કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નો પ્રોફિટ-નો લોસ ભાવે કાંદા આપશે
- આયાતી કાંદા સસ્તા થવાના એંધાણ
- કેન્દ્રએ કાંદાની આગ ઠારી ત્યાં હવે ખાદ્યતેલની કિંમતોમાં ભડકો થતા ગ્રાહકોના ખિસ્સાં ખાલી જ રહેવાના
નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી 2020, બુધવાર
લગભગ તમામ રાજ્યોએ આયાતી કાંદા કેન્દ્ર પાસેથી ખરીદવાની બાંયધરી આપી હતી. પણ બાદમાં અમુક રાજ્યો શબ્દને વળગી ન રહ્યા અને આયાતી કાંદા કેન્દ્રના ગોડાઉનમાંથી ન ખરીદ્યા. આને પરિણામે કેન્દ્રના ગોદામોમાં આયાતી કાંદાનો ભરાવો થઇ ગયો. હવે કેન્દ્રએ આયાતી કાંદાના ભાવ ઘટાડવાની તૈયારી દર્શાવતા રાજ્યોએ આયાતી કાંદાની ખરીદી ન કરવાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. જેને પરિણામે વિદેશી ભૂમિ પર પાકેલા કાંદા સસ્તાં થઇ શકે છે.
અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા કેન્દ્રિય પ્રધાન રામ વિલાસ પાસવાને એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આયાતી કાંદા ખરીદ કિંમતે રાજ્યોને વેંચવામાં આવશે. અગાઉ કેન્દ્ર આયાત કરેલા કાંદા રાજ્યોને કિલોદીઠ ૬૭ે ભાવે વેચાણ કરતું હતું. પરંતુ હવે એની કિંમત ૪૯થી ૫૮ રૂપિયા વચ્ચેની રહેશે.પાસવાને કહ્યું કે કાંદાના પરિવહનનો ખર્ચ પણ કેન્દ્ર સરકાર વહન કરશે. ભારત સરકાર રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે, નો પ્રોફિટ નો લોસ બેસિસ પર કાંદાનું વેચાણ કરશે.
દરમિયાન કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમ એમએમટીસીના માધ્યમથી વધુ ૪૧,૯૫૦ ટનનો ઓર્ડર આંતરરાષ્ટ્રીય બજારમાં આપ્યો છે. જેમાંથી ૪૦ હજાર ટન કાંદા ચાલુ મહિનાના અંત સુધીમાં ભારતીય કિનારાઓ પર પહોંચી જશે. જેથી કેન્દ્ર સરકારે ઇજિપ્ત, તુર્કી અને જર્મનીમાંથી કાંદા આયાત કરવાનો નિર્ણય લીધો હતો.
જો કે કેન્દ્રએ એકબાજુ કાંદાની આગ ઠારે તો બીજી તરફ ખાદ્યતેલોની કિંમતોમાં લાલચોળ તેજી આવી છે. જેથી ગ્રાહકોનાં ખિસ્સાં ખાલી જ રહેવાના છે.