Get The App

190 કંપનીઓ IPO મારફત રૂપિયા 2. 50 લાખ કરોડ ઊભા કરવા કતારમાં

- પ્રાયમરી બજારમાં રોકાણકારોનું આકર્ષણ વધતા લાભ લઈ લેવા કંપનીઓ ઉત્સુક

- ૨૦૨૬માં પણ પ્રાયમરી માર્કેટ ધમધમતું રહેવાના એંધાણ

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
190 કંપનીઓ IPO મારફત રૂપિયા 2. 50 લાખ કરોડ ઊભા કરવા કતારમાં 1 - image


મુંબઈ : ૨૦૨૫માં મેઈનબોર્ડ ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ની સંખ્યા ૧૮ વર્ષના ગાળા બાદ પહેલી જ વખત ૧૦૦ના આંકને પાર કરી ગઈ છે ત્યારે નવા વર્ષ એટલે કે ૨૦૨૬નું કેલેન્ડર વર્ષ પણ આઈપીઓથી ભરેલું રહેવાના અત્યારથી જ એંધાણ મળી રહ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પ્રમાણે ૨૦૨૬માં જાહેર ભરણાં લાવવા માટે ૮૮ કંપનીઓને સેબીની પરવાનગી આ અગાઉ જ મળી ગઈ છે અને બીજી ૧૦૪ કંપનીઓની અરજી વિચારણા હેઠળ છે. આ ૧૯૦ જેટલી કંપનીઓ આગામી વર્ષમાં પ્રાઈમરી માર્કેટમાંથી રૂપિયા ૨.૫૦ લાખ કરોડથી વધુની રકમ ઊભી કરવા ઈરાદો ધરાવે છે. 

૨૦૨૫માં ૧૦૦ કંપનીઓએ રૂપિયા ૧.૭૭ લાખ કરોડ ઊભા કર્યાનો અંદાજ છે જ્યારે ૨૦૨૪માં ૯૧ આઈપીઓ મારફત રૂપિયા ૧.૬૦ લાખ કરોડ ઊભા કરાયા હતા અને ૨૦૨૩માં ૫૭ જાહેર ભરણાં મારફત રૂપિયા ૪૯૫૦૦ કરોડ ઊભા કરાયાનું સેબીના ડેટા જણાવે છે.

૨૦૨૫માં ૨૪૫ ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ ફાઈલ કરાયા હતા જ્યારે ૨૦૨૪માં આ આંક ૧૫૭ રહ્યો હતો. 

હાલમાં સેકન્ડરી બજારની રેલીને કારણે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોના પ્રાઈમરી માર્કટમાં આકર્ષણમાં વધારો થયો છે જેને કારણે કંપનીઓ તથા વેન્ચર કેપિટલ ફન્ડસ તેમની એસેટસના નાણાં ઊભા કરી લેવા ધસારો કરી રહ્યા છે. દેશમાં હાલમાં લિક્વિડિટીની સ્થિતિ પણ સારી હોવાથી પ્રાઈમરી માર્કેટમાં આવતા ભરણાં સફળ રહે છે.

કંપનીઓ, વેન્ચર કેપિટલ ફન્ડસ ઉપરાંત પીઈ રોકાણકારોએ પોતાની ઈક્વિટીસ ઓફલોડ કરી ૨૦૨૫માં સંયુકત રીતે રૂપિયા ૧.૧૦ લાખ કરોડ ઊભા કરી લીધા હોવાનો અંદાજ છે. હાલમાં ઊંચા મૂલ્યાંકનોનો તેમને લાભ થઈ રહ્યો છે.

રિટેલ રોકાણકારો ઉપરાંત વિદેશી અને ઘરેલું ફન્ડો દ્વારા પણ જાહેર ભરણાંમાં નાણાં ઠલવાતા હોવાથી ભરણાંને સફળતા મળી રહી હોવાનું એક રિસર્ચ પેઢીના એનાલિસ્ટે જણાવ્યું હતું. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોમાં  જંગી ઈન્ફલોસને કારણે કંપનીઓને પણ તેમના ઈક્વિટી વેચાણને યોગ્ય મૂલ્ય સાથે સફળતા મળી રહેવા વિશ્વાસ રહે છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા ૨૦૨૬માં રૂપિયા ૨.૫૫ લાખ કરોડનો ટાર્ગેટ પણ સિદ્ધ થવાની શકયતા રહેલી છે. વર્તમાન વર્ષમાં આવેલા  આઈપીઓમાંથી ૬૫ ટકા ભરણાંમાં રોકાણકારોને લિસ્ટિંગ નફો પ્રાપ્ત થયો છે. 


Tags :