અમેરિકાનો જોબ ગ્રોથ ફેન્ટાસ્ટિક આવતાં ડોલર ઉછળ્યો
- શનિવારે કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૧.૪૦ વાળા વધી રૂ.૭૧.૫૫ બોલાયા: ક્રૂડ તથા કોપરના ભાવમાં ઘટાડો: ઈરાનમાં ઉત્પાદન વધ્યું
- સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તેજીની આગેકૂચ
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 08 ફેબુ્રઆરી 2020, શનિવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ વધ્યાના વાવડ હતા. દરમિયાન, અમેરિકામાં જોબગ્રોથના આંકડા સારા આવતાં વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં ઘરઆંગણે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.
આજે ડોલરના ભાવ રૂ.૭૧.૪૦ વાળા વધી રૂ.૭૧.૫૫થી ૭૧.૫૬ આસપાસ બોલાઈ રહ્યા હતા. આ જોતાં સોમવારે કરન્સી બજારમાં ખુલતી બજારે રૂપિયો નબળો ખુલવાની શક્યતા જાણકારો બતાવતા હતા. દરમિયાન વિશ્વ બજારમાં સોના-ચાંદી ઉંચકાતાં તથા ઘરઆંગણે ડોલર ઉંચો જતાં મુંબઈ બુલિયન બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા.
મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૦૫૦૩ વાળા રૂ.૪૦૬૦૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૦૬૬૬ વાળા રૂ.૪૦૭૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૬૨૩૦ વાળા રૂ.૪૬૨૫૦ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવ આ ભાવથી રૂ.૯૦૦થી ૧૦૦૦ ઉંચા રહ્યા હતા. તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૫૬૬.૭૦ ડોલરવાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૧૫૭૦.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા. ચીનના ઘાતક વાયરસનો અંત ૧૫૭૦.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા. ચીનના ઘાતક વાયરસનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધતાં તથા ચીનમાં પણ મરણનો આંક ઉંચો જતાં વિશ્વ બજારમાં આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં ફંડવાળા લેવાલ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૧૭.૭૧થી ૧૭.૭૨ ડોલરવાળા સપ્તાહના અંતે ૧૭.૭૩થી ૧૭.૭૪ ડોલર રહ્યા હતા. જ્યારે મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૬૨૩૦ વાળા રૂ.૪૬૨૫૦ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં જાન્યુઆરીનો જોબગ્રોથ ૨ લાખ ૨૫ હજાર આવ્યો છે. આની અપેક્ષા ૧ લાખ ૫૮ હજારની હતી તેના બદલે આવો જોબગ્રોથ અપેક્ષાથી ઉંચો આવ્યો છે. ત્યાં ડિસેમ્બરના આ આંકડા બે હજાર અપવર્ડ રિવાઈઝ કરાતાં ૧ લાખ ૪૭ હજારના આવ્યા છે જ્યારે નવેમ્બરના આવા આંકડા પાંચ હજાર અપવર્ડ રિવાઈઝ કરાઈ ૨ લાખ ૬૧ હજાર બહાર પડયા છે. ત્યાં તાજેતરમાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ ઘટી ૯ મહિનાના તળિયે ઉતર્યા પછી હવે જોબગ્રોથના આંકડા પણ પ્રોત્સાહક આવ્યા છે.
આના પગલે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચો ગયો છે. જોકે ત્યાં બેરોજગારીનો દર ૩.૫૦ ટકા વાલો સહેજ વધી ૩.૬૦ ટકા આવ્યો છે જ્યારે સામે વેતનવૃદ્ધી વધી ૩.૧૦ ટકા થતાં કલાકનો વેતન વધી સરેરાશ ત્યાં ૨૮.૪૪ ડોલર થયાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ નરમ રહ્યા હતા. ચીનના ઘતાક વાયરસના ઉપદ્રવના પગલે વૈશ્વિક અર્થતંત્ર નબળું પડતાં ક્રૂડતેલની માગ ઘટવાનક્શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
ક્રૂડના ભાવ સપ્તાહના અંતે આશરે એકથી સવા ટકો ઘટતાં છેલ્લે બેરલના ભાવ બ્રેન્ટક્રૂડના ૫૫ ડોલરની અંદર ૫૪.૪૫થી ૫૪.૫૦ ડોલર રહ્યા હતા જયારે ન્યુયોર્કના ભાવ છેલ્લે ૫૦.૩૦ થી ૫૦.૩૫ ડોલર રહ્યા હતા.
ઈરાનથી મળતા સમાચાર મુજબ અમેરિકાએ લાદેલા પ્રતિબંધા છતાં ઈરાનમાં ક્રૂડતેલનું ઉત્પાદન વધી દૈનિક સરેરાશ ૩૭ લાખ બેરલ્સનું રહ્યું છે. જોકે ત્યાંથી નિકાસ ઘટી છે દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં સપ્તાહના અંતે કોપરના ભાવ ન્યુયોર્ક વાયદાના ફરી ઘટી છેલ્લે ૧.૫૦થી ૧.૬૦ ટકા માઈનસમાં રહ્યા હતા.
લંડન બજારમાં કોપરના ભાવ વધ્યા મથાળેથી ફરી ઘટી ટનના ૩ મહિનાની ડિલીવરીના છેલ્લે સપ્તાહના અંતે ૫૭૦૦ ડોલર ની અંદર ૫૬૬૦થી ૫૬૬૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના છેલ્લે ૯૬૭.૭૦ ડોલર તથા પેલેડીયમના ઘટી ૨૩૨૦.૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા.