- લિસ્ટિંગ ગેઈનનો ઉત્સાહ ઘણા શેરોમાં લાંબો ટક્યો નહીં : ગ્રે માર્કેટમાં બોલાયેલા પ્રીમિયમો લિસ્ટિંગ સુધીમાં અદ્રશ્ય થતાં જોવાયા
ભારતીય શેર બજારોમાં વર્ષ ૨૦૨૫ સેકન્ડરી માર્કેટ કરતાં પ્રાઈમરી માર્કેટ વધુ ચેતનવંતું નીવડયું છે. પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ તરફ મોટી મૂડી ખેંચાઈ જતાં સેકન્ડરી માર્કેટમાં રોકાણ નિરૂત્સાહને લઈ વસવસો જોવાયો છે. અલબત સેકન્ડરી માર્કેટમાં શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોને અનેક શેરોમાં નેગેટીવ વળતર સામે પ્રાઈમરી માર્કેટમાં પણ વળતરની દ્રષ્ટિએ એકંદર લિસ્ટિંગ ગેઈન કે લિસ્ટિંગ બાદ પ્રીમિયમ અનેક કંપનીઓમાં અદ્રશ્ય થતાં જોવાતા વર્ષાંતે પ્રાઈમરી માર્કેટમાં પણ નિરૂત્સાહ છવાતો જોવાયો છે.
ભારતીય આઇપીઓ માર્કેટમાં ૨૦૨૫ દરમિયાન જબરદસ્ત તેજી જોવા મળી હતી. મજબૂત સ્થાનિક રોકાણકારોની લિક્વિડિટી, રોકાણકારોનો વિશ્વાસ અને સુધરેલી આર્થિક સ્થિતિની અસર પ્રાઈમરી બજાર પર જોવાઈ હતી. વર્ષ ૨૦૨૫માં, કંપનીઓએ આઇપીઓ દ્વારા વિક્રમી એવા ૧.૭૬ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ૨૦૨૫માં પ્રાઈમરી બજારમાં પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર સ્ટાર્ટઅપ્સ કંપનીઓના આઈપીઓ અને શેરોનું લિસ્ટિંગ રહ્યું છે. આ વર્ષે ૨૦૨૫ના ઉતરાર્ધમાં લેન્સકાર્ટ, મિશો, ફિઝિક્સવાલા સહિત ૧૮ સ્ટાર્ટઅપ્સે તેમના આઇપીઓ લોન્ચ કર્યા હતા અને સાથે મળીને ૪૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે. જની સરખામણીમાં, સ્ટાર્ટઅપ્સે દ્વારા વર્ષ ૨૦૨૪માં રૂ. ૨૯,૦૦૦ કરોડ જેટલી મૂડી એકત્ર કરવામાં આવી હતી.
આ વર્ષે, કંપનીઓએ ઑફર ફોર સેલ થકી વધુ ભંડોળ એકત્ર કર્યું હતું. વર્ષ ૨૦૨૫માં, કુલ ભંડોળના આશરે ૬૦ ટકા ઑફર ફોર સેલ થકી આવ્યા હતા આઇપીઓની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, પ્રમોટર્સે નવી મૂડી એકત્ર કરવાને બદલે શેર વેચીને વધુ નાણાં ઘર ભેગા કર્યા હતા.
વર્ષના પહેલા સાત મહિના દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ રહ્યો હતો. વિદેશી રોકાણકારોની નબળી ભાગીદારી અને ભૂ-રાજકીય તણાવને કારણે આઇપીઓ પ્રવૃત્તિ ધીમી રહી હતી. જોકે, ઓગસ્ટ પછી, બજારની સ્થિતિ, લિક્વિડિટીમાં વધારો થતાં આઇપીઓની ગતિ ઝડપી બની હતી.
૧૦૩ કંપનીઓમાંથી, ૭૦ કંપનીઓએ લિસ્ટિંગના દિવસે ફાયદો મેળવ્યો, જ્યારે ૩૨ ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ થઈ હતી. નાના અને મધ્યમ કદની કંપનીઓ-એસએમઈ સેગમેન્ટમાં પણ તેજી જોવા મળી હતી. ડેટા મુજબ, ૨૦૨૫માં, ૨૫૨ એસએમઈ કંપનીઓએ આઇપીઓ દ્વારા આશરે રૂ.૧૧,૪૦૦ કરોડ એકત્ર કર્યા હતા. તેની તુલનામાં, ૨૦૨૪માં, ૨૨૨ એસએમઈકંપનીઓએ રૂ.૯,૫૮૦ કરોડ એકત્ર કર્યા હતા. ભારતીય શેરબજારે પણ ૨૦૨૫માં સારું વળતર આપ્યું હતું. વર્ષ અસ્થિરતા સાથે શરૂ થયું હોવા છતાં, તે પછીના મહિનાઓમાં બજાર સુધર્યું. નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૯ ટકાથી વધુ જ્યારે સેન્સેક્સ ૮ ટકાથી વધુ વધ્યો છે. આઈપીઓ થકી હજારો કરોડો રૂપિયા કંપનીઓએ એકત્ર કર્યા છે, પરંતુ લિસ્ટિંગ ગેઈનમાં આ વર્ષ ૨૦૨૫ નિરૂત્સાહી નીવડયા સાથે મર્યાદિત કંપનીઓમાં લિસ્ટિંગનો લાભ મળ્યા સામે ઘણી કંપનીઓમાં રોકાણકારોને નેગેટીવ વળતર હાથ લાગ્યું છે. ઘણી કંપનીઓમાં એવું પણ બન્યું છે, કે કંપનીઓના આઈપીઓ આવતા સુધી શેરોના પ્રીમિયમ તગડા બોલાયા હોય, પરંતુ ઈસ્યુ આવ્યા બાદ અને લિસ્ટિંગ થવા સુધીમાં ગ્રે માર્કેટના પ્રીમિયમ અદ્રશ્ય થઈ ગયા હોય.
લિસ્ટિંગના દિવસે શેરોના ભાવમાં ટોપના ગેઈનર્સમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રકચર ૭૨.૫૦ ટકા, અર્બન કંપની ૬૧.૯૭ ટકા, આદિત્ય ઈન્ફોટેક ૬૦.૩૯ ટકા, મીસો કંપની ૫૦.૨૩ ટકા અને કવોડ્ન્ટ ફયુચર ૫૩.૧૦ ટકા, એલજી ઈલેક્ટ્રોનિક્સ ૪૮.૨૪ ટકા સાથે મોખરે રહ્યા છે. જ્યારે આ જ રીતે લિસ્ટિંગના દિવસે ફ્લોપ શો રહ્યો હોય એવી પણ અનેક કંપનીઓ રહી છે. અલબત આ કંપનીઓમાં મોટાભાગે એસએમઈ કંપનીઓમાં રોકાણકારોએ નાહી નાખવું પડયું છે.


