રિલાયન્સ ઈન્ફ્રામાંથી અનિલ અંબાણીના બંને પુત્રોના રાજીનામાં
- ગયા ઓક્ટોબરમાં ડાયરેક્ટર બનાવાયા હતા
- માત્ર છ માસમાં બંને પુત્રોએ રાજીનામાં આપ્યાં
મુંબઇ તા.4 ફેબ્રુઆરી 2020, મંગળવાર
ગળાડૂબ દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રાના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાંથી અનિલના બંને પુત્રોએ રાજીનામાં આપ્યાં હતાં.
હજુ તો ગયા વર્ષેજ અનિલના બંને પુત્રો જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. છેલ્લા માત્ર છ માસમાં આ બંનેએ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. મુંબઇ શેરબજારને લખેલા 31 જાન્યુઆરીના પત્રમાં આ હકીકત જણાવવામાં આવી હતી.
અનિલના પુત્રોએ રાજીનામાં આપ્યાના સમાચાર પ્રગટ થતાં અનિલની કંપનીના શૅર્સના ભાવમાં પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના વ્યવહારમાં ખાસ્સી મોટી ખોટ નોંધાઇ હતી.
રિલાયન્સ ઇન્ફ્રામાં જોડાતાં પહેલા અનિલનો મોટો પુત્ર અંશુલ રિલાયન્સ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસ કંપની રિલાયન્સ કેપિટલમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપતો હતો.
અણમોલ રિલાયન્સ ઇન્ફ્રાના ડિફેન્સ પ્રોજેક્ટ્સ સંભાળતો હતો. આમેય આ કંપની પહેલેથી 6,000 કરોડના દેવામાં ડૂબેલી હતી. હવે અનિલના બંને પુત્રોના રાજીનામાની વાત જાહેર થતાં કંપનીના શૅર્સ વધુ ગગડ્યા હતા.