Get The App

સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો

- ક્રૂડ તેલના વૈશ્વિક ભાવમાં બે તરફી ઉછળ કૂદ

- ડોલર ઇન્ડેક્સ ઘટતાં વિશ્વ બજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમ વધ્યા : યુદ્ધ સમજૂતી પર બજારની નજર

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
સોના ચાંદીમાં તેજી : રિઝર્વ બેંકે 12 અબજ ડોલરનું સોનું વેચ્યાની અટકળો 1 - image

મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવ ઝડપી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં કિમતી ધાતુઓની ઇમ્પોર્ટ કોસ્ટ વધી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

 અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૧૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૦૯થી ૪૫૧૦ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૪૫૪૧ થઇ ૪૫૨૬થી ૪૫૨૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઇંગ વધ્યું હતું. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૫.૮૦વાળા વધી ૭૭.૦૧ થઇ ૭૬.૨૧થી ૭૬.૨૨ ડોલર રહ્યા હતાં.

દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂા. ૧૬૧૭૦૦  તથા ૯૯૯ના રૂા. ૧૬૨૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂા. ૨૬૦૦૦૦ રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂા. ૭૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂા. ૧૫૫૬૬૮ તથા ૯૯૯ના રૂા. ૧૫૬૨૯૪ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ રૂા. ૨૦૦૦ વધી રૂા. ૨૬૫૩૦૦ જીએસટી વગર રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ  આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, બજારમાં ચર્ચાતી વાતો મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફોરેક્સ રિઝર્વને વધાવવા ઇરાન યુદ્ધના માહોલમાં આશરે ૧૨ અબજ ડોલરનું ગોલ્ડ રિઝર્વ  ઘટયું હોવાના નિર્દેશો મળ્યા હતા. ૨૨મેના અંતે પુરા થયેલા બે સપ્તાહના ગાળામાં આવું વેંચાણ થયાની ચર્ચા જાણકારોમાં સંભળાઇ રહી હતી. 

સોના- ચાંદીમાં તાજેતરમાં ઇમ્પોર્ટ ડયુટી વધી હતી અને આવી ડયુટી વધતાં હકીકતમાં રિઝર્વ બેંક હસ્તક સોનાના રિઝર્વનું મુલ્ય વધવું જોઇએ તેના બદલે આવું મુલ્ય ઘટયાનું જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, રિઝર્વ બેંકની ધિરાણ નિતી પર બજારની નજર રહી હતી.  વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં આજે બે તરફી વધઘટ દેખાઇ હતી. ઇરાન તથા અમેરિકા વચ્ચે સમજૂતી થવાની આશા પણ વધ્યાના વાવડ હતા. બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના ઉંચામાં ૯૫.૫૦ તથા નીચામાં ૯૨.૮૩ થઇ ૯૩.૬૮ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૪૪ વાળા વધી ૧૯૮૧ થઇ ૧૯૫૫થી ૧૯૫૬ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૫૮વાળા વધી ૧૩૯૭ થઇ ૧૩૮૨થી ૧૩૮૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ  આજે ૧.૪૩ ટકા ઉંચા બોલાઇ રહ્યા હતા.