Get The App

17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા 1 - image


CBI Raid on Anil Ambani News : 17000 કરોડ રૂપિયાના લોન કૌભાંડ અને બેન્ક ફ્રોડમાં ફસાયેલા જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે ઈડી બાદ સીબીઆઇએ દરોડાની કાર્યવાહી કરી છે. હાલમાં પરિસરમાં તપાસ ચાલી રહી હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર સીબીઆઈની ટીમ સવારના સાત વાગ્યાથી તેમના વિવિધ પરિસરમાં તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો : અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો 

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કમ્યુનિકેશન પર સીબીઆઈએ પણ સકંજો કસવાનું શરૂ કર્યું છે. એસબીઆઈ પાસેથી 2000 કરોડ રૂપિયાની લોન લઈને ફ્રોડ કરવા મામલે પણ તેમની સામે કેસ દાખલ છે. મુંબઈમાં આરકોમ અને અનિલ અંબાણી સાથે સંકળાયેલા જુદા જુદા ઠેકાણાએ હાલ કાર્યવાહી ચાલી રહી છે. 13 જૂન 2025ના રોજ એસબીઆઈએ અનિલ અંબાણી સંબંધિત ખાતાને ફ્રોડ જાહેર કર્યા હતા. 

એસબીઆઈએ ફ્રોડ એકાઉન્ટ જાહેર કર્યા હતા 

ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને 'ફ્રોડ' જાહેર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 13 જૂન, 2025ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી 24 જૂન, 2025ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી.

કેટલા હિસાબની ગરબડ? 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે. બેંકના જણાવ્યા અનુસાર, કંપની પર ઓગસ્ટ 2016થી આજ સુધી રૂ. 2227.64 કરોડનું ફંડ-આધારિત લોન બાકી છે, જેમાં વ્યાજ અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીના નામે રૂ. 786.52 કરોડની નોન-ફંડ આધારિત બેંક ગેરંટી પણ જારી કરવામાં આવી હતી. એસબીઆઈના ક્રેડિટ એક્સપોઝરનો સરવાળો કરવામાં આવે તો કુલ આંકડો ખૂબ મોટો થઈ શકે છે અને તેથી જ હવે તેને ફરી છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની છેતરપિંડી ઓળખ સમિતિએ તેની તપાસમાં શોધી કાઢયું હતું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લોનનો દુરુપયોગ કર્યો હતો એટલે કે લોનના પૈસા જે હેતુ માટે લેવામાં આવ્યા હતા તે હેતુ માટે ખર્ચવામાં આવ્યા નથી. બેંકે અગાઉ ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024 માં આરકોમ અને અનિલ અંબાણીને કારણદર્શક નોટિસ મોકલી હતી પરંતુ કંપની આ આરોપોનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી. બેંકનું કહેવું છે કે લોનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ખાતાઓમાં અનિયમિતતાઓ મળી આવી હતી. 


Tags :