Gold and China News : ચીન સતત અમેરિકન બોન્ડ વેચીને ડી-ડૉલરાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનની આ આક્રમક નીતિનો વઘુ એક પુરાવો મળ્યો છે જેમાં ચીન યુએસ બોન્ડ અને ડૉલર વેચી તો રહ્યું છે અને સામે સોનાનો બમ્પર સ્ટોક પણ કરી રહ્યું છે. બીજી તરફ સોનાના ઊંચા ભાવને પરિણામે 2025માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બૅન્કો દ્વારા સોનાની ખરીદી 1000 ટનની અંદર રહી હતી. અગાઉના ત્રણ વર્ષમાં દર વર્ષે ખરીદીનો આંક 1000 ટનની ઉપર રહ્યો હતો.
ચીનની સેન્ટ્રલ બૅંકે સતત 15મા મહિને સોનાની ખરીદી કરીને વૈશ્વિક નાણાકીય બજારોનું ધ્યાન ખેંચ્યું છે. પીપલ્સ બૅંક ઑફ ચાઇનાના તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીમાં સોનાના ભંડારમાં વધારો થયો છે. ડ્રેગનનું ગોલ્ડ રિઝર્વ એક મહિના અગાઉના 74.15 મિલિયન ટ્રોય ઔંસની સામે વધીને ગત મહિને કુલ 74.19 મિલિયન ફાઇન ટ્રોય ઔંસ થયું છે. વધતા ભૂરાજકીય અને આર્થિક જોખમો વચ્ચે, ચીનની આ વ્યૂહરચના સોનાને સુરક્ષિત રોકાણ તરીકેના દરજ્જાને વધુ મજબૂત બનાવતી હોય તેવું લાગે છે.
કુલ સ્ટોક ઉપરાંત, ચીનના સોનાના ભંડારના કુલ મૂલ્યમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ચીનની સેન્ટ્રલ બૅંકના સોનાની વેલ્યુ 369.58 બિલિયન ડૉલર પહોંચી છે, જે એક મહિના અગાઉ 319.45 બિલિયન ડૉલર હતી. આ દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી છે.
ચીનની આ ડી-ડૉલરાઇઝેશનની નીતિ અને વૈશ્વિક સટ્ટાકીય ખરીદીને કારણે, જાન્યુઆરીમાં સોનાના ભાવ 5600 ડૉલર પ્રતિ ઔંસના ઐતિહાસિક રૅકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા હતા. જોકે, આ રૅકોર્ડ તેજી ટકાઉ ન હતી. યુએસ ફેડરલ રિઝર્વના આગામી વડા તરીકે કેવિન વોર્શના નામાંકનના સમાચારથી બજારનું માનસ ખરડાયું હતું. હાજર બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો અને હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ હવે પ્રતિ ઔંસ 4500 ડૉલર પર પહોંચી ગયા છે.
અત્રે મહત્ત્વનું છે કે ચીનનો એકંદર સોનાનો વપરાશ થોડો ઘટ્યો છે. સરકાર સમર્થિત ચાઇના ગોલ્ડ ઍસોસિએશન અનુસાર, 2025માં ચીનનો સોનાનો વપરાશ 3.75 ટકા ઘટીને 950 મેટ્રિક ટન થયો હતો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પ્રમાણે 2025માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બૅન્કો દ્વારા સોનાની એકંદર ખરીદી 863 ટન રહી હતી. કિંમતી ધાતુના ઊંચા ભાવને પરિણામે ખરીદીમાં પીછેહઠ થઈ હોવાનું કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું.
ઊંચા ભાવને કારણે કેન્દ્રીય બૅંકો સાવચેતીભરી ખરીદી કરી રહી હતી. ખરીદી ભલે ધીમી પડી હોય પરંતુ સોનામાં લાંબા ગાળાના વ્યૂહાત્મક રસ મજબૂત રીતે ટકી રહ્યા છે. કાઉન્સિલ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં 24માંથી 22 કેન્દ્રીય બૅંકોના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયાનું જણાયું છે. આગામી થોડા વર્ષો દરમિયાન ગોલ્ડ રિઝર્વ વધારવાની યોજના હોવાના કેટલીક મોટી કેન્દ્રીય બૅંકોએ સંકેત આપ્યા છે જે જોખન સંચાલનના તેમના પ્રયાસો ચાલુ હોવાનું સૂચવે છે.


