નાના ઉદ્યોગોની પેમેન્ટની સમસ્યાનો ઉકેલ લાવો

- એન્ટેના : વિવેક મહેતા
- તમામ કરારો લેખિતમાં કર્યા હોય તો નાના સપ્લાયરો મોટી કંપની સામે લડી શકે છે
નાના અને મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. રોજગારી ઉત્પન્ન કરવાની અને સંશોધનની બાબતે નાના ઉદ્યોગોની તુલનામાં બીજું કોઈ આવી શકે તેમ નથી. દેશની જીડીપીમાં નાના ઉદ્યોગોનો ફાળો ૨૮ ટકાનો છે. દેશની ઉત્પાદન ક્ષમતામાં તેનો ફાળો ૪૫ ટકા અને નિકાસમાં ૪૦ ટકાનો છે. નાના ઉદ્યોગો દેશમાં ૧૧.૧ કરોડ લોકોને રોજગારી આપે છે.છતાં નાના ઉદ્યોગોને અસ્તિત્વ ટકાવવા ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. કારણ કે મોટી કંપનીઓ તેમને સમયસર પેમેન્ટ આપતી નથી. કાચા માલનો સપ્લાય લીધા પછી મોટી કંપનીઓ ફિનિશ્ડ પ્રોડક્ટ્સ તૈયાર કરી બ્રાન્ડિંગ કરી મોટા માજનથી માર્કેટમાં વેચે છે. છતાં નાના ઉદ્યોગોને પેમેન્ટ સમયસર આપતી નથી.
સરકારે નાના ઉદ્યોગોના હિતોની રક્ષા કરવા એક્ટ બનાવ્યો છે. એક્ટમાં પેમેન્ટ અટવાય તો કંપની શું કરી શકે તેની જોગવાઈ છે. તીવ્ર સ્પર્ધાનો સામનો કરતી નાની કંપની ધંધો ગુમાવવાની બીકે તકાયદાનો ઉપયોગ કરતા ખચકાય છે. સરકારે કાયદો બનાવ્યો છે છતાં તેનો યોગ્ય અમલ થતો નથી. તેથી આજે દેશના ૬ લાખ કરોડથી વધુ નાણા ડિલે પેમેન્ટમાં ફસાયેલા છે. મોટા યુનિટો, સરકારી કંપનીઓ બે-બે વર્ષ પછી પણ માલ ખરાબ છે, મોડો આવે છે વગેરે બહાના કાઢીને પેમેન્ટ કરતા નથી. તેથી આ કેસોનો નિકાલ થઈ શક્યો નથી. મોટી કંપનીઓ પોતાની તાકાતનો ઉપયોગ કરીને નાના ઉદ્યોગોને પેમેન્ટ ન કરતી હોવાની અનેક ફરિયાદો છે. કાયદાનો ચુસ્ત અમલ નહિ કરાવે તો ઘણા નાના એકમો માંદા એકમોમાં રૂપાંતરિત થઈ જશે. સરકાર નવી પોલીસી તૈયાર કરી રહી છે ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
વર્ષ ૨૦૦૬માં અસ્તિત્વમાં આવેલા માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ ડેવલપમેન્ટ એક્ટ મુજબ ખરીદદાર ખરીદીના ૪૫ દિવસની અંદર સપ્લાયરને પેમેન્ટ કરવા બંધાયેલો છે. આ ગાળામાં પેમેન્ટ ન થાય તો તેણે રિઝર્વ બેન્કના કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટના દર મુજબ પાર્ટીને વ્યાજ સહિત રકમ ચૂકવવી પડે છે. ઘણી વાર મોડી ડિલિવરી, ખરાબ માલ વગેરે કારણોસર બે પાર્ટી વચ્ચે પેમેન્ટને લઈને મતમતાંતર થાય ત્યારે મામલો માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ પાસે જાય છે. પહેલા કાઉન્સિલ આબટ્રેશન એન્ડ કન્સિલિયેશન એક્ટની કલમ ૬૫થી ૮૧ મુજબ બંને પાર્ટી વચ્ચે કોર્ટ બહાર સમાધાન કરાવવાના પ્રયત્ન કરે છે.
