- ડોનાલ્ડ ટ્રમ્પ કળી ન શકાય એવા નિર્ણયો લઈ વિશ્વને સતત બાનમાં રાખશે :વૈશ્વિક ઉથલપાથલે શેરોમાં વળતરની અનિશ્ચિતતા રહેશે
- કોર્પોરેટ પ્લસ
- રોકાણકારોએ વેલ્યુએશન પ્રત્યે પણ સચેત રહેવાની અને ફંડામેન્ટલ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ રહેશે
સંવત ૨૦૮૧ વૈશ્વિક અર્થતંત્ર માટે જીઓપોલિટીકલ ટેન્શન અને ટ્રમ્પ પ્રેરિત ટ્રેડ વોરના પરિણામે અસ્થિરતાનું નીવડયું છે. આ અનિશ્ચિતતાનો દોર સંવત ૨૦૮૨માં પણ કાયમ રહેવાની પૂરી સંભાવનાએ વૈશ્વિક પરિબળોને લઈ ઈક્વિટી-શેરોમાં વળતરની અનિશ્ચિતતા રહેવાની પૂરી સંભાવના રહેશે. અનિશ્ચિતતા અને અસ્થિરતાના માહોલમાં જે પ્રકારે પાછલા એક વર્ષમાં સુરક્ષિત રોકાણ વિકલ્પ ગણાતું સોનું રેકોર્ડ માંગને પરિણામે ભાવમાં રેકોર્ડ તેજી સાથે એસેટ ક્લાસમાં અવ્વલ નંબરે રહ્યું એમ આ સંવત ૨૦૮૨માં પણ સોનું સર્વોપરી એસેટ-સંપતિ બની રહેવાની શકયતા છે.
યુક્રેન-રશિયા યુદ્વ અને ઈઝરાયેલ-હમાસ યુદ્વને લઈ જીઓપોલિટીકલ ટેન્શન અને ત્યાર બાદ અમેરિકામાં સત્તારૂઢ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટના તેમના ચૂંટણી નારાની જીદમાં વિશ્વને નવા જ વેપાર યુદ્વમાં ધકેલતાં અનેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થતાં જોવાયા છે. ટ્રમ્પના અનપ્રેડિક્ટેબલ સ્વભાવને લઈ 'અભી બોલા અભી ફોક' નિવેદનો, નિર્ણયોથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ આરંભિક મહિનાઓમાં અફડાતફડીનો માહોલ જોવાયો હતો.
શેર બજારોમાં પાછલા વર્ષોમાં અસાધારણ ઉંચું વળતર મેળવ્યાની અદ્મ્ય ખુશી માણનારા રોકાણકારો માટે ખુશી કમ જેવું ૨૦૮૧ નીવડયું છે. સેન્સેક્સ અને નિફટીમાં ૬ ટકાનું વળતર એટલે કે વધારો થયો છે. જ્યારે સુપર ડુપર વળતર સોનામાં ૬૫ ટકાથી વધુ એટલે કે ૧૦ ગ્રામ દીઠ રૂ.૫૦,૦૦૦ જેટલું અને ચાંદીમાં ૭૨ ટકા એટલે કે કિલો દીઠ રૂ.૭૧,૦૦૦ જેટલું ધમાકેદાર વળતર છુટયું છે.
પેપર-ફાઈનાન્શિયલ એસેટ્સને બદલે વિશ્વની સદીઓથી સુરક્ષિત એસેટ ગણાતા સોના-ગોલ્ડમાં રોકાણ તરફ વિશ્વ વળ્યું અને દરેક દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાની ફિઝિકલ ખરીદી મોટાપાયે કરવા લાગી તિજોરીને મજબૂત કરવા લાગ્યા હતા. જેના પરિણામે સોનાનાભાવ વિશ્વ બજારમાં ઔંસ દીઠ ૪૩૯૮ ડોલરની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા અને ચાંદીના ભાવ ૫૪.૪૭ ડોલરની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા હતા.
ટ્રમ્પની અવારનવાર આકરાં ટેરિફ ઝીંકવાની ધમકીને લઈ વર્ષના ઉતરાર્ધમાં નિકાસ પરની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભરતા, મેઈક ઈન ઈન્ડિયા પર ફોક્સના ભારત સરકારના નીતિવિષયક નિર્ણયોને પરિણામે અને ઘર આંગણે લોકોની બચતો મ્યુચ્યુઅલ ફંડો-સ્થાનિક સંસ્થાઓ થકી બજારમાં ઠલવાતી રહેતાં ભારતીય શેર બજારો તેજીના પંથે સવાર થતાં જોવાયા છે. શેર બજારો માટે સંવત ૨૦૮૨ કેવું રહેશે એનો મદ્દાર વૈશ્વિક અને સ્થાનિક કેટલાક મહત્વના પરિબળો રહેશે.
