મુંબઈ, તા.02 ડિસેમ્બર 2019, સોમવાર
એક્સચેન્જ અને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)ના ધોરણોનું પાલન નહીં કરવા બદલ કાર્વિ સ્ટોક બ્રોકિંગ લિમિટેડનું તમામ સેગ્મેન્ટસ માટે ટ્રેડીંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ(એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ) લેવાયો છે. એનએસઈ, બીએસઈ ઉપરાંત મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ(એમસીએક્સ) અને એમએસઈઆઈ દ્વારા પણ આ બ્રોકિંગ હાઉસનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું છે.
સેબી દ્વારા આ બ્રોકિંગ હાઉસ દ્વારા તેના અન્ય ઉદ્દેશો માટે ક્લાયન્ટ સિક્યુરિટીઝનો દુરૂપયોગ કરાયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં સેબીએ ૨૨,નવેમ્બરના આદેશ બાદ એક્સચેન્જો દ્વારા આ પગલાં લેવાયા છે. કાર્વિ દ્વારા ક્લાયન્ટોની સિક્યુરિટીઝ વેચીને તેના નાણા પોતાની સંબંધિત પાર્ટીના બિઝનેસો જેવા કે કાર્વિ રિયાલ્ટી લિમિટેડને ટ્રાન્સફર કરાયા હતા.
સેબીએ અગાઉ આ બ્રોકિંગ હાઉસને નવા ગ્રાહકો નહીં લેવા અને તેના વર્તમાન ગ્રાહકો માટે પાવર ઓફ એટર્નીનો મર્યાદિત ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. નિયામક તંત્ર દ્વારા એક્સચેન્જોને પણ આ બ્રોકિંગ હાઉસ સામે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવા આદેશ અપાયો હતો. આ મામલાને જાણનાર એક વ્યક્તિનું કહેવું છે કે, કાર્વિ દ્વારા તેની બ્રોકર સિક્યુરિટીઝને તેના ક્લાયન્ટની સિક્યુરિટીઝથી અલગ નહીં રાખવાનું અને ફંડ ઊભું કરવા ક્લાયન્ટ સિક્યુરિટીઝનો ઉપયોગ કરાયાનું એક્સચેન્જને જણાતાં આ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ થઈ સસ્પેન્શનના આદેશ આવ્યા છે.
એનએસઈનો સસ્પેન્શન આદેશ આવી પડતાં કાર્વિના વર્તમાન ઈન્વેસ્ટરો તેમની ડેરિવેટીવ્ઝની પોઝિશન સ્કવેર ઓફ કરવા અસમર્થ રહ્યા હોવાનું એક રોકાણકારે જણાવ્યું હતું. કાર્વિ તરફથી પેઆઉટ્સ પેન્ડિંગ હોવાથી અને પોઝિશનો સ્કવેર ઓફ નહીં થતાં રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. અલબત એનએસઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'રોકાણકારોને તેમની વર્તમાન ડેરિવેટીવ્ઝની પોઝિન્સ સ્કવેર ઓફ કરવાની પરવાનગી અપાઈ છે. રોકાણકારોનું રક્ષણ થશે અને આગળ પછી પણ પોઝિશન સ્કવેર ઓફ કરી શકાશે.'
આ દરમિયાન કાર્વિ સ્ટોક બ્રોકિંગનું કૌભાંડ જેટલું જણાય છે એનાથી હકીકતમાં વધુ મોટું હોવાનું માનવામાં આવે છે. સેબીએ હવે કાર્વિ સ્ટોક બ્રોકિંગ દ્વારા ક્લાયન્ટ સિક્યુરિટીઝના દુરૂપયોગનો અંદાજ રૂ.૨૮૦૦ કરોડ જેટલો મૂક્યો છે.
જે અગાઉ રૂ.૨૦૦૦ કરોડ જેટલો મૂકાયો હતો. સેબી વત્તી સિક્યુરિટીઝ અપેલેટ ટ્રીબ્યુનલ(સેટ) સમક્ષ ઉપસ્થિત રહેલા સીનિયર કાઉન્સેલ રફિક દાદાએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક ઓડિટના પ્રાથમિક અંદાજો મુજબ દુરૂપયોગનો આંક ઘણો વધુ છે. આ દરમિયાન કાર્વિના રોકાણકારો માટે આજે મોટી રાહત એ આવી છે કે ડિપોઝિટરી એનએસડીએલ દ્વારા જણાવાયું છે કે, એનએસડીએલ દ્વારા ક્લાયન્ટો-ગ્રાહકોના એકાઉન્ટોમાં સિક્યુરિટીઝ ટ્રાન્સફર કરી દેવાઈ છે. એનએસડીએલ દ્વારા ૮૩,૮૦૬ ગ્રાહકો-ક્લાયન્ટો કે જેમણે સિક્યુરિટીઝ માટે સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે એ એકાઉન્ટોમાં રૂ.૨૦૧૩.૭૭ કરોડની સિક્યુરિટીઝ ટ્રાન્સફર કરાઈ છે.