મડિયેશનમાં બંને પાર્ટી વચ્ચે પડીને મામલો સુલઝાવવાની કોશિશ કરે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ છે. ડિલે પેમેન્ટને લગતા ૫૦થી ૬૦ ટકા કેસ તો ૯૦ દિવસની અંદર અંદર મિડિયેશન થકી જ ઉકેલ આવી જાય છે. જે કેસ આ તબક્કે સોલ્વ ન થાય તે આગળ આબટ્રેશનમાં જાય છે. જો બંનેમાંથી એક પણ પાર્ટી સમાધાન કરવા રાજી ન હોય તો કેસ આબટ્રેશનમાં જાય છે. અહીં કેસના નિકાલમાં ૧ વર્ષ જેટલો ગાળો લાગી જાય છે. સપ્લાયર સિવાય સામી પાર્ટીએ કેસ ફાઈલ કર્યો હોય તો કેસ ચાલે ત્યાં સુધીમાં ખરીદદારે ૭૫ ટકા રકમ ડિપોઝિટ કરાવવાનો નિયમ છે. સ્પેશિયલ કેસમાં ખરીદદારને આ રકમ જમા કરાવવી કે નહિ તેનો નિર્ણય કમિટીને હસ્તક રહે છે.
આબટ્રેશન કમિટીમાં સામાન્ય રીતે ૩થી ૫ સભ્યો હોય છે. તેમાં ડિરેક્ટર આફ ઈન્ડસ્ટ્રીઝ કક્ષાના સરકારી અધિકારી, બેન્ક તથા નાણાંકીય સંસ્થાના પ્રતિનિધિ તથા એમએસએમઈ એસોસિયેશનના પ્રતિનિધિ હોય છે જેથી કેસની જુદા જુદા દૃષ્ટિકોણથી તપાસ થઈ શકે અને ન્યાય તોળી શકાય. લઘુ અને મધ્યમ ઉદ્યોગોએ કોન્ટ્રેક્ટ સાઈન કરતી વખતે જ્યુરિસડિક્શન અંગે સ્પષ્ટતા કરવી ખાસ જરૂરી છે.મોટી કંપનીઓ કોન્ટ્રેક્ટમાં લખાવી લે છે કે મતભેદ થશે તો કેસ તેમના જ્યુરિસડિક્શનમાં ચાલશે. જ્યુરિસડિક્શન કંપનીની અનુકૂળતા મુજબનું હોય છે અથવા તો ઈન્ડિપેન્ડન્ટ આબટ્રેટરને માફકનું હોય છે. આ પ્રક્રિયા નાના ઉદ્યોગોને ઘણી મોંઘી પડી શકે છે. લઘુ ઉદ્યોગોને સરકારે કાયદાનું રક્ષણ આપ્યું છે. સપ્લાયર તરીકે લઘુ ઉદ્યોગો તેમના જ્યુરિસડિક્શનમાં કેસ ફાઈલ કરી શકે છે.
ધારો કે, કંપનીનું રજિસ્ટ્રેશન ગુજરાતનું હોય અને પછી તે આખા દેશમાં ગમે ત્યાં માલ સપ્લાય કરે તો કેસ ગુજરાતમાં જ ફાઈલ કરી શકાય છે. ડિલે પેમેન્ટની ફરિયાદ ઓનલાઈન સમાધાન પોર્ટલ પણ ફરિયાદ કરી શકાય છે. ઓફલાઈન પણ ફાઈલ કરી શકાય છે. કેસ લંબાવવાનું કારણ એ છે કે મોટા ભાગે ઉદ્યોગો પૂરતા દસ્તાવેજો શેર કરી શકતા નથી. ઘણાના એડ્રેસ સહિતની વિગતો પણ પૂરી નથી હોતી. તેથી તેમનો કેસ કાચો પડે છે.નાના ઉદ્યોગોએ બધા જ વ્યવહાર લેખિતમાં કરવાની આદત પાડવી જોઈએ. આમ કરવાથી ડિસપ્યુટ થાય તો તેમનો કેસ મજબૂત રહે છે. હાલ તેમના ઘણા વહેવારો મૌખિક રીતે થાય છે જે પુરવાર કરવા કઠિન છે.

