નવી ગાઈડલાઈનના કારણે દેશની 50 ટકા ઈકોનોમી કાર્યરત થવાનો આશાવાદ
નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
જે સેક્ટરોને સરકારે નવી ગાઈડલાઈનમાં છુટ છાટ આપી છે તેને જોતા એવુ લાગે છે કે, 50 ટકા ઈકોનોમીને લોકડાઉનમાંથી મુક્તિ મળશે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ઈકોનોમી ફરી પાટા પર ચઢી શકશે.
નવી ગાઈડલાઈનમાં ખેતી માટે મોટી રાહત અપાઈ છે. ખેડૂતો ખેતી પણ કરી શકશે, તેમના માટે જંતુનાશક દવાઓ અને બિયારણ તથા બીજી મશિનરી ઉપલબ્ધ રહેશે. ઉપરાંત પશુપાલન, મત્સય ઉદ્યોગને રાહત અપાઈ છે.
ઈકોનોમીમાં ખેતીનુ યોગદાન 15 ટકા છે.જેના પર કરોડો લોકો નભે છે. સરકારે કન્સ્ટ્રક્શન ઉદ્યોગને પણ છુટ આપી છે.જે પ્રોજેક્ટ શહેરથી દુર છે ત્યાં કામ કરી શકાશે અને રસ્તા પણ બનાવી શકાશે.આ વિસ્તારમાં ઈંટોના ભઠઠા પણ ચાલી શકશે.ક્ન્સ્ટ્રક્શન સેક્ટરનો દેશની ઈકોનોમીમાં 27 ટકા જેટલો હિસ્સો છે.
આ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગોને ચલાવી શકાશે.શહેરથી દુર હોય તો આઈટી સેક્ટર પણ 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકશે.નાણાકીય સેક્ટરને પણ વધારે છુટછાટ અપાઈ છે.વીમા ક્ષેત્રને ગાઈડલાઈનમાં રાહતો મળી છે.
માલ સપ્લાય કરવા માટેના વેયર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, કન્ટેનર ડેપો પણ ખોલવાની મંજુરી અપાઈ છે. આયાત નિકાસ માટે કસ્ટમ ક્લિયરિંગ એજન્ટોની સેવા પણ મળશે.
લોકડાઉન દરમિયાન હવે ઈલેક્ટ્રિશિયન, પ્લમબર, કારપેન્ટરને ઘરે બોલાવીને સમારકામ કરાવી શકાશે.આ તમામ સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા લોકો છે. હાલમાં દેશમાં 12 કરોડ મનરેગા મજૂરો છે. જેમને પણ કામ કરવાની કેટલીક શરતો સાથે મંજુરી અપાઈ છે.