- આશરે પાંચ કરોડ ખેડૂતો કઠોળની ખેતીમાં જોડાયેલા છે : કર્ણાટકમાં દસ લાખ ટન તુવેરની ખરીદી સરકાર કરશે એવા નિર્દેશા
આ યોજના હેઠળ કઠોળનું ઘરઆંગણે ઉત્પાદન વધારી ૩૫૦ લાખ ટન કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે તથા કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર વધારી ૩૧૦ લાખ હેકટર્સ સુધી લઈ જવાનો ટારગેટ પણ બનાવવામાં આવ્યો છે. પાંચ વર્ષની આ યોજના માટે સરકારે આશરે રૂ.૧૧ હજાર કરોડથી વધુનું બજેટ પણ બનાવ્યું છે. ૨૦૨૪-૨૫માં દેશમાં કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર ૨૭૫ લાખ હેકટર્સ નોંધાયો છે. જ્યારે ઉત્પાદન ૨૫૭ લાખ ટન થયું હતું તથા ઈમ્પોર્ટ આશરે ૭૦ લાખ ટન થઈ હતી.
દરમિયાન, કઠોળમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવોએ ખરીદી કરવા માટે પણ સરકારે ગંભીર પ્રયત્નો શરૂ કર્યા છે. દેશમાં જો વિવિધ કઠોળનું કુલ ઉત્પાદન થાય છે એ પૈકી તુવેર, અડદ તથા મસૂરનું ઉત્પાદન આશરે ૩૦ ટકા ગણાય છે. કઠોળમાં ટેકાના ભાવોએ ખરીદી વધારવા સરકારે યોજનાઓ તો બનાવી છે પરંતુ આ યોજનાઓ કેટલી સફળ થાય છે એ હજી જોવાનું બાકી છે. ભારતમાં આશરે ૫૦૦ લાખ ખેડૂતો કઠોળની ખેતીમાં સંકડાયેલા રહ્યા છે. ગોદામોમાં સંગ્રહ કરાતા કઠોળની ગુણવત્તા નબળી પડે છે તથા યોગ્ય જાળવણીના અભાવે માલને નુકશાન પણ થતું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, દરિયાપારથી આવતા સસ્તા પીળા વટાણા પર સરકારે ૩૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી નાંખતાં દેશના ખેડૂતોને રાહત સર્જાઈ છે. આવી ડયુટીના પગલે ઘરઆંગણે વિવિધ કઠોળના બજાર ભાવ ઉંચા જતા દેખાયા છે તથા તેના પગલે ખેડૂતો માટે પણ રાહત સર્જાઈ છે. ભારતમાં ૨૦૨૫-૨૬માં કઠોળની કુલ આયાત આશરે ૩૫થી ૪૦ ટકા ઘટી આશરે ૪૫ લાખ ટન જેટલી થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા છે. ૨૦૨૪-૨૫માં આવી આયાત ૭૩થી ૭૪ લાખ ટન જેટલી થઈ હતી. એપ્રિલથી ઓગસ્ટમાં આવી આયાત આશરે ૪૭ ટકા ઘટી હતી. દરમિયાન, મહારાષ્ટ્ર તથા કર્ણાટકની બજારોમાં નવા તુવેરની આવકો શરૂ થઈ ગયાના વાવડ મળ્યા હતા. નવી આવકો વચ્ચે બજાર ભાવ ઘટતાં સરકારે કર્ણાટકમાં ટેકાના ભાવોએ આશરે ૯થી ૧૦ લાખ ટન તુવેરની ખરીદી કરવાનો નિર્ણય કર્યાના વાવડ પણ મળ્યા હતા.


