ચીન સિવાયના એશિયાઈ બજારોમાં અને યુરોપના બજારોમાં પીછેહઠ
અમદાવાદ : ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલા બાદ ઈરાન દ્વારા ઈઝરાયેલ સહિત ખાડી દેશોમાં અમેરિકાની મિલકતોને ટાર્ગેટ કરવામાં આવતા આ યુદ્ધ વધુ વિકરાળ બન્યું છે. ઈરાન દ્વારા ચારેકોર મિસાઈલોનો મારો ચલાવતા હવે ભારત સહિત વિશ્વના શેરબજારોમાં પણ વિનાશ વેરાયો છે. ભારતના બેંચમાર્ક ઈન્ડેકસ માટે સોમવાર બ્લેક મન્ડે સાબિત થયો હતો. વૈશ્વિક અરાજકતાના માહોલ અને ગ્લોબલ ઈન્ડેકસમાં તારાજીના પગલે સોમવારે સેન્સેકસ-નિફટીમાં ૨ ટકાનો શરૂઆતી કડાકો જોવા મળ્યો હતો. ઓટો, ઈન્ફ્રા, રિયલ્ટી, ઓએમસી, એનર્જી શેરોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મેટલ અને ડિફેન્સ સેક્ટરમાં જ સામાન્ય વધારો સોમવારના સત્રમાં જોવા મળ્યો હતો. આજે ઇન્ટ્રા-ડે ૨૭૪૩ પોઇન્ટના કડાકા બાદ કામકાજના અંતિમ તબક્કામાં બજાર બાઉન્સબેક થયું હતું અને અંતે માત્ર ૧૦૪૮ પોઇન્ટના ગાબડા સાથે બંધ રહ્યું હતું.
સેન્સેક્સમાં ૧૦૪૮ અને નિફ્ટીમાં ૩૧૨ પોઇન્ટનું ગાબડું
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેકસ શુક્રવારના બંધ ભાવ ૮૧,૨૮૭ની સામે ૭૮.૫૪૩ પર ખુલીને દિવસના અંતે ૧૦૪૮ પોઈન્ટ, ૧.૨૯ ટકાના ઘટાડે ૮૦,૨૩૮ પર બંધ આવ્યો હતો. ઈન્ટ્રાડેમાં સેન્સેકસમાં ૭૮,૫૪૩નું તળિયું જોવા મળ્યું હતુ. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી-૫૦ ઈન્ડેકસ ૨૪,૬૦૩નું તળિયું બનાવીને દિવસના અંતે ૩૧૩ પોઈન્ટ, ૧.૨૪ ટકા નીચે ૨૪,૮૬૫ના લેવલે બંધ આવ્યા છે. ઈન્ટ્રાડેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ૨૪,૯૮૯નો હાઈ જોવા મળ્યો હતો. નિફટી બેંક ઈન્ડેકસ પણ ૭૦૦ પોઈન્ટ આસપાસ ઘટીને ૫૯,૮૩૯એ ક્લોઝ આવ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં દોઢ ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. આજના સત્રમાં વોલાટિલિટી ઈન્ડેકસ ઈન્ડિયા વીક્સ ૨૫ ટકા વધ્યું હતુ. ઈન્ડિયા વોલાટિલિટી ઈન્ડેકસ ઈન્ટ્રાડેમાં ૧૭.૮૧ સુધી ઉંચકાઈને દિવસના અંતે ૨૫.૦૪ ટકા વધીને ૧૭.૧૩ પર ક્લોઝ આવ્યો છે.
બજારમાં વાયદા એક્સપાયરીનું જોવાયેલું દબાણ
સોમવારે નિફટી ૫૦ ઈન્ડેકસની વીકલી એક્સપાયરી પણ હતી. આવતીકાલે મંગળવારે હોળી નિમિત્તે ભારતીય શેરમાર્કેટમાં રજા હોવાથી વાયદા કોન્ટ્રાકટની સમાપ્તિ આજે સોમવારે હતી. સામાન્ય રીતે વલણ સમાપ્તિના દિવસે ભારે વોલાટીલિટી જોવા મળતી હોય છે પરંતુ આજે તો આ વૈશ્વિક કારણોસર શરૂઆતી કડાકાના કારણે વધઘટ વધુ ભારે જોવા મળી હતી. બજાર નિષ્ણાંતોના મતે એટીએમ અને ઓટીએમ સ્ટ્રેાઇકમાં નોંધપાત્ર કોલ રાઈટિંગને કારણે આગામી સમયમાં બજારમાં સુધારાનો અવકાશ મર્યાદિત જણાઈ રહ્યો છે.
