Get The App

શેરબજારમાં કેશ ટર્નઓવર ત્રણ વર્ષના તળિયે

- સેબીના આકરા નિયમોને પરિણામે ડેરિવેટિવ્સમાં કામકાજમાં ઘટાડો

- ભારે વોલેટિલિટી તથા નબળી માર્કેટ બ્રેડથની રોકાણકારોના સહભાગ પર અસર

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
શેરબજારમાં કેશ ટર્નઓવર ત્રણ વર્ષના તળિયે 1 - image

મુંબઈ : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં ૨૦૨૫માં ઊભી થયેલી ભારે વોલેટિલિટી તથા નબળી માર્કેટ બ્રેડથની રોકાણકારોના સહભાગ પર અસર જોવા મળી હતી. સમાપ્ત થઈ રહેલા ૨૦૨૫માં દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈમાં કેશ સેગમેન્ટમાં દૈનિક સરેરાશ ટર્નઓવર રૃપિયા ૧.૦૮ લાખ કરોડ સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યું છે.

૨૦૨૪માં રૃપિયા ૧.૨૮ લાખ કરોડની સરખામણીએ ટર્નઓવરમાં ૧૫.૭૫ ટકા ઘટાડો થયો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન વર્ષનું સરેરાશ દૈનિક ટર્નઓવર ૨૦૨૨ બાદ સૌથી નીચું છે.

કેશ સેગમેન્ટ ઉપરાંત ડેરિવેટિવ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ તથા એનએસઈનું સંયુકત સરેરાશ દૈનિક ડેરિવેટિવ્સ વોલ્યુમ ૨૦૧૩ બાદ પ્રથમ જ વખત ઘટયું છે. 

૨૦૨૪માં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનું સરેરાશ દૈનિક ટર્નઓવર જે રૃપિયા ૪૬૫.૯૬ લાખ કરોડ રહ્યું હતું તે ૧૭.૭૦ ટકા ઘટી રૃપિયા ૩૮૭.૯૫ લાખ કરોડ રહ્યું છે. આ ઘટાડો થવા પાછળનું કારણ ડેરિવેટિવ્સ વેપાર ધોરણોમાં સખતાઈ રહેલું છે. 

સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ  બોર્ડ ઓફ ઈન્ડિયા  (સેબી) દ્વારા નોન-બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ પર સાપ્તાહિક કોન્ટ્રેકટસ અટકાવી દેવાતા અને વિકલી એકસપાઈરીસ પર બે દિવસની મર્યાદા લાગુ કરાયા બાદ વર્તમાન વર્ષના પ્રારંંભમાં ડેરિવેટિવ્ઝ પ્રવૃત્તિ લગભગ ઘટી ગઈ હતી. 

વૈશ્વિક સ્તરે ભૌગોલિકરાજકીય અશાંતિ તથા ઘરેલુ બજારોમાંથી વિદેશી રોકાણકારોની પીછેહટને કારણે પણ રોકાણકારોનું માનસ વર્તમાન વર્ષમાં ખરડાયેલું રહ્યું છે. 

વર્તમાન વર્ષમાં સેન્સેકસ તથા નિફટીએ રોકાણકારોને દસ ટકા વળતર પૂરુ પાડયું છે. પરંતુ મિડકેપ તથા સ્મોલકેપમાં વળતર નબળા રહ્યા હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. 

નવા ભરણામાં વળતર મળી રહેવાની અપેક્ષાએ રિટેલ રોકાણકારો તેમાં નાણાં ઠાલવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે, જેને પરિણામે  સેકન્ડરી બજારમાં કામકાજ પર અસર જોવા મળી રહી છે પણ ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.