- એન્ટેના-વિવેક મહેતા
- ચીન અને ભારત સહિતના દેશો ગોલ્ડ રિઝર્વ વધારતા સોનામાં તેજી જોવા મળી રહી છે
આમ તો કહેવાય છે કે સોનામાં તેજી થાય ત્યારે શેરબજાર પોરો ખાય છે. તેમ જ શેરબજારમાં તેજી આવે ત્યારે સોનાનું બજાર પોરો ખાય છે. અત્યારે આ બંને માન્યતાઓ ખોટી પડી રહી હોવાનું જણાય છે. અત્યારે તો સોના ચાંદીના ભાવ અને શેરબજારનો સેન્સેક્સ નીતનવા શિખરો સર કરી રહ્યા છે.
બીજું, સોનામાં સેફ હેવન બાયિંગ આવે ત્યારે સોનામાં સડસડાટ તેજી જોવા મળે છે. રશિયા યુક્રેનનું યુદ્ધ અત્યારે આ સ્થિતિ માટે જવાબદાર છે. તેમ જ ઇઝરાયલ-ગાઝા વચ્ચેનું યુદ્ધ અટકી ગયું હોવાથી સેફ હેવલ બાયિંગ ઘટયું છે. તેથી સોનામાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. અર્થતંત્રમાં અનિયમિતતા જોવા મળે ત્યારે પણ સોનાની ખરીદી કરવા લોકો ધસારો કરે છે. તેથી શેરબજારમાં રોકાણ ઓછું જતાં બજાર તૂટી જતું જોવા મળતુ હતું.
પરંતુ બીજી તરફ ચીન અને ભારત સહિતના દેશો ગોલ્ડ રિઝર્વ વધારવા લેવાલી કરી રહ્યા હોવાથી સોનામાં ફાટફાટ તેજી જોવા મળી રહી છે. બીજીતરફ કોર્પોરેટ પરફોર્મન્સમાં સુધારો આવે એટલે શેરબજારમાં તેજીનો આખલો ભૂરાટો થાય છે. સોના-ચાંદીમાં અને શેરબજાર બંનેમાં તેજીનું કારણ આપતા બજારના નિષ્ણાતો જણાવે છે કે રોકાણકારો રોકાણ થકી આવક વધારવા માટે શેરબજારમાં પૈસા રોકે છે. તેમ જ મોટા કડાકા સામેના વીમા તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા હોવાથી બંને બજારોમાં તેજી છે.
રોકાણકારોનો આશાવાદ બુલંદ છે. દરેક તબક્કે આવક વધારવા પ્રયત્નશીલ બન્યા છે.
શેરબજારમાં રોકાણ કરવાના ત્રણ કારણો છે. એક, આવકમાં ઝડપથી વૃદ્ધિ કરવી. તેમાંય ખાસ કરીને વૈશ્વિક સ્તરની હાઈટેક કંપનીઓના શેર્સમાં રોકાણ કરીને તેઓ કમાણી કરી રહ્યા છે. બીજું, જુદાં જુદાં દેશોની મધ્યસ્થ બેન્કોએ વૈશ્વિક નાણાંકીય સિસ્ટમમાં મોટે પાયે રોકડ ઠાલવી છે. તેથી બધાંના હાથમાં રોકડ વધી રહી છે. તેથી શેરબજારમાં તેજીની ગણતરીથી શેરમાં રોકાણ કરી રહ્યા છે. તેમ જ સોનાના બજારમાંથી કમાઈ લેવા માટે પણ રોકાણ કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક મૂડી પરના વ્યાજ ઓછા કરવાનું તેની આગામી મોનેટરી પોલીસીમાં આયોજન કરી રહી છે. તેથી કોર્પોરેટ્સની આવકમાં વધારો થઈ શકે છે. તેને પરિણામે પણ શેરબજારમાં તેજીનો વક્કર જોવા મળી રહ્યો છે.
બીજીતરફ અર્થતંત્રનો માચડો બટકણો છે. તે ગમે ત્યારે તૂટી પડશે તેવો ભય પણ રોકાણકારોને સતાવી રહ્યો છે. તેથી સંભવિત કડાક સામે રક્ષણ મેળવવા માટે સોનામાં રોકાણ કરે છે. નાણાંના જંગી પુરવઠા સામે સોનામાં કરેલું રોકાણ મોટું હેજિંગ બની રહી છે. રોકાણકારોને એ પણ ખબર છે કે અર્થતંત્રમાં ફરતી વધારાની રોકડને પરિણામે ફુગાવામાં જબરદસ્ત વધારો થશે. માત્ર સોનું જ એવું નથી કે જેને છાપીને બજારમાં મૂકી શકાય. તેનો સપ્લાય સીમિત જ રહેશે અને તેનો ભાવ વધતો જ રહેશે.


