યુનેસ્કોવાળાઓ વર્લ્ડ બેસ્ટ બજેટનો એવોર્ડ ચાલુ કરે

- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી
- લોકોને ફેરવવા માટે વધુ એક વ્હોટસએપ ફોરવર્ડ પ્રદાન કરવું એના જેવી જંગી લોકકલ્યાણ યોજના બીજી કઈ હોય?
તમામ રાજ્યોના નાણાંત્રીઓ દિલ્હીમાં ભેગા થયા.
નાણાંમંત્રી ૧: ભાઈ, કેમ આટલા થાક્યાપાક્યા લાગો છો?
નાણામંત્રી ૨: બોસ, બજેટ પતાવીને આવ્યા છીએ. તમારે ઠીક છે, ૨૦-૩૦ વર્ષથી ચૂંટાયા કરો છો એટલે ધકેલ પંચા દોઢસો ચાલે.અમારે તો બજેટ બનાવવામાં રીતસરની મહેનત કરવી પડે છે, મહેનત.
નાણાંમંત્રી ૩: જરા સ્માર્ટ બનો. મેં તો આ વખતે ચેટજીપીટીને જ કહી દીધું કે ચલ, એકાદું સારું બજેટ બનાવી દે. ને એ બજેટમાં શું સારું-સારું છે તે પણ ગણાવી દે એટલે મારે પછી પ્રેસ કોન્ફરન્સમાં બોલવા થાય.
નાણાંમંત્રી ૪: દોસ્ત, મને ક્યારેક સવાલ થાય છે કે આપણે આપણાં જ બજેટનાં વખાણ કરતી જે પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ, તેને લોકો સિરિયસલી લે છે ખરા?
નાણાંમંત્રી ૫: ગુડ જોક!
નાણાંમંત્રી ૨: ના હોં. હું તો સિરિયસ છું. અમે લોકો બજેટમાં સિરિયસલી મહેનત કરીએ છીએ. છેલ્લાં ૨૦-૩૦ વર્ષનાં બજેટ ફંફોસીએ છીએ. ને પછી એમાંથી જે સારામાં સારી યોજનાઓ દેખાય એને કોપી કરીને નવાં નામ અને નવા આંકડા સાથે પેશ કરીએ છીએ.
નાણાંમંત્રી ૭: અમે તો આટફિશિયલ ઈન્ટેલિજન્સને બદલે રાજ્યની ઈન્ટેલિજન્સને કામે લગાડીએ છીએ. પોપ્યુલર ડિમાન્ડ જાણી લઈએ ને પછી એવું બજેટ રજૂ કરીએ. બિલકુલ મનમોહન દેસાઈ સ્ટાઈલ - મસાલા એન્ટરટેઈનર. મનો રંજક જાહેરાતો કરવામાં આપણું શું જાય.
નાણાંમંત્રી ૮: વડીલ, તમે જરા અપડેટ થાઓ. હવે 'પઠાણ' સ્ટાઈલ મસાલા એન્ટરટેઈનરનો જમાનો છે. ચેટજીપીટીવાળાને કહી દેવાનું કે બેકાર કોન્ટેન્ટ હોય તો પણ પ્રચારના જોરે ચાલી જાય એવું બોલિવુડ મૂવી સ્ટાઈલ હિટ બજેટ બનાવી દે.
નાણાંમંત્રી ૬: ચેટજીપીટીમાં એક રિસ્ક છે. આપણે બધાય એને કામ સોંપીએ તો આપણા બધાનું બજેટ પણ એકસરખું જ બને. આપણે આપણા જ જૂનાં બજેટને કોપી પેસ્ટ માર્યા કરીએ ત્યાં સુધી ઠીક છે, પણ એકબીજાનાં બજેટની કોપી મારશું તો પબ્લિકને મિલીભગત જેવું લાગશે. અને જે હોય એ દેખાડવું નહીં એવો રાજકારણનો નિયમ છે.
નાણાંમંત્રી ૯: યાર, એક આઇડિયા આવ્યો. આ નીતિ આયોગવાળા આપણા જાતભાતના પર્ફોર્મન્સ રિપોર્ટ બહાર પાડયા કરે છે તે એમને બેસ્ટ બજેટ ડિક્લેર કરવાનું પણ કહી દઈએ.
નાણાંમંત્રી ૧૦: દોસ્તો, આપણે સૌ અમૃતકાળમાં વર્લ્ડ બેસ્ટ કામ કરીએ અને ે બજેટની રેન્ક નીતિ આયોગ જેવી દેશી સંસ્થા આપે એ ન ચાલે. એના કરતાં યુનેસ્કોવાળાને કામ સોંપી દઈએ. જો એ લોકો વર્લ્ડ બેસ્ટ રાષ્ટ્રગીત જાહેર કરી શકતા હોય તો વર્લ્ડ બેસ્ટ બજેટ કેમ નહીં? 'પુલ બનાવીશું ને ગુલ ખિલવીશું' જેવી લોકપ્રિય જાહેરાતોવાળાં બજેટ વિશ્વમાં બીજે ક્યાંય બનતાં હોય એ શક્ય જ નથી.
નાણાંમંત્રી ૮: યુનેસ્કોવાળા તો આપણાં તંત્ર કરતાં પણ ઢીલી દાળ છે. આજે કહીશું તો આવતાં બજેટ સુધીમાં માંડ એવોર્ડ જાહેર કરશે ને ત્યારે પબ્લિકને આ બજેટ યાદ આવી જશે તો ઉપાધિ થશે. એના કરતાં આપણે જ અહીં ચીઠ્ઠી ઉછાળો. જે રાજ્યનું નામ નીકળે એનું બજેટ યુનેસ્કોવાળાએ વર્લ્ડ બેસ્ટ જાહેર કર્યું છે એવો વ્હોટ્સએપ મેસેજ શરૂ કરી દો. આખરે પ્રજાને વ્હોટસએપ ફોરવર્ડ માટે કોન્ટેન્ટ પૂરું પાડવું એ પણ આઈટી સેલ ચિંંધ્યા માર્ગે ચાલતી મોટી લોકકલ્યાણ યોજના છે. આપણી વ્હોટસ એપ યુનિવસટી તો વિશ્વગુરૂ લેવલની છે. યુનેસ્કોએ એનો મેસેજ ના માનવો હોય તો આ દુનિયા છોડી દેવી પડે.
નાણાંત્રી૩: અરે, સાવ આવું ધુપ્પલ ? યુનેસ્કો તો પાછી કલ્ચરની સંસ્થા છે.
નાણાંમંત્રી ૬: જુઓ, બજેટમાં ધુપ્પલ એ જ આપણું કલ્ચર છો. બોલો ભાઈઓ, શું કહો છો ?
ને સૌએ ધ્વનિમતથી આ દરખાસ્ત પાસ કરી દીધી.
સ્માઈલ ટીપ
ક્રિપ્ટો-બિપ્ટો ઠીક છે, નેતાઓના ચૂંટણી ખર્ચને મની લોન્ડરિંગ હેઠળ આવરી લો તો ખરા.

