Get The App

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ બેતરફી અભૂતપૂર્વ ઉછળકુદથી બજારમાં અજંપો

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ બેતરફી અભૂતપૂર્વ ઉછળકુદથી બજારમાં અજંપો 1 - image

- ઊભી બજારે-દિલીપ શાહ

- આવી રોલર કેસ્ટર ચાલ અગાઉ ક્યારેય જોવા મળી નથી

દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં બેતરફી મોટી ઉછળકૂદ જોવા મળી હતી. કિંમતી ધાતુઓના ભાવમાં આ પૂર્વે ઐતિહાસિક તેજી આવ્યા પછી રેકોર્ડ બ્રેક આગેકૂચને બ્રેક વાગતાં સોના-ચાંદીના ભાવ ઊંચી ટોચ પરથી ઝડપી તૂટી ગયા હતા અને ત્યારબાદ આ પ્રત્યાઘાતી આંચકાને પચાવી સોના-ચાંદીના ભાવ તાજેતરમાં નવેસરથી ઉછળતા જોવા મળ્યા હતા. ચાંદીના ભાવ જે ઉંચામાં કિલોના રૂ.ચાર લાખની ઉપર ગયા હતા તે ત્યારબાદ ટૂંકાગાળામાં ગબડી નીચામાં રૂ.અઢી લાખઆસપાસ બોલાતા થયા હતા અને આ જંગી પ્રત્યાઘાતી ઘટાડાને પચાવી ત્યારબાદ ચાંદીના ભાવ ફરી ઉછળી રૂ.૨ લાખ ૮૫ હજાર બોલાતા થતાં બજારના ખેલાડીઓ આવી મોટી ઉછળકૂદ તથા અભૂતપૂર્વ અફડાતફડી જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. સોનાના ભાવમાં પણ આવી અકલ્પનીય ચાલ જોવા મળી હતી. સોનાના ભાવ જે તાજેતરમાં ઉંચામાં ૧૦ ગ્રામના રૂ.૧ લાખ ૮૦ હજાર સુધી ઉછળ્યા હતા તે ત્યારબાદ ઝડપી તૂટી નીચામાં રૂ.૧ લાખ ૫૫ હજાર આસપાસ ઉતરી ગયા પછી ફરી ઉછળી રૂ.૧ લાખ ૬૫ હજાર આસપાસ બોલાતા થયા હતા અને ફરી તૂટી રૂ.૧૫૮૦૦૦ તરફ પણ ગયા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં તાજેતરમાં સોનાના ભાવ જે ઉછળી ઔંંસના ઉંચામાં ૫૫૦૦ ડોલર ઉપર જઈ ૫૬૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા અને એ દરમિયાન નવો ઈતિહાસ સર્જાયો હતો તે ભાવ ત્યારબાદ તીવ્ર ગતિએ ગબડી નીચામાં ૫૦૦૦ ડોલરની અંદર ઉતરી જઈ ૪૭૦૦થી ૪૮૦૦ ડોલર બોલાતા થયા હતા અને આ પ્રત્યાઘાતી આંચકાને પચાવી વૈશ્વિક સોનાના ભાવ ફરી ઉછળી ૫૦૦૦ ડોલર ઉપર જઈ ફરી ૫૧૦૦ ડોલર નજીક પહોંચી ફરી તૂટી ૪૬૫૫ થઈ ૪૪૫૫ ડોલર થઈ જતાં ઝવેરીઓ અવાક બની ગયા હતા. તાજેતરમાં રૂપિયા સામે ડોલરના ભાવ એક તબક્કે વધી રૂ.૯૨ના મથાળાને આંબી ગયા પછી  ઝડપી તૂટી નીચામાં રૂ.૯૦ નજીક ઉતરી ગયા પછી ડોલરના ભાવ આંચકા પચાવી નવેસરથી વધતા જોવા મળ્યા હતા. આના પગલે પણ ઝવેરી બજારોમાં તાજેતરમાં ભાવમાં મોટી ઉછળકૂદ દેખાઈ હોવાનું બજારરના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ જે ઉંચામાં ઔંસના ૧૧૮થી ૧૨૦ ડોલર સુધી જતા રહ્યા હતા તે ત્યારબાદ તીવ્ર કડાકા વચ્ચે નીચામાં ૭૫થી ૮૦ ડોલર આસપાસ ઝડપથી ઉતરી ગયા હતા અને આંચકા પચાવી ચાંદીના વૈશ્વિક ભાવ ત્યારબાદ ફરી વધી ઉંચામાં ૯૨ ડોલર ઉપર ગયા  પછી ગબડી નીચામાં ૬૪ ડોલર થઈ ૭૭ ડોલર તરફ ગયા હતા.  પ્લેટીનમના ભાવ નીચામાં ૧૦થી ૧૧ ટકા તૂટયા પછી ફરી વધી ઉંચામાં ૨૩૩૫થી ૨૩૪૦ ડોલર સુધી ઉછળ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૮થી ૯ ટકા ગબડયા પછી ફરી વધી ઉંચામાં ૧૮૪૫થી ૧૮૫૦ ડોલર સુધી ઉછળ્યા હતા.  જો કે ઉંચા મથાળેથી પ્લેટીનમ તથા પેલેડીયમ ફરી ગબડયા હતા.કોપરના ભાવ પણ ઘટયા પછી ફરી વધી આવ્યા હતા.  ક્રૂડતેલના ભાવ ૪થી ૫ ટકાનો ઘટાડો પચાવી ફરી બેરલના ૬૮ ડોલર ઉપર ગયા હતા. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થતાં તાજેતરમાં રૂપિયો ઝડપી ઉછળ્યો હતો. અમેરિકામાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હતા. ત્યાં ફેડરલ રિઝર્વના નવા ચેરમેનની વરણી પ્રમુખ ટ્રમ્પે જાહેર કરી છે. હવે આ વર્ષે આગળ ઉપર ત્યાં ફેડરેલ રિઝર્વના નવા અધ્યક્ષ વ્યાજ દરમાં વધુ ઘટાડો કરશે એવી શક્યતા વધતાં હવે પછી ડોલર ઈન્ડેક્સ ઘટવાની તથા તેના પગલે સોનાના ભાવ ફરી વધી જવાની ગણતરી વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.