Get The App

LPG ફરી મોંઘો, આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર કરશે અસર

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
LPG ફરી મોંઘો, આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર જે સીધા તમારા ખિસ્સા પર કરશે અસર 1 - image

March 2026 Changes: ફેબ્રુઆરી મહિનો વિદાય લઈ ચૂક્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે આંચકા સમાન રહી છે. આજથી એટલે કે પહેલી માર્ચ, 2026 થી દેશભરમાં પાંચ મોટા ફેરફારો અમલમાં આવ્યા છે, જેની સીધી અસર તમારા બજેટ અને રોજિંદા જીવન પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી લઈને મોબાઈલ એપના નિયમો સુધી, જાણો શું બદલાયું છે.

1. LPG સિલિન્ડરના ભાવમાં ભડકો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિનાની પહેલી તારીખે જ મોંઘવારીનો ડામ આપ્યો છે. દિલ્હીમાં 19 કિલોના વાણિજ્યિક ગેસ સિલિન્ડરમાં 28 રૂપિયાનો વધારો થયો છે. અન્ય મેટ્રો શહેરોમાં ભાવમાં 31 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પણ ભાવ વધ્યા હતા, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના ખાવા-પીવાના બિલ મોંઘા થઈ શકે છે.

2. હવાઈ મુસાફરી થશે મોંઘી

ફક્ત રસોડું જ નહીં, હવે આકાશમાં ઉડવું પણ મોંઘું બનશે. ઓઈલ કંપનીઓએ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં વધારો કર્યો છે. ATFના ભાવ વધવાને કારણે વિમાની કંપનીઓ ટિકિટના દરમાં વધારો કરી શકે છે, જેની અસર ઉનાળાના વેકેશનમાં ફરવા જનારા પ્રવાસીઓ પર પડશે.

આ પણ વાંચો: ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'તમામ પક્ષ સંયમ રાખે'

3. રેલવેની જૂની UTS એપ થઈ શકે છે બંધ 

જો તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રેલવે આજથી તેની જૂની 'UTS એપ' બંધ કરીને નવી 'રેલવન' (RailOne) એપ પર શિફ્ટ થઈ શકે છે. હવેથી ટિકિટ બુકિંગ અને અન્ય રેલવે સેવાઓ માટે મુસાફરોએ નવી ટેકનોલોજીનો સહારો લેવો પડશે.

4. સીમ કાર્ડ અને OTT મેસેજિંગના નવા નિયમો 

મોબાઈલ વપરાશકર્તાઓ માટે 'સીમ-બંધન' નિયમ આજથી અમલી બની શકે છે. WhatsApp અને Telegram જેવી એપ્સને સક્રિય સીમ કાર્ડ સાથે લિંક રાખવી ફરજિયાત છે. જો તમારા ફોનમાં રજિસ્ટર્ડ સીમ કાર્ડ હાજર નહીં હોય, તો તમે આ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરી શકશો નહીં. આ પગલું સાયબર ફ્રોડ રોકવા માટે લેવામાં આવ્યું છે.

5. માર્ચમાં બેન્કોમાં રજાઓનો મારો

માર્ચ મહિનો તહેવારોથી ભરપૂર છે, જેના કારણે બેંકોમાં લાંબી રજાઓ રહેશે. હોળી, ગુડી પડવા, ઈદ, અને રામ નવમી જેવા તહેવારો તેમજ શનિવાર-રવિવાર મળીને કુલ 18 દિવસ બેન્કો બંધ રહી શકે છે. તમારા બેંકિંગ કામોનું આયોજન અગાઉથી કરી લેવું હિતાવહ છે.