Get The App

આકાશ રીલાયન્સ જૂથનો ભાવિ સુકાની

Updated: Oct 2nd, 2022

GS TEAM

Google News
Google News
આકાશ રીલાયન્સ જૂથનો ભાવિ સુકાની 1 - image

બજારની વાત

વિલિસ ઈમેજ રાઈટ્સ વેચનારો પહેલો સ્ટાર

હોલીવુડના સુપરસ્ટાર બ્રુસ વિલિસે એક ટેકનોલોજી કંપની ડીપકેકને પોતાના ઈમેજ રાઈટ્સ વેચ્યા છે. બિઝનેસ જગતમાં ઈમેજ રાઈટ્સનો કન્સેપ્ટ બિલકુલ નવો છે. વિલિસ પોતાના ઈમેજ રાઈટ્સ વેચનારો હોલીવુડનો પહેલો સ્ટાર બન્યો છે. ડીપકેક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી મૂવી બનાવનારી વિશ્વની ટોચની કંપની છે. વિલિસે આ ડીલ કરતાં ડીપકેક ફિલ્મો અને ટીવી પ્રોડક્શનમાં વિલિસની મૂવિંગ અનેટોકિંગ ઈમેજીસનો ઉપયોગ કરીને વિલિસને સેટ પર બોલાવીને શૂટિંગ કર્યા વિના જ ફિલ્મ બનાવી શકશે. વિલિસને અફાસિયા નામની ગંભીર બિમારી છે. તેના કારણે વિલિસને બોલવામાં તકલીફ પડે છે અને બોલતાં બોલતાં તતફફ થઈ જાય છે. વિલિસે આ કારણે એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પણ ડીપકેકને કારણે વિલિસ ફિલ્મોમાં દેખાશે. 

આકાશ રીલાયન્સ જૂથનો ભાવિ સુકાની

આકાશ રીલાયન્સ જૂથનો ભાવિ સુકાની 2 - imageજાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને ટાઈમ૧૦૦નેક્સ્ટ લિસ્ટમાં સ્થાન મળતાં મુકેશ અંબાણી પછી આકાશ રીલાયન્સ જૂથના ચેરમેન બનશે એ સ્પષ્ટ થઈ ગયું છે. આકાશને લીડર કેટેગરીમાં પસંદ કરાયા છે. આકાશે ગૂગલ અને ફેસબુક સાથે અબજો ડોલરના રોકાણનું ડીલ કરવામાં ભજવેલી ભૂમિકાની ટાઈમ દ્વારા પ્રસંશા કરાઈ છે. આકાશ અંબાણી આ લિસ્ટમાં એક માત્ર ભારતીય છે.  રીલાયન્સ જીયો ફાઈવજી રોલઆઉટની તૈયારીમાં છે ત્યારે આકાશના સમાવેશથી જીયોને સારી પબ્લિસિટી મળી ગઈ છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં પોતાનાં સંતાનોને અલગ અલગ કંપનીઓ સોંપી તેમાં આકાશને જીયોની જવાબદારી સોંપી ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, રીલાયન્સમાં હવે પછી આકાશનો દબદબો હશે.


૯૬ લાખમાં ૮૧ વર્ષ જૂની વ્હિસ્કીની એક બોટલ

આકાશ રીલાયન્સ જૂથનો ભાવિ સુકાની 3 - imageઅમેરિકન ઓક્શન હાઉસ સોધેબીઝે  દુનિયાની અત્યાર સુધીની સૌથી જૂની વ્હિસ્કીની હરાજી માટે તળિયાની કિંમત ૧.૧૦ લાખ ડોલર એટલે કે ૯૬ લાખ રૂપિયા નક્કી કરી છે. આ વ્હીસ્કીના ૨ લાખ ડોલર એટલે કે રૂપિયા ૧.૭૫ કરોડ ઉપજવાની આશા છે. ૮૧ વર્ષ જૂની વ્હિસ્કી 'દ મેકલન ધ રીચ' માટે  ૫ ઓક્ટોબર સુધી બોલી લગાવી શકાશે છે.  'દ મેકલન ધ રીચ' ૧૯૪૦માં બનાવાઈ ત્યારે માત્ર એક બોટલ તૈયાર કરવામાં આવી હતી. લગભગ ૪૧ ટકા ઓલ્કોહોલ ધરાવતી આ સિંગલ માલ્ટ વ્હિસ્કી હજુ સુધી કોઈએ ચાખી પણ નથી તેના કારણે તેની કિંમત ઉંચી છે. વિજેતાને 'દ મેકલન ધ રીચ' બોટલ સાથે સ્મોલ બ્રોન્ઝ સ્કલ્પચર પણ મળશે.



ગડકરીનો કટાક્ષ, મનેય ઈલેક્ટ્રિક કાર ના પરવડે

આકાશ રીલાયન્સ જૂથનો ભાવિ સુકાની 4 - imageકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈશ્વિક સ્તરે લક્ઝરી કાર બનાવવામાં અગ્રણી વિદેશી કંપનીની પહેલી મેક-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી ત્યારે જોરદાર કટાક્ષ કર્યો.  ગડકરીએ કહ્યું કે, અમે મધ્યમ વર્ગના લોકો છીએ અને હું પણ તમારી કાર ખરીદી શકતો નથી. તમે ઉત્પાદનનો ખર્ચ ઘટાડશો તો ઘણા લોકો કાર ખરીદશે. આ કારની કિંમત રૂપિયા ૧.૦૭ કરોડ છે તેથી ધનિકોને જ પરવડી શકે. 

