સોના-ચાંદીમાં લાલચોળ તેજી સાથે નવા રેકોર્ડ
- અમદાવાદ સોનુ વધુ ઉછળી રૂ. ૧,૧૮,૦૦૦ જ્યારે મુંબઇ ચાંદી રૂ. ૧,૩૯,૦૦૦
- પ્લેટિનમ તથા પેલેડિયમમાં સતત નોંધાયેલો ઉછાળો: ક્રુડ તેલ ફરી ઊંચકાયું
મુંબઈ : વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં જળવાઈ રહેલી લાલચોળ તેજી સાથે ઘરઆંગણે સોનાચાંદીમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. વૈશ્વિક તેજી પાછળ અમદાવાદ સોના-ચાંદી પાછળ આજે સોનુ રૂ.૨૩૦૦ ઉછળીને રૂ.૧૧૮૩૦૦ની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. જ્યારે મુંબઇ ચાંદી વધીને (જીેએસટી સાથે) રૂ.૧૩૯૦૦૦ની વિક્રમી ટોચે પહોંચી હતી. દશેરા - દિવાળીના તહેવાર પહેલા સોનાચાંદી નવી ઊંચાઈની શોધમાં હોવાનું જણાઈ રહ્યું છે.
અમેરિકન ફેડરલ રિઝર્વના નવા ગવર્નર સ્ટીફન મિરાને વ્યાજ દરમાં આક્રમક કપાતની હાકલ કરતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડો આવવાની ટ્રેડરો ધારણાં રાખી રહ્યા છે. વિશ્વ બજારમાં ટ્રેડરોની સતત લેવાલીથી સોનામાં નવી ટોચ જોવા મળી રહી છે.
મંગળવારે વૈશ્વિક સોનાના ભાવ ૩૭૮૪ ડોલર જ્યારે ચાંદી ૪૪ ડોલરને પાર કરી ગઈ હતી. રશિયા ખાતેથી નિકાસ વધવાના અહેવાલ વચ્ચે ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનુ જીએસટી વગર રૂપિયા ૧૧૪૩૧૪ મુકાતુ હતું જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૩૮૫૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
૯૯.૯૦ સોનાના જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૧૭,૭૪૩ ગણાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૩૫,૨૬૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૩૯,૩૨૩ મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૮,૩૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૧૮,૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૩૮,૦૦૦ બોલતા હતા.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની મંગળવારની સ્પીચ પૂર્વે વૈશ્વિક સોનામાં વિક્રમી તેજી આગળ વધી હતી. અમેરિકામાં વ્યાજ દરમાં વધુ કપાતની શકયતા વધી જતા કિંમતી ધાતુમાં ટ્રેડરોની લેવાલી જળવાઈ રહી હતી. સોનુ પ્રતિ ઔંસ મોડી સાંજે ૩૭૮૧ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૪.૩૫ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૮૧ ડોલર અને પેલેડિયમ ૧૨૩૦ ડોલર મુકાતું હતું.
ક્રુડ તેલમાં નીચા મથાળેથી ભાવ સુધારા તરફી રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૧૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૭.૩૦ ડોલર મુકાતું હતું. છેલ્લા ચાર સપ્તાહમાં રશિયા ખાતેથી ક્રુડ તેલની નિકાસ વધી ૧૬ મહિનાની ટોચે રહી હતી.