૮૬૯ શેર બાવન સપ્તાહના તળિયે
ગલ્ફ દેશોના આ યુદ્ધની અસર ભારતીય રોકાણકારોના પોર્ટફોલિયો પર સવિશેષ પડી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે તારાજી સર્જાઈ હતી. બીએસઈ ખાતે સોમવારના સત્રમાં ૧થ૫નો એડવાન્સ-ડિકલાઈન રેશિયો જોવા મળ્યો હતો. સૌથી ચોંકાવનારો આંકડો ૫૨ વીક લોનો હતો. બીએસઈ પર આજે ૮૬૯ શેર ૫૨ સપ્તાહના તળિયે પહોંચી ગયા હતા. એક વર્ષના તળિયે પહોંચનારા ટોચના નામો પર નજર કરીએ તો ટીસીએસ, આઈટીસી, ટ્રેન્ટ, વિપ્રો, કોફોર્જ, ડિક્સન ટેક્નોલોજીસ, ઈન્ફો એજ (ઈન્ડિયા), શ્રી સિમેન્ટ, એસઆરએફ, સુઝલોન એનર્જી અને યુનાઈટેડ સ્પિરિટ્સ, એબોટ ઈન્ડિયા, અદાણી ટોટલ ગેસ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, બર્જર પેઇન્ટ્સ ઈન્ડિયા, કન્ટેનર કોર્પોરેસન ઓફ ઈન્ડિયા (કોન્કોર), આઈઆરસીટીસીઅને યુકો બેંક પણ ૫૨ સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા.
રોકાણકારોના ૬ લાખ કરોડ સ્વાહા
ભારતીય શેરમાર્કેટમાં સોમવારે જોવા મળેલી તારાજીમાં ઈન્વેસ્ટરોના ૬ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ભારતના સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં મસમોટો ઘટાડો આવ્યો છે. શુક્રવારના બંધ ભાવે બીએસઈ લિસ્ટેડ શેરોની માર્કેટ કેપિટલ ૪૬૩.૨૫ લાખ કરોડ રૂપિયા હતી, જે સોમવારના ઘટાડા બાદ ૫૪૬.૯૬ લાખ કરોડે પહોંચી ગઈ છે. આવતી કાલે બીએસઇ અને એનએસઇ હોળી પર્વને અનુલક્ષીને બંધ રહેશે
FIIના વેચાણ સામે DIIની ખરીદી
આજે વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ-એફપીઆઈ)એ ભારતીય ઇક્વિટીમાંથી ૩૨૯૬ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું છે. આ સિવાય, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલેકે ડીઆઈઆઈએ ૮૫૯૪ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
પ્રી-ઓપનમાં સેન્સેકસમાં ૭૨૦૦ પોઇન્ટનો કડાકો
સોમવારે ભારતીય માર્કેટના પ્રી-ઓપન સેશનમાં સેન્સેકસમા એકસમયે ૭૩૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો અને ઈન્ડેકસ ૭૪,૦૦૦ નીચે ઉતર્યો હતો. સેન્સેકસની સાથે-સાથે નિફટી પણ ૯૦૦ પોઇન્ટ આસપાસ ઘટીને ૨૪,૩૦૦ સુધી ગગડયો હતો. જોકે ૭.૫૦-૮ ટકાના કડાકાના સંકેત બાદ ઈન્ડેકસ સેટલમેન્ટને અંતે ૨ ટકા નીચે ખુલ્યા હતા અને ક્લોઝિંગમાં સવાથી દોઢ ટકાનો ઘટાડો હતો. BSE ૫૦૦ ઈન્ડેકસ પણ પ્રી-ઓપનમાં ૮ ટકા તૂટયો હતો.
વૈશ્વિક શેરબજારોનો દેખાવ
|
દેશ |
ઇન્ડેન્ક્સ
મુવમેન્ટ (પોઇન્ટમાં) |
|
લંડન |
- ૧૭૩ |
|
ફ્રાન્સ |
- ૧૯૫ |
|
જર્મની |
- ૬૪૭ |
|
જાપાન |
- ૭૯૩ |
|
સિંગાપોર |
- ૧૦૪ |
|
હોંગકોંગ |
- ૫૭૦ |
|
તાઇવાન |
- ૩૧૯ |
|
ઇન્ડોનેશિયા |
- ૨૧૮ |
|
ચીન |
+ ૨૦ |


