કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો
8th Pay Commision: કેન્દ્ર સરકારના 33 લાખથી વધુ કર્મચારીઓ અને 66 લાખથી વધુ પેન્શનર્સ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જે 2027ની શરૂઆતમાં લાગુ થવાની શક્યતા છે. આઠમું પગાર પંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓને પગાર બમણો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ કોટક ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝ દ્વારા તાજેતરમાં જાહેર રિપોર્ટમાં બેઝિક પે આશરે 13 ટકા આસપાસ વધવાનો અંદાજ અપાયો છે. જે કર્મચારીઓની અપેક્ષા પર પાણી ફેરવી શકે છે.
રિપોર્ટ અનુસાર, આઠમા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 1.8 રહી શકે છે. જેનાથી બેઝિક પે આશરે 13 ટકા સુધી વધી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વાસ્તવિક વધારો સંપૂર્ણપણે કમિશન તરફથી ભલામણ કરવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર હોય છે. જેની મદદથી કર્મચારીઓના બેઝિક પેની ગણતરી કરવામાં આવે છે.
સાતમા પગાર પંચમાં આટલો વધારો થયો
એમ્બિટ કેપિટલના એક રિપોર્ટ અનુસાર, સાતમા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ સેક્ટર નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી કર્મચારીઓનું માસિક બેઝિક પે 7000થી વધી રૂ. 18000 થયુ હતું. જે આઠમા પગાર પંચમાં વધી 2.86 થવાનો અંદાજ વિવિધ નિષ્ણાતો દ્વારા અપાઈ રહ્યો હતો. આ ફિટમેન્ટ ફેક્ટરમાં બેઝિક પગાર 186 ટકા વધવાનો અંદાજ હતો. જો કે, વર્તમાન રિપોર્ટમાં બેઝિક પગાર 13 ટકા આસપાસ વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા મુદ્દે અંતિમ નિર્ણય નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટન્ટેટિવ મશીનરી (એનસી-જેસીએમ)નો રહેશે.
15 ભલામણો મોકલવામાં આવી
નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)એ આઠમા પગાર પંચ માટે મુખ્યત્વે 15 ભલામણો મોકલવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર, સંરક્ષણ, કેન્દ્રશાસિત પ્રદેશો, ગ્રામીણ ડાક સેવકો સહિત તમામ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે. કાઉન્સિલે આધુનિક જીવનશૈલીના આધારે લઘુત્તમ પગારના ધોરણો નક્કી કરવા પણ ભલામણ કરી છે. અન્ય મુખ્ય માંગણીઓમાં ઓવરલેપિંગ પગાર સ્તરોને મર્જ કરવા, મોડિફાઇડ એશ્યોર્ડ કરિયર પ્રોગ્રેસન (MACP) યોજનામાં વિસંગતતા દૂર કરવી, DA/DRને મૂળ પગાર સાથે મર્જ કરવા, જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા અને CGHS તબીબી લાભોમાં સુધારો વગેરે સમાવિષ્ટ છે. કાઉન્સિલે અનુસ્નાતક સ્તર સુધી શિક્ષણ ભથ્થાં લંબાવવા, જરૂરિયાત-આધારિત એડવાન્સિસ પુનઃસ્થાપિત કરવા અને રેલ્વે અને સંરક્ષણ નાગરિક કર્મચારીઓ માટે જોખમ ભથ્થાં પૂરા પાડવાની પણ માંગ કરી હતી.
જોકે 8મી CPC કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનું વચન આપે છે, કોટકે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર નાણાકીય અસરોને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વક આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, સમયરેખા અને અવકાશ બદલાઈ રહ્યો છે, પરંતુ રોડમેપ સૂચવે છે કે પગારમાં મોટો સુધારો થવાની અપેક્ષા છે.