જાન્યુઆરી વલણના અંતે બેંકિંગ શેરોમાં કડાકો બોલાતાં સેન્સેક્સ 774 પોઈન્ટ તૂટયો

Updated: Jan 25th, 2023


અદાણી ગ્રુપ મામલે હિડનબર્ગના શોર્ટ પોઝિશનના નેગેટીવ રીપોર્ટના પગલે....

નિફટી 226 પોઈન્ટ ગબડીને 17892 :  બેંકેક્સ 1172 પોઈન્ટ ખાબક્યો : FII/FPIsની રૂ.2393 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ: અદાણી એન્ટરપ્રાઈસીઝ લિમિટેડના રૂ.૨૦,૦૦૦ કરોડના શેરોની ફોલોઓન પબ્લિક ઓફર(એફપીઓ) જનરલ પબ્લિક માટે શુક્રવારે ૨૭,જાન્યુઆરીના ખુલતાં પૂર્વે જ અદાણી ગુ્રપની છબી ખરડાવવાના કહેવાતા પ્રયાસમાં યુ.એસ. સ્થિત હિડનબર્ગ દ્વારા પોતે અદાણી ગુ્રપ કંપનીઓના વધતાં દેવા બાબતે ચિંતિત હોવાનું  જણાવી યુ.એસ. ટ્રેડેડ બોન્ડસ અને બિન ભારતીય ટ્રેડેડ ડેરિવેટીવ્ઝ સાધનો થકી શોર્ટ પોઝિશન ધરાવતા હોવાના આપેલા રીપોર્ટની નેગેટીવ અસરે આજે બેંકિંગ  ક્ષેત્રે રોકાણકારોનો ફફડાટ ફેલાઈ જતાં બેંકિંગ શેરો તેમ  જ અદાણી ગુ્રપ શેરો પાછળ બજારમાં કડાકો બોલાઈ ગયો હતો. હિન્ડેનબર્ગ  દ્વારા રીપોર્ટમાં જણાવ્યા મુજબ અદાણી ગુ્રપની સાત લિસ્ટેડ કંપનીઓમાં આસમાની ઊંચાઈના વેલ્યુએશનના કારણે ફંડામેન્ટલ ધોરણે ૮૫ ટકા ઘટાડાની શકયતા હોવાનો અંદાજ બતાવતાં બજારમાં નાના થી લઈ મોટા ઈન્વેસ્ટરો, ફંડો ગભરાટમાં આવી જઈ ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના આજે અંતે તેજીની ઓપન પોઝિશન સરખી કરવા લાગ્યા હતા. અલબત ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના અંત અને અદાણી એન્ટરપ્રાઈસીઝના એફપીઓ પૂર્વે જ આ પ્રકારના અહેવાલ વહેતાં કરીને વૈશ્વિક જાયન્ટ ફંડો દ્વારા એફ એન્ડ ઓના ખેલંદાઓની મોટી ગેમ કરી દેવાયાની ચર્ચા હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, આઈટી શેરોમાં પણ ઓફલોડિંગ થતાં એક તબક્કે સેન્સેક્સ ૮૯૭.૩૯ પોઈન્ટ તૂટીને નીચામાં ૬૦૦૮૧.૩૬ સુધી આવી જઈ અંતે ૭૭૩.૬૯ પોઈન્ટ ગબડીને ૬૦૨૦૫.૦૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ એક તબક્કે ૨૭૨.૧૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૮૪૬.૧૫ સુધી ખાબકી અંતે ૨૨૬.૩૫ પોઈન્ટ ગબડીને ૧૭૮૯૧.૯૫ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૧૧૭૨ તૂટયો ઃ સ્ટેટ બેંક રૂ.૨૬ તૂટીને રૂ.૫૬૮ ઃ બીઓબી, ઈન્ડસઈન્ડ, એચડીએફસી બેંક ગબડયા

