સિગારેટના ભાવમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો વધારો થશે
- ભાવવધારાના કારણે સિગારેટ ઉત્પાદક કંપનીઓના વોલ્યુમ ગ્રોથ/આવક પર અસર થશે
નવી દિલ્હી, તા. 06 ફેબુ્રઆરી 2020, ગુરુવાર
છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા સિગારેટ પર ટેક્સમાં કોઇ ફેરફાર ન કરાયા બાદ ચાલુ વર્ષે તેના પર ઊંચા ટેક્સની જાહેરાત કરાતા આગામી સમયમાં સિગારેટના ભાવમાં ૧૦ ટકાથી વધુનો વધારો થવાની સંભાવના છે.
બજેટમાં નાણાં મંત્રીએ સિગારેટ તેમજ અન્ય ચોક્કસ તમાકુ ઉત્પાદનો પર ઊંચો વેરો નાખવાની દરખાસ્ત રજૂ કરી છે જે જોતા આગામી સમયમાં સિગારેટ ઉત્પાદક કંપનીઓ દ્વારા સિગારેટના ભાવમાં ૧૦થી ૧૨/૧૫ ટકા જેટલો ભાવ વધારો કરવાની ફરજ પડશે.
ભાવમાં વધારો થતા કંપનીઓના વોલ્યુમ ગ્રોથ પર અસર થવાની સાથોસાથ કંપનીની આવક પર પણ પ્રતિકૂળ અસર થશે. તેમ જાણકારોએ જણાવ્યું હતું.
સમગ્ર સ્થિતિથી વાકેફ સુત્રોના જણાવ્યા મુજબ સિગારેટની તમામ સ્ટિકની સાઇઝમાં એનસીસીડીનો હિસ્સો ૨-૪ ટકા વધ્યો છે, આથી ટેક્સમાં ૯-૧૫ ટકાની રેન્જમાં વધારો થયો છે. ટેક્સમાં વૃદ્ધિ પોર્ટફોલિયો લેવલે તો ૧૧ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે. જેનો અર્થ એ થયો કે, કંપનીઓ આ અસર ખાળવા માટે મહત્તમ વેચાણ કિંમતમાં ૬-૭ ટકાનો વધારો કરવાની જરૂર પડશે.