ચીન ખાતેથી આયાત થતા રબરની એન્ટી ડમ્પિંગ ડયૂટી માટેની તપાસ શરૂ કરાઈ
- આયાતથી સ્થાનિક ઉદ્યોગને મોટાપાયે નુકસાન થતું હોવાના પ્રાથમિક તપાસમાં સંકેત

મુંબઈ : ચીન ખાતેથી આયાત થતા રબરની વાણિજ્ય મંત્રાલયની પાંખ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીસે (ડીજીટીઆર) એન્ટી-ડમ્પિંગ ડયૂટી તપાસ શરૂ કરી છે. ચીનના રબરનો ઉપયોગ મોટેભાગે ઓટો ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે.
સ્થાનિક ઉદ્યોગ દ્વારા કરાયેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે હેલો ઈસોબ્યુટન અને ઈસોપ્રેન રબરના ડમ્પિંગથી નુકસાન થઈ રહ્યું છે.
થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખી ચીનના રબર પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા વિનંતી કરવામાં આવી હોવાનું ડીજીટીઆર દ્વારા એક નોટિફિકેશનમાં જણાવાયું હતું. ફરિયાદમાં પ્રથમ દર્શિય રીતે તથ્ય જણાતા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ નોટિફિકેશનમાં નોંધવામાં આવ્યું છે.
ચીનના રબરના ડમ્પિંગને કારણે ઘરેલુ ઉદ્યોગને નુકસાન થઈ રહ્યાનું સ્પષ્ટ થશે તો ડીજીટીઆર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા ભલામણ કરશે.
ડયૂટી લાગુ કરવા અંગેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવે છે. આ પ્રોડકટનો ઉપયોગ બાઈસિકલની અંદરની ટયૂબ્સ, ઊતારૂ કાર, ટ્રકસ તથા અન્ય ટાયરોના ઉત્પાદનમાં થાય છે. આ ઉપરાંત હોસિસ, સીલ્સ, ટેન્ક લાઈનિંગ્સ, કન્વેયર બેલ્ટસના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે.
દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા ભારતે અનેક પ્રોડકટસની આયાત પર ડયૂટી લાગુ કરવામાં આવી છે.