અદાણી ગુ્રપના વધતાં દેવા અને વેલ્યુએશન મામલે ચિંતા વ્યકત કરતાં અને શોર્ટ પોઝિશનના અહેવાલના પગલે આજે ગુ્રપને જંગી લોન આપનારી બેંકોનું ધિરાણ જોખમમાં આવી પડવાનો ફફડાટ ફેલાઈ જતાં બેંકિંગ શેરોમાં ગભરાટરૂપી વેચવાલીએ ગાબડાં પડયા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૭૧.૭૩ પોઈન્ટ તૂટીને ૪૭૧૯૯.૫૩ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૮.૧૫ તૂટીને રૂ.૧૬૯.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૫.૫૫ તૂટીને રૂ.૫૬૮.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૫૧.૬૫ ઘટીને રૂ.૧૧૬૦.૭૦, એયુ સ્મોલ  ફાઈનાન્સ રૂ.૧૯.૨૦ ઘટીને રૂ.૬૧૫.૨૦, એચડીએફસી બેંક રૂ.૪૭.૧૦ તૂટીને રૂ.૧૬૪૮.૨૦, એક્સિસ બેંક રૂ.૧૮.૩૫ ઘટીને રૂ.૮૯૧.૭૦ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૯૫ પોઈન્ટ તૂટયો ઃ સીજી કન્ઝયુમર, ડિક્સન, વોલ્ટાસ, હવેલ્સ, ટાઈટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે મોટાપાયે વેચવાલી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૯૫.૯૮ પોઈન્ટ ઘટીને ૩૭૭૯૯.૪૮ બંધ રહ્યો હતો. સીજી કન્ઝયુમર રૂ.૧૧.૩૫ તૂટીને રૂ.૩૨૭.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૧૩.૨૫ ગબડીને રૂ.૩૩૬૪.૬૫, વોલ્ટાસ રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૭૫૬.૯૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૪.૯૦ ઘટીને રૂ.૨૫૫.૯૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૧૧૮૧.૧૫, ટાઈટન કંપની રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૨૩૫૬.૪૫ રહ્યા હતા.

ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૬૯ તૂટયો ઃ અદાણી ગેસ રૂ.૧૪૦ તૂટીને રૂ.૩૭૪૫ ઃ રિલાયન્સ રૂ.૩૨ ઘટયો

ઓઈલ-ગેસ શેરોમાં આજે અદાણી ગુ્રપ મામલે નેગેટીવ અહેવાલની અસરે હેમરીંગ થયું હતું. અદાણી ટોટલ ગેસ રૂ.૧૪૦.૪૫ તૂટીને રૂ.૩૭૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૨૦ ઘટીને રૂ.૨૩૮૨.૯૫, ગુજરાત ગેસ રૂ.૫.૪૦ ઘટીને રૂ.૪૬૪.૫૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૮.૯૫ ઘટીને રૂ.૪૧૪.૯૫, ગેઈલ રૂ.૧ ઘટીને રૂ.૧૦૧ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૬૯.૨૪ પોઈન્ટ તૂટીને ૨૦૬૬૮.૬૪ બંધ રહ્યો હતો.

શેરોમાં સાર્વત્રિક ધબડકો ઃ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં ઃ ૨૪૯૨ શેરો નેગેટીવ બંધ

અદાણી ગુ્રપ મામલે અહેવાલે સેન્ટીમેન્ટ અત્યંત ખરાબ થઈ શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓએ ધૂમ વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૬  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૧૦૩૭ અને ઘટનારની સંખ્યા ૨૪૯૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૩૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી :DIIની રૂ.૧૩૭૮કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝ  આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૩૯૩.૯૩  કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૮૫૯.૧૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૨૫૩.૦૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૩૭૮.૪૯ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૮૧૧૧.૬૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૭૩૩.૧૨ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૯૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૬.૪૯ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે ફંડો, ઈન્વેસ્ટરોએ ગભરાટમાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ધૂમ વેચવાલી કરતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં જ રૂ.૩.૯૦ લાખ  કરોડ ધોવાઈ જઈ રૂ.૨૭૬.૪૯ લાખ કરોડ રહી ગયું હતું.


    Sports

    RECENT NEWS