તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં ઓટો ઉદ્યોગમાં ઊંચી માગ ટકી રહી
- ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સની રવાનગીનો આંક નવી ઊંચી સપાટીએ

મુંબઈ : વર્તમાન વર્ષના નવેમ્બરમાં ઓટો ઉત્પાદન એકમો ખાતેથી ડીલરોને ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સની રવાનગીનો આંક નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તહેવારોની મોસમ બાદ પણ માગ જળવાઈ રહી હોવાનું વાહનોની રવાનગીના ઊંચા આંક પરથી જણાતું હતું.
ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સની રવાનગીમાં ગત મહિને દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી હતી. વાહન ખરીદનારાઓના માનસમાં સુધારો અને જીએસટીમાં ઘટાડાને કારણે આ વૃદ્ધિ જોવા મળી હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના સુત્રોએ જણાવ્યું હતું.
ઊતારૂ વાહનોની હોલસેલ રવાનગી નવેમ્બરમાં વાર્ષિક ધોરણે ૧૮.૭૦ ટકા વધી ૪,૧૨,૪૦૫ એકમ રહી હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં ૩,૪૭,૫૨૨ એકમ જોવા મળી હતી. કોઈ વર્ષના નવેમ્બરનો આ અત્યારસુધીનો સૌથી ઊંચો આંક છે.
સ્કૂટર્સ, મોટરસાઈકલ્સ તથો મોપેડસ મળી ટુ વ્હીલર્સની રવાનગી ૨૧.૨૦ ટકા વધી ૧૯,૪૪,૪૭૫ એકમ રહી હતી જે ગયા વર્ષના નવેમ્બરમાં ૧૬,૦૪,૭૪૯ જોવા મળી હતી. તહેવારો બાદની માગ જળવાઈ રહેવા ઉપરાંત સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડાને કારણે નવેમ્બરમાં પણ વેચાણમાં ગતિ ટકી રહી હતી, એમ સોસાયટીના ડાયરેકટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું. જીએસટીમાં ઘટાડાની સાથે ખરીદદારોના માનસમાં સુધારાને પરિણામે ૨૦૨૬માં પણ ઓટો ઉદ્યોગમાં વેચાણ વૃદ્ધિ જળવાઈ રહેવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી.
થ્રી વ્હીલર્સની હોલસેલ રવાનગી પણ ૨૧.૩૦ ટકા વધી ૭૧૯૯૯ એકમ રહી છે. થ્રી વ્હીલર્સમાં જો કે ઈ-રીક્ષાનું આકર્ષણ ઘટયું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ગયા વર્ષના નવેમ્બરમાં ૧૫૨૭ની તુલનાએ વર્તમાન વર્ષના નવેમ્બરમાં ઈ-રીક્ષાની રવાનગીનો આંક ૨૫ ટકા ઘટી ૧૧૩૬ રહ્યો હતો.

