20 વર્ષ અગાઉ 8000મા ખરીદેલા મંગળસૂત્રની કિંમત હવે 1.40 લાખ, જાણો એક વર્ષનો ભાવ વધારો
Gold Price Hike: છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં એકધારી તેજી જોવા મળી રહી છે. અમદાવાદમાં 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ હવે વધીને રૂપિયા 1.17 લાખને પાર થયો છે. દિવાળી બાદ લગ્નસરાનો પ્રારંભ થશે અને તેના માટેની ખરીદીનો નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. આજથી બરાબર 20 વર્ષ અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 6650 અને મંગળસૂત્રની કિંમત રૂપિયા 8231 હતી. જેની સરખામણીએ હવે આ મંગળસૂત્રની કિંમત 16 ગણી વધીને રૂપિયા 1.40 લાખ થઇ ગઇ છે.
ગયા વર્ષની દિવાળીથી અત્યાર સુધી સોનાના ભાવમાં 50%નો વધારો
ગયા વર્ષે દિવાળીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 76,220 હતો. આમ, ગયા વર્ષે દિવાળી વખતે ખરીદેલા સોનામાં 50 ટકાથી વઘુનો ફાયદો થયો કહેવાય. આ વર્ષના પ્રારંભે જ સોનાનો ભાવ 78,975 હતો. છેલ્લા એક મહિનામાં જ સોનાનો ભાવ 11 હજારથી પણ વધી ગયો છે.
20 વર્ષમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો
આજથી 20 વર્ષ પહેલા એટલે કે 2005ની વાત કરવામાં આવે તો 10 ગ્રામ સોનાની અંદાજીત કિંમત રૂપિયા 6500થી 6600 જેવી હતી. જેમાં અંદાજે રૂપિયા 1300થી રૂપિયા 1500ની મજૂરી, ટેક્સ સહિત મંગળસૂત્ર ખરીદવામાં આવે તો તેની કિંમત રૂપિયા 8200ની આસપાસ હતી. પરંતુ હાલમાં સોનાના આ જ મંગળસૂત્ર માટે જીએસટી-મજૂરી સાથે રૂપિયા 80 હજારથી વઘુ ખર્ચવા પડે. એક રીતે જોવામાં આવે તો બેન્કની ફિક્સ ડિપોઝિટ કરતાં પણ અનેકગણું વળતર સોનામાં રોકાણ કરનારાને મળ્યું હશે.
શ્રાદ્ધમાં પણ સોનાનો ભાવ ઘટવાને બદલે વધ્યો
નિષ્ણાતોના મતે અત્યારસુધી એવું મનાતું હતું કે શ્રાદ્ધમાં લોકો સોનું ખરીદે નહીં એટલે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળતો. પરંતુ આ વર્ષ તેમાં અપવાદ રહ્યું છે. આ વખતે શ્રાદ્ધમાં પણ સોનાની કિંમતમાં વણથંભી તેજી જારી રહી છે. એક મઘ્યમ વર્ગની વ્યક્તિ લગ્નપ્રસંગમાં કન્યાદાનમાં અપાતા મંગળસૂત્ર, બૂટી, ચૂની, બંગડીને હાલ ખરીદવા જાય તો તેને રૂપિયા 3 લાખ ચૂકવવા પડે તેવી સ્થિતિ છે. અગાઉ 3 લાખ રૂપિયામાં લગ્નપ્રસંગ થઇ જતા હતા.
આ પણ વાંચો: સોના-ચાંદીમાં લાલચોળ તેજી સાથે નવા રેકોર્ડ
સોનાના ઊંચા ભાવને કારણે તહેવારો-લગ્નની સિઝનની ખરીદી પર બ્રેક વાગી જશે
સોનાની કિંમત દિવાળી સુધીમાં રૂપિયા 1.25 લાખ થઈ જાય તેવું તજત્રોનું માનવું છે. જેના પગલે તહેવારો અને લગ્નની સિઝનની સોનાની ખરીદી પર બ્રેક વાગી જાય તેવી સંભાવના છે. સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવા હવે લોન લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સોનાના વધતા ભાવને પગલે સોનાની લાઈટ વેઈટ જવેલેરીની માગમાં વધારો થયો છે. આ ઉપરાંત પ્લેટિનમ દાગીના તેમજ ઓરિજનલ ડાયમંડને સ્થાને હવે લેબગ્રોન ડાયમંડ તરફ પણ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે.