બ્લેક મનીના નિયમોમાં રાહત, જાણો નિષ્ણાતોના મતે CBDTનો આ નિર્ણય કેમ વ્યવહારુ છે
CBDT: સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ(CBDT) એ કાળાં નાણાં અને કરવેરા લાદવાના કાયદા, 2015 (BMA – બ્લેક મની ઍક્ટ) હેઠળના નિયમોમાં નવો ફેરફાર જાહેર કર્યો છે. હવે સ્થાવર મિલકત સિવાય, ₹20 લાખ સુધીની વિદેશી નાણાકીય સંપત્તિ જો જાહેર કરવાની રહી જાય તો કરદાતાઓને દંડ અથવા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે. આ સુધારો ખાસ કરીને નાના રોકાણકારો અને વિદેશી ખાતા ધરાવતા વ્યાવસાયિકો માટે મહત્ત્વનો છે.
નવા નિયમો શું કહે છે
CBDTના પરિપત્ર મુજબ, બ્લેક મની ઍક્ટની કલમ 42 અને 43 હેઠળ દંડ લાદવામાં નહીં આવે, તો કલમ 49 અને 50 મુજબ કાયદેસરની કાર્યવાહી પણ નહીં કરાય. જો કે, નવી મર્યાદા અનુસાર, નાણાકીય વર્ષ દરમિયાન કુલ જાહેર નહીં કરાયેલી વિદેશી નાણાકીય સંપત્તિનું મૂલ્ય ₹20 લાખથી ઓછું હોવું જરૂરી છે. તો જ કાયદેસરની કાર્યવાહી સામે ઈમ્યુનિટી મળશે. અગાઉ આ મર્યાદા માત્ર ₹5 લાખ હતી, જે હવે ફાઇનાન્સ (નં. 2) ઍક્ટ 2024 દ્વારા વધારીને ₹20 લાખ કરાઈ છે.
કોને ફાયદો થશે?
આ સુધારો ખાસ કરીને વૈશ્વિક સ્તરે કામ કરતાં ભારતીય વ્યવસાયિકો, પગારદારો, એનઆરઆઇ અને વૈશ્વિક રોકાણકારો માટે રાહતરૂપ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ‘1 ફાયનાન્સ’ના પર્સનલ ટેક્સ વિભાગના વડા નિયતિ શાહનું કહેવું છે, ‘આ રાહત વિદેશી બૅંક ખાતા, ESOPs, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન યોજનાઓ જેવી નાણાકીય સંપત્તિઓને આવરી લે છે, જ્યારે વિદેશી સ્થાવર મિલકત હજુ પણ આ મુક્તિની બહાર રહેશે.’
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે બિહાર બંધનું NDAનું એલાન
કોમ્પ્લાયન્સનું દબાણ ઘટાડશે
નિયમોમાં છૂટછાટ મળતાં કોમ્પ્લાયન્સની પ્રક્રિયા હવે વધુ સરળ બનશે. નાના મૂલ્યની વિદેશી સંપત્તિ અજાણતાં જાહેર ન કરવા બદલ કરદાતાઓને હવે ન્યાયિક કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે. આ છૂટછાટ કોમ્પ્લાયન્સનું દબાણ ઘટાડશે અને નાની નાની ભૂલોથી થતાં કેસોને અટકાવશે.
નિયમનો દુરુપયોગ થશે?
કેટલાક નિષ્ણાતો દ્વારા સંપત્તિ વિભાજન કરીને આ નિયમનો દુરુપયોગ કરવાની શંકા વ્યક્ત કરાઈ હતી. જો કે નિષ્ણાતોના મતે, ‘₹20 લાખની મર્યાદા કુલ મૂલ્ય પર લાગુ પડે છે, એટલે સંપત્તિનું વિભાજન કરીને નિયમ ટાળવો શક્ય નથી. ઇરાદાપૂર્વક છુપાવવા કે ખોટી રચના કરવાથી દંડ તથા કાર્યવાહી યથાવત્ રહેશે.’
વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવાયો છે
નિષ્ણાતો દ્વારા આ સુધારાને ઉદારતાની નહીં, પરંતુ વ્યવહારિકતાની નિશાની ગણાવાઈ છે. તેમનું કહેવું છે કે, ‘સરકારના આ પગલાંથી નાની ભૂલોને દંડિત કરવાને બદલે મોટા પાયે થતી કરચોરી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે, જે વ્યવહારુ છે.’ નિષ્ણાતોના મતે, ‘વિદેશી સંપત્તિની વિગતો આવકવેરા રિટર્નમાં જાહેર કરવી ફરજિયાત રહેશે, પણ અજાણતાં થઈ ગયેલી નાની ભૂલોને કારણે મળતી રાહત હવે વધુ સ્પષ્ટ બની છે.’
સુધારા હેતુ અને મહત્ત્વ
આ સુધારો લાવવા પાછળનો હેતુ બિનજરૂરી કાયદાકીય કેસોને ટાળવાનો તેમજ મોટા પાયે થતાં કાળા નાણાના દુરુપયોગ પર વધુ કડક કાર્યવાહી કરવાનો છે. આ પગલાં દ્વારા સરકાર સ્પષ્ટ સંદેશ આપે છે કે સામાન્ય કરદાતાઓને રાહત મળશે, પરંતુ કરચોરીના મોટા કેસો સામે કડક વલણ જળવાઈ રહેશે.