Get The App

પબ્લિકનો મોંઘવારીની ફરિયાદ કરવાનો ચાન્સ ગયો, આપો તાળી !

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
પબ્લિકનો મોંઘવારીની ફરિયાદ કરવાનો ચાન્સ ગયો, આપો તાળી ! 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- યુદ્ધ પતી ગયા પછી જનતાને કહી દઇશું , બજારમાં કડાકા  વખતે રોકાણ કેમ ન કરી લીધું ? 

મંત્રીશ્રીએ પીએને પૂછ્યું, 'બોલો છે કાંઈ ખબર? '

પીએ ફટાફટ બોલવા લાગ્યો, 'પબ્લિકને દેશપ્રેમનો પાનો ચઢાવી દેનારી ફિલ્મ 'ધુરંધર'નો બીજો ભાગ આવી રહ્યો છે. દેશની સૌથી ફેવરિટ હિરોઈન કંગના રણૌત એક નવી ફિલ્મ બનાવવાની છે. આપણે વર્લ્ડ કપમાં વધુ એક વખત જીતી ગયા છીએ. સંસદમાં કયા નેતા પાયજામો પહેરીને આવ્યા છે તે બાબતે ગરમાગરમ નિવેદનો થઈ રહ્યાં છે. સુરત શહેરમાં એક એરિયાનું નામ બદલી નાખવામાં આવ્યું છે. '

મંત્રીશ્રી બગાસું ખાતાં કહે, 'આ બધું તો ઠીક છે. કોઈ ખાસ મોટા સમાચાર નથી? એકદમ જોરદાર ધડાકો થઈ જાય તેવું કાંઈ?' 

પીએ જરા ખચકાતાં ખચકાતાં કહે, 'મોટા ધડાકા જેવા સમાચાર તો એ છે કે કમર્શિઅલ ગેસ સિલિન્ડર નથી મળતાં એટલે મુંબઈ-બેંગ્લુરુમાં કેટલીય સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંએ ઢોસા બનાવવાના બંધ કરી દીધા છે. '

મંત્રીશ્રી ખોંખારો ખાઈને કહે, 'ઓ મિસ્ટર, તમે યુદ્ધના સમાચાર તો ભુલી જ જાઓ છો. '

પીએને આંચકો લાગ્યો. 'સર...તમને ખરેખર સિરિયસ સમાચારમાં રસ છે? આઈ મીન... મારે તો એમ કહેવુું હતું કે યુદ્ધમાં જેટલા ગોળા દેશો એકબીજા પર ફેંકે છે એના કરતાં પણ વધારે ગપગોળા ટીવી પર ફેંકાય છે. એટલે શું સાચું ને શું ખોટું એ નક્કી નથી થઈ શકતું. આમાં હું તમને કયા સમાચાર કહું?'

મંત્રીશ્રી એકદમ પોતાની જગ્યાએથી ઊભા  થઈને કહે, 'અરે ભાઈ, મેં તને ક્યાં કહ્યું કે યુદ્ધમાં કોનું ડ્રોન ક્યાં પડયું છે તેની વિગતો કહે? મારા માટે તો દેશમાં યુદ્ધની શું અસર છે તે વધારે મહત્ત્વનું છે. '

પીએની આંખમાં પાણી આવી ગયાં. તે મંત્રીશ્રીને પગે પડી ગયો. 'સાહેબ, લોકો સોશિયલ મીડિયા પર  ભલે ગમે  તેવા ગપગોળા હાંકે, પણ તમારાં હૈયે દેશનું હિત સદા વસેલુું છે તેની મને આજે ખાતરી થઈ ગઈ છે. '

મંત્રીશ્રી તેને પીઠ પર ધબ્બો મારતાં કહે, 'હા, દેશહિતની જ વાત છે. જો ગેસના ભાવ વધી ગયા, ક્રૂડ તેલના ભાવ વધ્યા, ખાદ્ય તેલોના ભાવ વધ્યા, વિમાનોનાં ભાડાં વધ્યાં. હજુ તો ખાતર પણ  મોંઘું થશે. આવી તો કંઈ કેટલીય ચીજોના ભાવ વધવાના છે. દરેક યુદ્ધ મોંઘવારી લાવે છે. આ યુદ્ધ પણ લાવશે જ.'

પીએમ ફરી મૂંઝાઈ ગયો. 'સાહેબ, મોંઘવારી વધવાની છે  એમાં દેશહિત ક્ેવી રીતે આવે? મુજ પામર અણસમજુ જીવને સમજાવો.'

મંત્રીશ્રી હસતાં  હસતાં કહે, 'જો, હવે  થોડાક સમય સુધી બધી  ચીજોના ભાવ વધ્યા કરશે, પણ પ્રજા કકળાટ કરવાની સ્થિતિમાં જ નહિ  હોય. કોઈ અમારો કાન નહિ પકડી શકે. અમે તો  સતત કહેતા રહીશું કે આ તો યુુદ્ધના કારણે ભાવો વધ્યા છે. આમાં કોઈ લોકલ પરિબળ નથી. સાથે સાથે અમે જનતાને ધમકાવશું પણ ખરા કે યુદ્ધ વખતે બજાર આટલું બધું તૂટયું હતું તો નીચલા ભાવે ખરીદી કરીને અત્યારે તેજીમાં કમાણીની તક કેમ ગુમાવી? જો એ કમાણી કરી લીધી હોત તો આ મોંઘવારી નડી  જ ન હોત. બોલ, મોંઘવારી માટે ફરિયાદ કરવાનો જનતાનો ચાન્સ જ જતો રહ્યો, એમાં અમને કેટલી મોટી શાંતિ થઈ ગઈ. બોલ, અમે રાજી થયા એ જ  મોટું દેશહિત નહિ?'

પીએએ  આ વખતે મંત્રીશ્રીને સાષ્ટાંગદંડવત પ્રણામ કરી લીધાં. 

સ્માઈલ ટિપ 

આજકાલ કોઈ ડોક્ટરને જઈને કહેશો કે 'ગેસ ટ્રબલ' થઈ છે તો પ્રિસ્ક્રિપ્શનમાં 'એક ઈન્ડક્શન લઈ લો' તેમ લખી આપશે!