમીક્ષા કરી રહી હોવાનો દાવો

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં SBI રિસર્ચે FPIના આઉટફ્લોને કારણે રોકાણકારોના નબળા સેન્ટિમેન્ટને મજબૂત કરવા સરકારને અપીલ કરી છે. તેમણે ઇક્વિટી પરનો LTCG ટેક્સ નાબૂદ કરવા અને હોલ્ડિંગનો સમયગાળો 2-3 વર્ષ સુધી વધારવા ભલામણ કરી છે. સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. RBIના પગલાં અપૂરતા હોવાથી મૂડી પ્રવાહ માટે માળખાગત સુધારા જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LTCG ટેકસ નાબુદ કરવા બાબતે સરકાર સમીક્ષા કરી રહી હોવાનો દાવો

એફપીઆઈના આઉટફલોથી રોકાણકારોનું માનસ ખરડાયું
મુંબઈ : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) રિસર્ચે ઈક્વિટીસ પરના લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી) ટેકસ નાબુદ કરવા અને મૂડી પ્રવાહ આકર્ષવા હોલ્ડિંગનો સમયગાળો બેથી ત્રણ વર્ષ સુધી વધારવા અનુરોધ કર્યો છે. ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ના સતત આઉટફલોસ વચ્ચે રોકાણકારોનું સેન્ટિમેન્ટ વધારવાના હેતુ સાથે આ હાકલ આવી પડી છે. એલટીસીજી ટેકસ રદ કરવા બાબત સરકાર સમીક્ષા કરી રહી હોવાની પણ સ્પષ્ટતા આવી પડી છે.
રૂપિયા સામે હાલના પડકારોને પહોંચી વળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા લેવાઈ રહેલા પગલાં પૂરતા નહીં હોવાનું જણાવી એસબીઆઈ રિસર્ચે મૂડી પ્રવાહને મજબૂત બનાવવા સરકાર દ્વારા માળખાગત પગલાની આવશ્યકતા પર ભાર મૂકયો હતો.
ઈક્વિટી સેગમેન્ટમાં મૂડી પ્રવાહ ટકાવી રાખવા હોલ્ડિંગ સમયગાળો ૨-૩ વર્ષ સુધી લંબાવવા સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ અને ઈક્વિટી પરના એલટીસીજી ટેકસને નાબુદ કરવો જોઈએ.
ભારતીય ઈક્વિટીસમાંથી એફપીઆઈના થઈ રહેલા જંગી આઉટફલોસ સામે રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.
સતત આઉટફલોસથી રોકાણકારોનું માનસ નબળુ પડે છે એમ જણાવી ભારતીય ઈક્વિટીસ સામે વૈશ્વિક મૂડી આકર્ષવા નીતિવિષયક દરમિયાનગીરી પર રિપોર્ટમાં ભાર મુકાયો છે.
ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ મારફત સારા વળતર મેળવવાની તકો રહેલી છે. દેશની નામાંકીત લિસ્ટેડ કંપનીઓ સારા વળતર પૂરા પાડવાનો આવકાશ ધરાવે છે.
વેરા સંબંધિત પ્રોત્સાહનો ભારતીય ઈક્વિટીસની સ્પર્ધાત્મકતામાં વધારો કરાવશે. દબાણની સ્થિતિમાં પણ ભારતનું ફોરેકસ રિઝર્વ પૂરતા પ્રમાણમાં હોવાની રિપોર્ટમાં નોંધ લેવાઈ હતી.
એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સને લાગુ કરવામાં આવતા વિથહોલ્ડિંગ ટેકસ પર વ્યાપક સ્પષ્ટતા લાવવા પણ અનુરોધ કરાયો છે.
દરમિયાન ઈક્વિટીસ પર એલટીસીજી ટેકસ નાબુદ કરવા સરકાર સમક્ષ રજૂઆત આવી છે અને સરકાર તેના પર તપાસ કરી રહી હોવાનું એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
એલટીસીજી મુદ્દે હિસ્સેદારોના મતો સાંભળવા સરકાર ખુલ્લુ મન ધરાવે છે, તેના નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના આવી પડેલા નિવેદન બાદ અધિકારીની આ સ્પષ્ટતા આવી પડી છે.