બજારના નિષ્ણાતોના મતે ગડકરીની વાત સો ટકા સાચી છે. ગ્રીન એનર્જીના નામે ઈલેક્ટ્રિક કાર્સનો પ્રચાર તો બહુ થાય છે પણ તેની કિંમત મધ્યમ વર્ગને પરવડે એવી છે જ નહીં. પેટ્રોલ કાર કરતાં વધારે જે રકમ ચૂકવવી પડે તેના વ્યાજમાંથી તો બળતણનો ખર્ચ નિકળી જાય.

મસ્ક રોબોટના ધંધા પર વધારે ધ્યાન આપશે

આકાશ રીલાયન્સ જૂથનો ભાવિ સુકાની 5 - imageદુનિયાની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક હવે ઈલેક્ટ્રિક કારના બદલે હ્યુમનોઈટ રોબોટ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. મસ્કે પોતાની કંપનીએ બનાવેલા હ્યુમનોઈડ રોબોટ ઓપ્ટિમસના પ્રોટોટાઈપનું જાહેર પ્રદર્શન કર્યું હતું. આ રોબોટ ભવિષ્યમાં ટેસ્લા જ નહીં પણ બીજી ઘણી કંપનીઓના મેન્યુફેક્ટરિગં પ્લાન્ટમાં ઉત્પાદનને લગતી તમામ કામગીરીને પાર પાડશે.  મસ્કનો દાવો છે કે, ચારેક વર્ષ પછી કંપની આ રોબોટના ઓર્ડર લેવાનું ચાલુ કરશે પછી લાખોમાં વેચાશે. મસ્કે રોબોટની કિંમત ૨૦ હજાર ડોલરથી ઓછી રાખવાની જાહેરાત પણ કરી છે. અત્યારે જાપાનને બાદ કરતાં બહુ ઓછા દેશોમાં રોબોટ્સનો ફેક્ટરીઓમાં ઉપયોગ થાય છે એ જોતાં મસ્કની યોજના કેટલી ફળશે એ અંગે શંકા છે.

પીયુસી વિના પેટ્રોલ-ડીઝલ નહીં મળે

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે લીધેલા નિર્ણયે કાર સહિતનાં વાહનોના માલિકોને દોડતા કરી દીધા છે.  કેજરીવાલ સરકારે દિવાળી એટલે કે ૨૫ ઓક્ટોબરથી પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે પીયુસી સર્ટિફિકેટ ના હોય એવાં વાહનોને પેટ્રોલ કે ડીઝલ નહીં આપવા પંપોને ફરમાન કર્યું છે.  દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે કેજરીવાલ સરકાર ઓડ-ઈવન સહિતના અખતરા કરી ચૂકી છે પણ તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી. પ્રદૂષણના કારણે શિયાળામાં તો કશું દેખાતું જ નથી હોતું. આ કારણે સરકારે દર વરસે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો ઠપકો સાંભળવો પડે છે. આ વખતે કેજરીવાલ સરકારે પાણી પહેલાં જ પાળ બાંધી દીધી છે.

મૂનલાઇટીંગ વિવાદમાં નવો માર્ગ

મૂનલાઇટીંગ અર્થાત એક જોબ ઉપરાંત સાઇડમાં બીજી જોબ કરવાનો વિવાદ ટાઢો પડવાનું નામ નથી લતો. જે મુદ્દો મધ્યમ વર્ગના લોકો માટે વધારાની આવક માટેનો છે તેના પર કોર્પેારેટ કંપનીઓ લાલચોળ બની રહી છે. કેટલીક કંપનીઓએ એવું સોફ્ટવેર બનાવ્યું છે કે જેના કારણે મૂળ નોકરી ઉપરાંત અન્ય કંપનીમાં કામ કરતા લોકો પકડાઇ શકે છે. જેને શરત ભંગ કહી શકાશે. એકજ વિષય બે જગ્યા પર કામ ના કરી શકાય તે રજૂઆતમાં દમ છે. એટલેકે ઇકોમર્સ કંપનીના સોફ્ટવેરમાં કામ કરનાર અન્ય કંપનીમાં તેજ સોફ્ટવેક પર પાર્ટ ટાઇમ જોબના નામે કામ ના કરવો જોઇએ. તે વ્યક્તિ પછી પાર્ટ ટાઇમમાં કોઇ ફૂડ કોટમાં જોબ કરે તેની સાથે વાંધો નથી હોતો. આ માટે કંપનીઓએ પોતાનો કોડ ઓફ કંડક્ટ જાહેર કરવો જોઇએ. કોર્પોરેટ કંપનીઓએ પોતાના સ્ટાફને જામ કરવી જોઇએ કે તમે વધારાની જોબ કરો પણ અમને તેની જાણ કરો જેથી કોઇ પ્રતિસ્પર્ઘી લાભ ના ઉઠાવી જાય .

બેંક લોન પરત ન ચૂકવવામાં મહારાષ્ટ્ર-દિલ્હીના લોકો સૌથી આગળ

દેશમાં બેંક લોન લીધા પછી તેની પરત ચૂકવણી ન કરવામાં મહારાષ્ટ્ર અને દિલ્હીના લોકો સૌથી આગળ છે. ખાનગી સંસ્થાના રિપોર્ટ મુજબ આ બંને રાજ્યોના ૩૦,૩૫૯ લોન ધારકો રૂા. ૮.૫૮ લાખના બેંક ડિફોલ્ટર છે. તેમની સામે બેંકોએ ફરિયાદ નોંધાવી છે. આ આંકડા ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના છે. અન્ય રાજ્યોમાં પણ ડિફોલ્ટરોનું પ્રમાણ આ બે રાજ્યોની તુલનાએ ઓછું છે.