- કોમોડિટી કરંટ
- ગરીબોનું સોનું ગણાતી ચાંદી બજારમાં વૈશ્વિક ખેલાડીઓની એન્ટ્રી
વર્ષ ૨૦૨૫ની દિવાળીએ સોના-ચાંદી જેવી કિંમતી કોમોડિટી બજારમાં ભારે અફડાતફડી માહોલ સર્જાયો છે. સોનાના ઊંચા ભાવોને કારણે રોકાણકારો તથા વપરાશકારોનો પ્રવાહ અચાનક સોનાથી ચાંદી તરફ ફંટાતાં છેલ્લાં ૪૦ થી ૪૫ વર્ષમાં સૌથી મોટી ચાંદીની કટોકટી જોવા મળી છે. ચાંદીની આ દિવાળીએ અભૂતપૂર્વ ડિમાન્ડને કારણે ભારતની મોટી રિફાઈનરીઓમાં પહેલીવાર સ્ટોક ખાલી જોવા મળ્યો છે. જેની અસરને પરિણામે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ભારે હલચલ થવાને કારણે લંડન જેવા મોટા ટ્રેડીંગ હબમાં બેંકોએ ગ્રાહકોને ભાવ બતાડવાનું પણ બંધ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
સોનાના રેકોર્ડ સ્તરના ભાવોને કારણે આ વર્ષે દિવાળીએ ઝવેરી બજારમાં અપેક્ષિત મોટા વેપારો ઉપર પાણી ફેરવાઈ ગયું છે. દિવાળીએ સરેરાશ ૧૫ થી ૧૮ ટકાનો વેપારમાં ઘટાડો થતાં ઝવેરી વર્તુળોમાં નિરાશા છવાઈ છે. સોનાને બદલે ચાંદી તરફ પ્રવાહ ફંટાતાં ચાંદીમાં વેપાર કિંમત અને વોલ્યુમ બંને દ્રષ્ટિએ વધારો લગભગ ડબલ થયો છે. સોશિયલ મિડીયા ઉપર ચાંદીને હાલમાં નેકલટ સોનું કહેવાઈ રહ્યું છે.
મોટા ગજાના સંસ્થાકીય રોકાણકારનો વર્ગ ભારે માત્રામાં ચાંદીની ખરીદી થતાં હાજરમાં ચાંદીની કટોકટી આ વખતે વિશ્વભરમાં જોવા મળેલ છે. અમેરિકામાં ટેરિફ લાદવાની સંભાવનાને કારણે મોટી માત્રામાં શિપમેન્ટ ચાલી રહ્યું છે. સાથે સાથે ઔદ્યોગિક તથા સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ વધતો જતો વપરાશ ઉપરાંત નબળા ડોલરને કારણે હેજ ફંડો પણ રોકાણ વધતાં ચાંદી વેપારમાં ભારે ભાગદોડ આ વર્ષે દિવાળીએ જોવા મળેલ છે.
ચાંદીની કિંમતો વૈશ્વિક સ્તરે ૫૪ ડોલર પ્રતિ ઔંશ અને ભારતીય એક્સચેન્જોમાં ૧.૭૦ લાખ રૂપિયા સુધી સૌથી ઊંચા રેકોર્ડ સ્તરે રહ્યા બાદ અચાનક ૬.૫ ટકા એટલે કે ૧.૫૭ લાખ સુધીનો ઘટાડો થતાં બજારમાં દિવાળીએ અનિશ્ચિતતાનો માહોલ છવાયો હતો. બજારમાં ચાંદીની સપ્લાય સ્થિતિ બરાબર નહીં રહે તો આગામી દિવસોમાં ચાંદી સંકટ વધુ ગંભીર બને તેમ છે. સાથે સાથે જો વેચવાલીનું પ્રેસર રહે તો બજાર તેજીથી ઘટી શકે તેવી સંભાવના પણ પ્રવર્તી રહી છે. કોમોડિટીના જયવદનભાઈ ગાંધીના જણાવ્યા પ્રમાણે છેલ્લા લગભગ પાંચેક વર્ષથી ખાણો તથા રિસાયકલીંગથી મળતી ચાંદીની સપ્લાય સામે માંગ વધતી જતી હોવાથી ક્યારેક ડિમાન્ડ સપ્લાયની નેગેટીવ અસર ચાંદી બજારમાં અફડાતફડી ઉભી થઈ શકે તેવી સ્થઇતિ પ્રવર્તી રહી છે. છેલ્લા પખવાડિયામાં ન્યૂયોર્કના કોમેક્સ વેરહાઉસમાંથી લગભગ વીસેક મીલિયન ઔંસથી પણ વધારે ચાંદીનો જથ્થો બહાર કાઢવામાં આવતાં છેલ્લા ૨૫ વર્ષનો સૌથી મોટો ઘટાડો ચાંદી બજારમાં દિવાળી પૂર્વે જોવા મળ્યો હતો. જોકે આ બાબતે અમેરિકા ન્યૂયોર્ક ઉપરાંત ચીનમાંથી પણ મોટી માત્રામાં ચાંદી બજારમાં આવી શકે તેવી શક્યતાઓ હોવાથી ચાંદીનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે તેવી સંભાવનાઓ ચર્ચાસ્પદ છે. ચાંદીના ભાવો છેલ્લા કેટલાક મહિનાઓથી રોકેટ ગતિએ વધવા પાછળ પણ ચાંદી બજારમાં માલના અપૂરતો પૂરવઠો જ જવાબદાર રહ્યો છે. જેની અસરને કારણે ભારતમાં સામાન્ય દિવસોમાં પ્રિમીયમ થોડીક રકમમાં હોય તે વધીને સરેરાશ ચાર હજાર સુધી પહોંચી ગયું હતું. ભારતમાં જેવી ચાંદીની ડિમાન્ડ વધતી હતી તે સમયે ચીન બજાર એક અઠવાડિયા સુધી બંધ રહેતાં ભાવોમાં અસામાન્ય ઉછાળો રહ્યો હતો. ચીન પણ ચાંદીનો મહત્ત્વનો સપ્લાયર દેશ છે. ચાંદીનો જથ્થો મોટા મોટા ખેલાડીઓની તિજોરીઓમાં કેદ થતાં ચાંદી તેજી પણ અકલ્પનીય સ્તરે દિવાળી અગાઉ જોવા મળી હતી. દિવાળી સમયે ભારતમાં સ્ભઠ એક્સચેન્જ ઉપર ચાંદી ડિસેમ્બર વાયદો તેના ઊંચા સ્તરે રૂપિયા ૧.૭૦ લાખના સ્તરેથી તૂટીને ૧.૫૭ લાખના સ્તરે રૂપિયા સરેરાશ ૧૩ હજારનો ઘટાડો રહ્યો હતો.
ટૂંકમાં આજકાલ ચાંદી એ ગરીબોનું સોનું હતું તે હવે અમીરો માટે પણ સોના તોલે જોવાઈ રહી છે. ચાંદીમાં દિવાળી અગાઉ છવાયેલી લાલચોળ તેજી કૃત્રિમ હતી કે કુદરતી તે હાલમાં તપાસનો વિષય બન્યો છે. પરંતુ ચાંદી આજકાલ સોના ઉપર હાવી થઈ રહી છે. સામાન્યથી માંડીને ઉચ્ચ વર્ગ માટે ચાંદી આકર્ષક કોમોડિટી બની ચૂકી છે.


