Get The App

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન?

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
8th Pay Commission Latest News


8th Pay Commission Latest News: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 31 ડિસેમ્બર, 2025ની તારીખ અત્યંત નિર્ણાયક સાબિત થશે, કારણ કે આ દિવસે સાતમા પગાર પંચની મુદત સત્તાવાર રીતે સમાપ્ત થઈ રહી છે. આ સાથે જ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે ઑક્ટોબર 2025માં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી દીધી છે. આ પંચને નવેમ્બર 2025થી લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તે પગાર, ભથ્થાં અને પેન્શન સંબંધિત પોતાની ભલામણો સરકારને સોંપશે.

કેબિનેટની મંજૂરી બાદ જ મળશે એરિયર્સ

જોકે 1 જાન્યુઆરી, 2026એ નવા પગાર માળખા માટેની સત્તાવાર તારીખ હશે, પણ કર્મચારીઓના ખાતામાં આ વધારો આવતાં થોડો સમય લાગી શકે છે. ઇતિહાસ પર નજર કરીએ તો, અમલીકરણની તારીખ અને ખરેખર પગાર મળવા વચ્ચે હંમેશા મોટું અંતર રહે છે. 7મા પગાર પંચ વખતે પણ પગાર જાન્યુઆરી 2016થી લાગુ થયો હતો, પરંતુ કેબિનેટની લીલી ઝંડી જૂન મહિનામાં મળ્યા બાદ જ કર્મચારીઓને એરિયર્સ અને વધેલો પગાર મળવાની શરૂઆત થઈ હતી.

પગારમાં કેટલો વધારો થશે?

હવે સવાલ એ છે કે 8મા પગાર પંચમાં પગાર કેટલો વધી શકે છે. હાલમાં કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ જૂના પગાર પંચોના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

6ઠ્ઠું પગાર પંચ: સરેરાશ 40% જેટલો વધારો થયો હતો.

7મું પગાર પંચ: વધારો આશરે 23-25% રહ્યો હતો, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું.

8મું પગાર પંચ: પ્રાથમિક અંદાજ મુજબ 20%થી 35% સુધીનો વધારો થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.4થી 3.0ની વચ્ચે રહેવાની શક્યતા છે, જેનાથી ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓને સારો ફાયદો મળી શકે છે.

આ પણ વાંચો: Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ

અંતિમ નિર્ણય અને રાહ

જોકે, અંતિમ નિર્ણય આગામી મહિનાઓમાં મોંઘવારીનું સ્તર, સરકારની આર્થિક સ્થિતિ, ટેક્સની આવક અને રાજકીય સંતુલન જેવી બાબતો પર નિર્ભર રહેશે. જાણકારોનું માનવું છે કે સરકાર કર્મચારીઓને 'ફીલ-ગુડ' અનુભવ કરાવતો વધારો આપવાનો પ્રયત્ન કરશે, પરંતુ ભથ્થાં અને DA(મોંઘવારી ભથ્થા)માં ફેરફારો ખૂબ વિચારીને કરશે. હાલમાં એટલું નક્કી મનાય છે કે જાન્યુઆરી 2026 માત્ર સંદર્ભ તારીખ હશે, જ્યારે વાસ્તવિક પગાર વધારો અને એરિયર્સ સંભવતઃ 2026-27 દરમિયાન મળશે. એટલે કે, કર્મચારીઓએ આશા રાખવી જોઈએ, પરંતુ થોડી રાહ જોવા પણ તૈયાર રહેવું પડશે.

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? 2 - image