Get The App

ગરીબો અમેરિકાનું ઈમ્પોર્ટેડ બટર ખાશે, અમીરો ભારતનું દેશી માખણ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
ગરીબો અમેરિકાનું ઈમ્પોર્ટેડ બટર ખાશે, અમીરો ભારતનું દેશી માખણ 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ-વ્યર્થશાસ્ત્રી

- આપણે અમેરિકાને પ્રવક્તા  તરીકે રાખ્યું છે, બધી જાહેરાત એ જ કરી દે...

દિલ્હીમાં મંત્રાલયમાં સવાર પડી ને ઓફિસનું કામ ચાલુ થયું કે તરત જ બધા અધિકારીઓ એકબીજાને ભેટી ભેટીને 'અભિનંદન... અભિનંદન...ગ્રેટ વર્ક..શાબ્બાસ!' કહેવા લાગ્યા. 

એક નવોસવો જુનિયર અધિકારી તો આ જોઈને બઘવાઈ ગયો. તેણે સિનિયર અધિકારીને ડરતાં ડરતાં પૂછ્યું, 'આ બધા એકબીજાને શેનાં અભિનંદન આપે છે?' પેલા સિનિયર તેને ભેટી પડતાં 'અભિનંદન..અભિનંદન...' એમ કહીને પીઠ થપથપાવતાં કહે, 'ડિયર, શું છે કે  સરકાર દ્વારા રોજેરોજ કોઈને કોઈ મહાન યુગવર્તી શકવર્તી  ઐતિહાસિક કામો થઈ જ જાય છે. એટલે અમે અધિકારીઓએ રોજેરોજ આ રીતે એકબીજાને અભિનંદન આપી દેવાની ટેવ પાડી જ દીધી છે. હમણાં  બપોર સુધીમાં તો નક્કી કરી નાખીશું કે આજનાં અભિનંદન કયાં  મહાન કાર્ય કે અભૂતપૂર્વ સિદ્ધિનાં નામે ખપાવવાનાં છે.'

ત્યાં તો અન્ય અધિકારી દોડતા દોડતા આવ્યા. 'આનંદો... આનંદો...આપણે આજના અભિનંદન માટે કોઈ નિર્ણય કે સિદ્ધિની શોધમાં કલાકો નહીં બગાડવા પડે. આજે તો અમેરિકાએ સામે ચાલીને આપણી સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી દીધી છે. બોલો, એક- દો- તીન- ચાર...  આપણા બધાનો જયજયકાર...'ને ફરી સમગ્ર ઓફિસમાં હર્ષોલ્લાસનું વાતાવરણ ફરી વળ્યું. 

ફરી પેલા જુનિયર અધિકારીને સવાલ થયો. 'હેં? અમેરિકાએ ટ્રેડ ડીલ જાહેર કરી? તો આપણે કરી કે નહીં?'

સિનિયરે તેમને જરા ઠપકાના સૂરે કહ્યું, 'ભઈલા, તમે નવા નવા છો એટલે સવાલો સૂઝે છે.  કાંઈ વાંધો નહીં. જુઓ ડિયર, એ તો એવુું છે કે આપણે હવે વિશ્વગુરુ છીએ. એટલે એક સાચો ગુરુ હંમેશાં જેમ શિષ્યને આગળ કરે તેમ આપણે યુદ્ધ વિરામ હોય કે ટ્રેડ ડીલ એ બધાની દુનિયા સમક્ષ જાહેરાત કરવા માટે અમેરિકાને આગળ ધરીએ છીએ. સમજી લે કે અમેરિકાને આપણે પ્રવક્તા તરીકે રાખ્યું છે.'

જુનિયર અધિકારી  તો એકદમ આભો બની ગયો. પણ પાછો તેને નવો  સવાલ સૂઝ્યો. 'સર, આ નવી ટ્રેડ ડીલની કાંઈક વિગતો તો આપો. શું-શું મુદ્દા છે,  કંઈ શરતો , આંકડા?'

આ વખતે બીજા સિનિયરે ફરી ઠપકાના સૂરે કહ્યું, 'મિસ્ટર જુનિયર, આ બધા સવાલોના જવાબ જોઈતા હોય તો અમેરિકી નેતાઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ જોતા રહો. બધા જવાબ મળી જશે.'

ત્યાં તો એક વરિષ્ઠ અધિકારી આ જુનિયરની મદદે આવ્યા. 'અરે ભાઈ, આપણા સૌથી યંગેસ્ટ કલીગને આટલી બધી જિજ્ઞાસા છે તો આપણને જેટલી ખબર હોય તેટલી તો સંતોષો. તો હા જુઓ હવે આપણે અમેરિકાથી  ત્યાંની મબલખ ડેરી પ્રોડક્ટ્સ અને શાકભાજી-અનાજ જેવી કૃષિ પેદાશો મગાવીશું. એના પર આપણે ઝીરો ડયુટી લગાડીશું મતલબ કે આપણે ત્યાં એ બિલકુલ સસ્તી હશે.

 કદાચ એવુું પણ બનશે ડિયર કે આપણા દેશમાં ગરીબો અમેરિકાનું સસ્તુું બટર ખાતા હશે અને અમીરો ભારતનું  દેશી માખણ... લારી પર પાઉંભાજીમાં અમેરિકાનું ઈમ્પોર્ટેડ શાક વપરાશે ને ફાઈવસ્ટારમાં ભારતનું દેશી શાક...'

'વાહ... આને કહેવાય વિકાસ!' જુનિયર અધિકારી બોલી પડયો. બધા સિનિયરોએ તેને  વ્હાલથી ઊંચકી લીધો. 

સ્માઈલ ટિપ 

બીજા દેશો વસ્તુઓ આયાત કરે, આપણે તો આખેઆખી ટ્રેડ ડીલ જ ત્યાંથી આયાત કરી લીધી.