Get The App

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગ પર સંકટ

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગ પર સંકટ 1 - image


Bangladesh Textile Crisis : બાંગ્લાદેશે હિંસાનો સામનો કર્યા બાદ, તખ્તાપલટો થયા બાદ હવે વધુ એક સંકટ સામે ઝઝુમી રહ્યું છે. દેશમાં સ્થિતિ એવી છે કે, હવે ત્યાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પડી ભાંગી છે, જેના કારણે ત્યાંના લાખો લોકો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક ટેક્સટાઇલ મિલ માલિકોએ ચેતવણી આપી છે કે, જો સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં યાર્ન (કાપડ વણવા માટેનો દોરો) ની ડ્યુટી-ફ્રી આયાત (કરમુક્ત આયાત)ની સુવિધા ફરી શરૂ નહીં કરે, તો પહેલી ફેબ્રુઆરીથી દેશભરના સ્પિનિંગ યુનિટ્સ (દોરો કાંતવાના એકમો)માં ઉત્પાદન ઠપ કરી દેવામાં આવશે.

ભારત અને ચીનના કારણે વધ્યું સંકટ !

વાસ્તવમાં બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રાલયે 'બોન્ડેડ વેરહાઉસ સિસ્ટમ' હેઠળ આયાત થતી યાર્ન પરની ડ્યુટી-ફ્રી સુવિધા સ્થગિત કરવાની ભલામણ કરી છે, જેના કારણે આ સંકટ ઉભું થયું છે. સરકારનું માનવું છે કે, કરમુક્ત યાર્નની આયાતને કારણે સ્થાનિક સ્પિનિંગ મિલોને ભારે નુકસાન થયું છે. બીજી તરફ, ગાર્મેન્ટ ઉત્પાદકો વર્ષોથી ભારતથી કોટન યાર્ન અને ચીનથી પોલિએસ્ટર યાર્નની આયાત કરી રહ્યા છે, કારણ કે તે સસ્તા અને ગુણવત્તામાં ચઢિયાતા છે. સ્થાનિક મિલ માલિકોનું કહેવું છે કે, ભારત અને ચીનથી મોટા પાયે યાર્નની આયાત થવાને કારણે સ્થાનિક ઉદ્યોગો ઊંડા આર્થિક સંકટમાં ફસાયા છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ હત્યા! ગેરેજમાં સૂતા યુવકને જીવતો સળગાવી દીધો

કાપડ ઉદ્યોગને રૂ.18000 કરોડનું નુકસાન

બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગેસ સંકટના કારણે કાપડ ઉદ્યોગને લગભગ 2 અબજ ડૉલર (અંદાજે 18,318 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. ગેસની અછત, અનિયમિત પુરવઠો અને વધતી કિંમતોના કારણે અનેક સ્પિનિંગ મિલોની ઉત્પાદન ક્ષમતા 50 ટકા સુધી ઘટી ગઈ છે. આ તમામ સંકટ છતાં સરકાર દ્વારા ગેસની સબસિડી પણ અપાતી નથી અને કોઈ આર્થિક મદદ પણ કરાતી નથી. બાંગ્લાદેશ ટેક્સટાઈલ એસોસિએશન (BTMA)ના જણાવ્યા મુજબ, ભારતથી આવતા સસ્તા યાર્નને કારણે બજાર ઉભરાઈ ગયું છે અને સ્થાનિક મિલોનું ૧૨,૦૦૦ કરોડ ટકાથી પણ વધુની કિંમતનું યાર્ન વેચાયા વગર પડી રહ્યું છે. અત્યાર સુધીમાં 50થી વધુ મિલો બંધ થઈ ગઈ છે, જેના કારણે હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી છે.

10 લાખ નોકરીઓ પર ખતરો

એસોસિએશનની માંગ છે કે, 10થી 30 કાઉન્ટના સુતરાઉ દોરા (કોટન યાર્ન)ની આયાત પર જે કરમુક્તિ મળે છે, તેને નાબૂદ કરવામાં આવે. તેમણે ગેસ પર સબસિડી શરૂ કરવાની અને અડચણ વગર પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે. સરકારના ડેટા મુજબ બાંગ્લાદેશે 2025માં બે અબજ ડૉલરનો ખર્ચ કરીને લગભગ 70 કરોડ કિલોગ્રામ યાર્નની આયાત કરી છે. આમાંથી 78 ટકા યાર્ય ભારતથી આયાત કરાયું છે. એસોસિએશન વચગાળાની સરકારને ચેતવણી આપી છે કે, જો પહેલી ફેબ્રુઆરીથી સ્પિનિંગ યુનિટ્સ બંધ થઈ જશે તો લગભગ 10 લાખ નોકરીઓ ખતરામાં પડી શકે છે, જેના કારણે સામાજિક અશાંકી ઉભી થવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : બંકરમાં સુપ્રીમ લીડર અને દરિયામાં અમેરિકી જહાજો: શું ઈરાન પર તોળાઈ રહ્યો છે મહાયુદ્ધનો ખતરો?