મહારાષ્ટ્રમાં પૂર તથા ચૂંટણીને પરિણામે પ્રારંભિક તબક્કામાં ખાંડના ઉત્પાદનમાં પચાસ ટકા ઘટ
- દેશના મોટાભાગના રાજ્યોમાં આ વર્ષે શેરડી પિલાણ કામગીરી મોડી શરૂ થઈ
લખનઉ, તા. 03 ડિસેમ્બર 2019, મંગળવાર
પૂર તથા ચૂંટણીને કારણે મહારાષ્ટ્રમાં શેરડી પિલાણની કામગીરી ઢીલમાં પડતા, ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૧૯-૨૦ની ખાંડ મોસમમાં ૩૦ નવેમ્બર સુધી ખાંડનું ઉત્પાદન ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ પચાસ ટકાથી પણ નીચે રહ્યું છે. ૩૦ નવેમ્બર સુધીમાં ૧૯ લાખ ટન ખાંડ ઉત્પન્ન થઈ છે જે ગઈ મોસમના આ ગાળા સુધીમાં ૪૧ લાખ ટન ઉત્પન્ન થઈ હતી.
ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા)ના આંકડા પ્રમાણે, વર્તમાન મોસમમાં માત્ર ૨૭૯ ખાંડ મિલો કાર્યરત છે જ્યારે ગયા વર્ષે આ ગાળામાં ૪૧૮ મિલો કાર્યરત રહી હતી.
મહારાષ્ટ્રમાં પૂર તથા ચૂંટણીને કારણે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યની ખાંડ મિલોએ આ વર્ષે પિલાણ કામગીરી એક મહિનો મોડી શરૂ કરી છે. અત્યારસુધી ૪૩ મિલોએ પિલાણ કામગીરી શરૂ કરીને ૬૭ હજાર ટન ખાંડ ઉત્પન્ન કરી છે જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૧૭૫ ખાંડ મિલોએ ૧૯ લાખ ટન ખાંડ ઉત્પન્ન કરી હતી.
દેશમાં ઉત્તર પ્રદેશ ખાંડનું મોટુ ઉત્પાદક રાજ્ય છે અને ૧૧૧ ખાંડ મિલો હાલમાં કાર્યરત છે. આ ખાંડ મિલોએ ૧૧ લાખ ટન ખાંડ ઉત્પન્ન કરી છે જે ગયા વર્ષે ૧૦૫ મિલોએ દસ લાખ ટનથી ઓછુ ઉત્પાદન કર્યું હતું.
કર્ણાટકમાં ૮.૪૦ લાખ ટનની સરખામણીએ આ વર્ષે ૫.૨૧ લાખ ટન્સ ખાંડ ઉત્પન્ન થઈ છે. દેશમાં આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલતા મોટાભાગના રાજ્યોમાં ખાંડ પિલાણ કામગીરી મોડી શરૂ થઈ છે, તેને કારણે પણ ઉત્પાદન હાલમાં ગયા વર્ષની સરખામણીએ ઓછું જોવા મળી રહ્યું છે એમ ઈસ્મા દ્વારા દાવો કરાયો છે. વર્તમાન મોસમના અંતે દેશનું ખાંડ ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ વીસ ટકા ઓછું રહીને ૨.૬૦ કરોડ ટન રહેવા ધારણાં છે. ૨૦૧૮-૧૯ની મોસમમાં ૩.૩૦ કરોડ ટન ખાંડ ઉત્પન્ન થઈ હતી.
૧૫ લાખ ટન ખાંડની નિકાસ માટેના કોન્ટ્રેકટ થયા છે, એમ બજારના સુત્રોને ટાંકીને ઈસ્માએ જણાવ્યું હતું. ભારતની ખાંડની નિકાસ ઈરાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, આફ્રિકાના દેશો વગેરે ખાતે થાય છે.