અનસિક્યોર્ડ લોનમાં ધીમી ગતિએ થતો વધારો આગળ જતાં જોખમી બની જશે
- ઊંચા વ્યાજ દરને કારણે અનસિકયોર્ડ ક્રેડિટ પૂરી પાડવા બેન્કો ઉત્સાહી
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં દેશની બેન્કોની આવકમાં ભલે વધારો જોવા મળતો હોય અને ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ) ભલે ઘટી રહી હોય પરંતુ બેન્કોનો અનસિક્યોર્ડ ક્રેડિટ પોર્ટફોલિઓ પણ વધી રહ્યો છે જે આગળ જતાં દેશની નાણાં વ્યવસ્થા માટે ચિંતાજનક બની શકે છે. જો કે અનસિક્યોર્ડ ક્રેડિટની વૃદ્ધિ ધીમી પડી છે.
ઊંચા વ્યાજ દરને કારણે અનસિકયોર્ડ ક્રેડિટ પૂરી પાડવા બેન્કો ઉત્સાહી
વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના જાહેર થયેલા પરિણામોમાં કેટલીક બેન્કોનો અનસિક્યોર્ડ ક્રેડિટ પોર્ટફોલિઓ વધી રહ્યાનું જોવા મળ્યું છે.
અનસિક્યોર્ડ ક્રેડિટ પોર્ટફોલિઓમાં વધારાનો અર્થ આવનારા સમયમાં બેડ લોન્સ ફરી માથું ઊંચકી શકે છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. બેન્ક પોર્ટફોલિઓમાં અનસિક્યોર્ડ ક્રેડિટનું પ્રમાણ ૨૦૨૩માં ૩૫ ટકા રહ્યું હતું જે ૨૦૦૭માં ૨૫ ટકા હતું.
અનસિક્યોર્ડ ક્રેડિટમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે તાજેતરમાં બેન્કો તથા એનબીએફસીસ માટે રિસ્ક વેઈટેમાં વધારો કર્યો હતો.
ગયા વર્ષના નવેમ્બરમાં લેવાયેલા આ પગલાં બાદ તાજેતરના મહિનાઓમાં અનસિક્યોર્ડ ક્રેડિટ વૃદ્ધિની ગતિ ધીમી પડી છે, તેમ છતાં તેમાં વધારો તો જળવાઈ રહ્યો છે. જે આગળ જતાં જોખમરૂપ બની શકે છે.
ઊંચા વ્યાજ દરને કારણે અનસિક્યોર્ડ ક્રેડિટ બેન્કો માટે નફાકારક રહેતી હોવાથી તે પૂરી પાડવામાં વધુ ઉત્સાહ દાખવાતો હોય છે એમ પણ એનાલિસ્ટે ઉમેર્યું હતું.