mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ખેડૂતોના 12.68 કરોડ ખાતાઓમાં બેંકોએ રૂ. 20 લાખ કરોડથી વધુની કૃષિ લોન આપી

- કિસાન ક્રેડિટ કાર્ડ પર રૂ. ૮.૮૫ લાખ કરોડનું લેણું બાકી

Updated: Feb 24th, 2024

ખેડૂતોના 12.68 કરોડ ખાતાઓમાં બેંકોએ રૂ. 20 લાખ કરોડથી વધુની કૃષિ લોન આપી 1 - image


અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંકોએ એપ્રિલ-જાન્યુઆરીમાં ૨૦.૩૯ લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે, જ્યારે ૨૦૧૩-૧૪માં ખેડૂતોને ૭.૩ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. કૃષિ મંત્રાલયના સૂત્રોએ માહિતી આપી કે આ વર્ષે ઉપરોક્ત લોન ૧૨.૬૮ કરોડ ખાતાઓમાં આપવામાં આવી હતી.

સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં કૃષિ માટે રૂ. ૨૦ લાખ કરોડની લોનનો લક્ષ્યાંક રાખ્યો હતો જેનો અર્થ એ થયો કે બેંકોએ પહેલેથી જ લક્ષ્યાંક પાર કરી લીધો છે અને સંભવિત છે કે આ નાણાકીય વર્ષમાં આ આંકડો રૂ. ૨૨ લાખ કરોડને પાર કરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બેંકોએ કૃષિ માટે રૂ. ૨૧.૫૫ લાખ કરોડની લોનનું વિતરણ કર્યું હતું, જે રૂ. ૧૮.૫૦ લાખ કરોડના લક્ષ્યાંક કરતાં વધુ હતું.

આ ઉપરાંત કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) દ્વારા પશુપાલન અને મત્સ્યપાલન કરતા ખેડૂતોને પણ ચાર ટકા વાર્ષિક વ્યાજે લોનનો લાભ મળે છે. ગયા વર્ષે ૩૧ માર્ચ સુધીમાં, ૭૩,૪૭૦,૨૮૨ કેસીસી એકાઉન્ટ સક્રિય હતા જેમાં ૮,૮૫,૪૬૩ કરોડ રૂપિયા બાકી હતા.

આ ઉપરાંત ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કર્યો છે અને ઘઉં, ડાંગર, તેલીબિયાં અને કઠોળની ખરીદીમાં પણ વધારો કર્યો છે. 

Gujarat