ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા
- ભારતના ક્રિપ્ટોના અનરેગ્યુલેટેડ માર્કેટમાં લગભગ ૧.૯ કરોડ જેટલાં ક્રિપ્ટો રોકાણકારો

અમદાવાદ : ભારતીય રોકાણકારોએ વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીમાં રૂ. ૧૭ લાખ કરોડનું રોકાણ કર્યું હોવાના અહેવાલ છે. સંપૂર્ણપણે અનરેગ્યુલેટેડ એવા ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આ રોકાણ કોઈ નાનું જોખમ નથી એમ માર્કેટ નિરીક્ષકોનું કહેવું છે. આ રોકાણના ભાગરૂપે લગભગ ૨૧૦ અબજ ડોલરનો કેપિટલ ફ્લો ભારતમાંથી બહાર સરકી ગયો છે અને તે ભારતીય ચલણ પર પણ દબાણ ઊભું કરી રહ્યો છે.
ક્રિપ્ટોકરન્સી નું કુલ માર્કેટ-કેપ લગભગ ૩ ટ્રિલીયન ડોલરનું છે. જેમાંથી હાલમાં ૭ ટકાનો નોંધપાત્ર હિસ્સો ભારતીય રોકાણકારોનો છે. દેશમાં લગભગ ૧.૯ કરોડ જેટલાં ક્રિપ્ટોકરન્સી ઈન્વેસ્ટર્સ છે. શાહ ઈન્વેસ્ટર્સ હોમના તન્મય શાહના મતે આ ક્રિપ્ટોકરન્સિઝનું માઈનીંગ અન્ય દેશો કરી રહ્યાં છે જ્યારે ભારતીયો માત્ર તેના ખરીદાર બની રહ્યાં છે. આમ આ નાણા માઈનર્સ પાસે જઈ રહ્યાં છે.
ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓમાં મોટેભાગે યુવાનોનો સમાવેશ થાય છે. મોટાભાગના ભારતીય ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ ૩૫ વર્ષથી નીચેના છે. અનરેગ્યુલેટેડ અને ઊંચું સટ્ટાકિય વલણ ધરાવતી ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણ સેવિંગ્ઝને બરબાદ કરવા સાથે ટૂંકાગાળાની સટ્ટાકિય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
ઈક્વિટી, એમએફ અને બોન્ડ્સમાં કરેલું રોકાણ ભારતીય અર્થતંત્રને સપોર્ટ પૂરો પાડે છે. જ્યારે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કેપિટલ ફોર્મેશનમાં નથી જોડાતું અને માત્ર આઉટફ્લો બની રહે છે. તે વિદેશી લિક્વિડીટી પુલ્સમાં જાય છે અને સરવાળે સ્થાનિક ચલણ પર દબાણ ઊભું કરે છે.

