200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી

Billionaire List : વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં 7 અબજોપતિઓ 200 અબજ ડૉલરના ક્લબમાં સામેલ છે. નવી એન્ટ્રી બર્નાર્ડ અર્નાલ્ટની થઈ છે, જે ન તો અમેરિકન છે કે ન તો ટેક ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. ટોપ-6માં અમેરિકનોનો કબજો છે અને તમામ ટેકનોલોજીના મહારથી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટ પ્રમાણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક 457 અબજ ડૉલરની કુલ નેટવર્થ સાથે ટોપ પર છે, ભલે તેમની સંપત્તિમાં તાજેતરમાં લગભગ 4 અબજ ડૉલરનો ઘટાડો આવ્યો હોય. તેમ છતાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 24 અબજ ડૉલરનો વધારો તેમને ટેક વર્લ્ડના બેજોડ પ્રતીક તરીકે જાળવી રાખે છે.
લેરી એલિસન 295 અબજ ડૉલરની નેટવર્થ સાથે બીજા નંબર પર
ત્યારબાદ લેરી એલિસન 295 અબજ ડૉલરની નેટવર્થ સાથે બીજા નંબર પર છે. તેમની ઓરેકલ કંપનીએ ક્લાઉડ અને AI મોરચે સ્પર્ધા કરીને 2025માં સૌથી વધુ ધન વૃદ્ધિ કરાવનારાઓઓમાં સામેલ કર્યા છે. તેમણે માત્ર આ જ વર્ષે 103 અબજ ડૉલર જોડ્યા છે.
જેફ બેઝોસ 269 અબજ ડૉલરની નેટવર્થ સાથે ત્રીજા સ્થાન પર
જેફ બેઝોસ 269 અબજ ડૉલરની નેટવર્થ સાથે ત્રીજા સ્થાન પર છે. જોકે એમેઝોનનો ઈ-કોમર્સ ગ્રોથ હવે પહેલા જેટલો ઝડપી નથી રહ્યો, ક્લાઉડ સેવાઓ અને AI ડ્રોન લોજિસ્ટિક્સમાં રોકાણથી તેમને લાભ થયો.
ગુગલના સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિન અનુક્રમે 251 અને 235 અબજ ડૉલર સાથે ચોથા અને પાંચમા સ્થાન પર છે. બંનેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ગૂગલના વિસ્તરણથી પોતાની સંપત્તિમાં અનુક્રમે 83 અને 76 અબજ ડૉલરનો જંગી વધારો નોંધાવ્યો છે.
માર્ક ઝુકરબર્ગની 222 અબજ ડોલર સંપત્તિ
માર્ક ઝુકરબર્ગની 222 અબજ ડોલર સંપત્તિ છે, જોકે આ વર્ષે તેમના કુલ નેટવર્થમાં થોડો સુધારો થયો છે. મેટાવર્સ અને રિયાલિટી લેબ્સમાં વધતા ખર્ચ છતાં તેમની ટેક પકડ હજુ પણ મજબૂત છે.
એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી
આ યાદીમાં એકમાત્ર બિન-અમેરિકન અને લક્ઝરી બ્રાન્ડ LVMHના પ્રતિનિધિ ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટની સંપત્તિ 200 અબજ ડૉલર છે. તેમણે પણ આ વર્ષે લગભગ 24 અબજ ડૉલરની સકારાત્મક વૃદ્ધિ હાંસલ કરી છે, જે સાબિત કરે છે કે, વપરાશનું આકર્ષણ ટેક દિગ્ગજોની ચમકમાં પણ કાયમ છે.
200 અબજ ડૉલર ક્લબની બહાર, પરંતુ ખૂબ નજીક
200 અબજ ડૉલર ક્લબની બહાર પરંતુ ખૂબ નજીક સ્ટીવ બાલ્મર, જેન્સન હુઆંગ અને માઈકલ ડેલ જેવા દિગ્ગજો છે, જેમની કુલ સંપત્તિ અનુક્રમે 175, 168 અને 153 અબજ ડૉલર છે. વિશેષ રૂપે એનવિડિયાના CEO હુઆંગનો ઉછાળો નોંધપાત્ર છે. વાર્ષિક 53 અબજ ડોલરની વૃદ્ધિએ AI ચિપ માર્કેટને વિશ્વના સૌથી ગરમ રોકાણ ક્ષેત્રોમાં ફેરવી દીધું છે.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ
હાલમાં ટોપ-10 અબજોપતિઓમાંથી સાત સ્થાન માત્ર ટેકનોલોજી સેક્ટર પાસે છે અને 200 અબજ ડૉલર ક્લબ હવે એક પ્રતીક બની ગયું છે જે દર્શાવે છે કે, ડેટા, એઆઈ અને ઈનોવેશનની દિશામાં નેતૃત્વ કરનારા કેટલી ઝડપથી આર્થિક શક્તિ પ્રાપ્ત કરી રહ્યા છે.

