ચીન-અમેરિકા વેપાર કરારના નિર્દેશોએ યુએસના કૃષિ બજારોમાં ઉછાળો
- આ કરારના પગલે ચીન દ્વારા અમેરિકાથી વિવિધ કૃષિ ચીજોની આયાત વધારી ૨૦૨૦માં આશરે ૫૦ અબજ ડોલર જેટલી કરાશે એવા નિર્દેશો
- વિશ્વ બજારમાં સોયાતેલ તથા પામતેલના સામસામા રાહ
મુંબઇ, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર
મુંબઇ તેલબિયાં બજારમાં આજે આયાતી ખાદ્ય તેલોના ભાવ આંચકા બચાવી ફરી ઉંચા બોલાતા થયા હતા. દેશી ખાદ્ય તેલો પણ મક્કમ હતા. વિશ્વ બજારમાં જો કે સોયાતેલના ભાવ ઉછળ્યા હતા સામે પામતેલના ભાવ ઘટાડા પર રહ્યાના સમાચાર હતા. ચીન તથા અમેરિકા હવે વેપાર કરાર માટે નજીક આવ્યાના સમાચાર હતા. તથા તેના પગલે અમેરિકામાં ભાવ વધી આવ્યા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઇટ ૭૯થી ૮૦ પોઇન્ટ ઉછળ્યા પછી આજે પ્રોજેક્શનમાં ભાવ સાંજે વધુ ૨૫થી ૨૬ પોઇન્ટ પ્લસમાં રહ્યા હતા. ત્યાં રાત્રે સોયાલીન વાયદો પણ ૩૬થી ૪૬ પોઇન્ટ ઉચકાયો હતો જ્યારે સોયાતેલનો વાયદો રાત્રે આઠ પોઇન્ટ નરમ રહ્યો હતો.
દરમિયાન, મલેશિયાથી મળતા સમાચાર મુજબ ત્યાં સરકારે ક્રૂડ પામ ઓઇલ સીપીઓની નિકાસ પરનો ટેક્સ વધારી જાન્યુઆરીથી પાંચ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં આજે પામતેલનો વાયદો ગબડી છેલ્લે ૪૧, ૩૮, ૨૮ તથા ૧૨ પોઇન્ટ માઇનસમાં બંધ રહ્યો હતો. જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ પાંચથી સાડા સાત ડોલર નરમ રહ્યા હતા. મુંબઇ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલારિસેલના રૂ. ૮૧૦ તથા જેએનપીટીના ૮૦૫ રહ્યા હતા. હવાલામાં નીચામાં રૂ. ૮૦૦થી ૮૦૨ સુધી વેપાર થયા હતા.
પામતેલમાં રિફાઇનસના ડાયરેક્ટ ડિલીવરીના વેપાર રૂ. ૮૦૫માં આરે ૩૦૦થી ૪૦૦ ટનના વેપાર થયા હતા. તથા ત્યાર પછી ભાવ રૂ. ૮૧૦ બોલાતા થયા હતા. દરમિયાન, ક્રૂડપામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવ ઉછળી રૂ. ૭૨૮ રહ્યા હતા. વાયદા બજારમાં આજે સીપીઓના ભાવ રૂ. ૭૩૭ રહ્યા પછી રૂ. ૭૨૨.૯૦ થઇ સાંજે રૂ. ૭૨૭ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ. ૮૭૨.૪૦ થયા પછી નીચામાં રૂ. ૮૬૪.૪૦ થઇ સાંજે રૂ. ૮૬૬.૪૦ રહ્યા હતાં.
મુંબઇ બજારમાં આજે સિગતેલના ભાવ ૧૦ કિલોના વધી રૂ. ૧૦૬૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ. ૧૦૩૦થી ૧૦૪૦ તથા ૧૫ કિલોના રૂ. ૧૬૬૦થી ૧૬૬૫ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ. ૭૯૮ બોલાતા હતા. મુંબઇ બજારમાં કપાસીયા તેલના ભાવ ૮૫૨ જ્યારે સોયાતેલના ભાવ ડિગમના રૂ. ૮૧૫ તથા રિફાઇન્ડના રૂ. ૮૫૨ રહ્યા હતા. સન ફ્લાવરના ભાવ રૂ. ૮૧૫ તથા રિફાઇન્ડના રૂ. ૮૬૦ બોલાતા હતા. મસ્ટર્ડના ભાવ ૮૮૫ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ. ૧૨૮૦ વાળા ૧૨૭૦ રહ્યા હતા.
દક્ષિણના સમાચાર નરમાઇ બતાવતા હતા. દરમિયાન, ભારતમાં નાળીયેરનું કુલ ઉત્પાદન ૨૦૧૮-૧૯માં આશરે દસ ટકા ઘટયું હોવાના આંકડા બહાર આવ્યા છે. મુંબઇ બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ. ૨ વધ્યા હતા જ્યારે એરંડાના હાજરભાવ રૂ. ૪૩૦૦ વાળા રૂ. ૪૩૧૦ રહ્યા હતા. મુંબઇ ખોળ બજારમાં આજે કપાસીયા ખોળના ભાવ ટનના રૂ. ૨૪૦૦૦ વાળા રૂ. ૨૪૫૦૦ રહ્યા હતા.
જ્યારે સોયાતેલના ભાવ ટનના રૂ. ૩૪૯૫૫ થી ૩૪૯૬૦ રહ્યા હતા. જો કે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, આ લખાય છે ત્યારે ખાદ્યતેલોની આયાત વિશે ટેરીફ વેલ્યુની થનારી જાહેરાત પર બજારની નજર રહી હતી. આવી ટેરીફ વેલ્યુમાં વધારો કરો એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતાં.
દરમિયાન, ઘરઆંગણે આજે સોયાબીનની આવકો ઓલ ઇન્ડિયા ધોરણે આશરે ૪ લાખ ૬૫ હજાર ગુણી આવી હતી જ્યારે મધ્ય પ્રદેશમાં આશરે ૧.૯૫થી ૨.૦૦ લાખ ગુણી આવી હતી તથા ત્યાં ભાવ રૂ. ૩૮૦૦થી ૪૨૦૦ રહ્યા હતા. ત્યાં સોયાતેલના ભાવ રૂ. ૮૨૫થી ૮૩૦ તથા રિફાઇન્ડના રૂ. ૮૬૫થી ૮૭૦ રહ્યા હતા. મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૧૫ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૪૮ હજાર ગુણી નોંધાઇ હતી તથા મથકોએ મગફળીના હાજરભાવ ૨૦ કિલોના જાતવાર રૂ. ૮૦૦થી ૯૫૦ રહ્યા હતાં.
દરમિયાન, ચીન તતા અમેરિકા વચ્ચે વેપાર કરાર થઇ રહ્યા છે ત્યારે વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ચીન દ્વારા અમેરિકાથી વિવિધ કૃષી ચીજોની કુલ આયાત વધારી ૨૦૨૦માં આશરે ૫૦ અબજ ડોલર જેટલી કરવામાં આવશે એવી ગણતરી બતાવાઇ રહી છે. ઘરઆંગણે આજે એરંડા વાયદાના ભાવ સાંજે રૂ. ૧૪થી ૨૨ નરમ રહ્યા હતા. જ્યારે મસ્ટર્ડ વાયદો પ્લસમાં રહ્યો હતો. અમેરિકામાં શિકાગો તથા ન્યુયોર્ક બજારમાં સોયાતેલ, સોયાબીન, સોયાખોળ તથા કોટન વાયદાના ભાવ આજે સાંજે પ્રોજેક્શનમાં ઉંચા બોલાઇ રહ્યા હતાં.