વિશ્લેષકો અત્યારે આર્થિક પરિબળોનો ઉલ્લેખ કરીને સંવત ૨૦૮૨ માટે સામાન્ય રીતે હકારાત્મક, પરંતુ સાવધ, ભવિષ્યકથન આપ્યું છે. સકારાત્મક ભવિષ્યકથનને સપોર્ટ કરતાં પરિબળો પૈકી નાણાકીય નીતિમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા દરમાં ઘટાડો, સરકારના આર્થિક સુધારાઓ અને કર રાહત સાથે, પ્રવાહિતા, ગ્રાહક માંગ અને કોર્પોરેટ કમાણીને વેગ આપવાની અપેક્ષા છે. કમાણીમાં સુધારા માટે આગામી વર્ષોમાં એક આંકથી બે આંકમાં કોર્પોરેટ કમાણીમાં વૃદ્વિ તરફ આગળ વધવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.
સંવત ૨૦૮૨ના બીજા ભાગમાં (૨૦૨૬ની શરૂઆતમાં) સંભવિત રીતે વધુ સારૂ પ્રદર્શન જોવા મળી શકે છે. આ સિવાય ફુગાવો નિયંત્રણમાં રહેવા સાથે ગ્રાહક ભાવના હકારાત્મક રહેવાની અપેક્ષા છે. પરંતુ આ સાથે ટ્રમ્પના રશિયા પર ગાળિયો વધુ કસવાના અને વિશ્વના ઓઈલ પુરવઠા પર અંકુશ મેળવીને ક્રુડ ઓઈલના ભાવમાં આગ પેટાવવાની ગુસ્તાખી ભારતને ભારે પડી શકે છે.
જે અત્યારે કાબૂમાં રહેલા ફુગાવાને ફરી ભડકાવવાનું જોખમ છે. જેથી વૈશ્વિક અનિશ્ચિતાઓ પૈકી જીઓપોલિટીકલ ટેન્શન અને ટ્રેડ વોર જેવા પરિબળો હજુ પણ અસ્થિરતા પેદા કરી શકે છે અને રોકાણકારોએ આ બાબતે સાવધાની રાખવાની જરૂર છે. જેથી રોકાણકારોએ વેલ્યુએશન પ્રત્યે પણ સચેત રહેવાની અને ફંડામેન્ટલ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ રહેશે.
વૈશ્વિક અને સ્થાનિક પોઝિટીવ અને નેગેટીવ પરિબળોની સાથે વિશ્વમાં ઝડપી બદલાઈ રહેલા સમીકરણો વચ્ચે આત્મનિર્ભર, મેક ઈન ઈન્ડિયાની ઝુંબેશને વેગ આપવાના સરકારના મિશનમાં આ સંવતમાં બજેટમાં સરકાર રોજગાર વૃદ્વિ માટે અને ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ પાછળ બજેટની અસાધારણ મોટી ફાળવણી કરી શકે છે.
વપરાશ વૃદ્વિને વેગ આપવાના સરકારના નીતિવિષયક ફેરફારોને જોતાં એફએમસીજી, સ્થાનિક ફોક્સ્ડ ક્ષેત્રો, બેંકિંગ, મેન્યુફેકચરીંગ ક્ષેત્ર જેમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરીંગ સર્વિસિઝ, ડિફેન્સ અને ઈન્ડસ્ટ્રીયલ જેવા ઉદ્યોગ ક્ષેત્રો સારૂ પરફોર્મ કરી શકે છે.
અલબત પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને પરિબળોને જોતાં તેમ જ ડોનાલ્ડ ટ્રમ્પની અણઘડ નીતિઓથી વિશ્વએ હજુ ત્રસ્ત રહેશે એવી શકયતાને જોતાં સંવત ૨૦૮૨માં ઈક્વિટી-શેરોમાં રોકાણ પર વળતર એકંદર અનિશ્ચિત બની રહેવાની અને સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની સતત ફિઝિકલ ખરીદી ચાલુ રહેવાની શકયતા જોતાં સોનું સર્વોપરી એસેટ બની રહેવાની શકયતા રહેશે. જેથી સંભવિત પોઝિટીવ પરિબળો અને નેગેટીવ પરિબળોને લેવા સંવત ૨૦૮૨માં અત્યંત મહત્વનું રહેશે.
પોઝિટીવ પરિબળો
(૧) ભારત-અમેરિકા વચ્ચે લાંબા સમયથી વાટાઘાટ છતાં અટવાયેલી ટ્રેડ ડિલ ઓછા ટેરિફે થવાની સંભાવના
(૨) કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષમાં વધુ આર્થિક સુધારા અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ખર્ચ ફાળવણીમાં સંભવિત મોટો વધારો
(૩) ગુડઝ એન્ડ સર્વિસિઝ ટેક્ષ-જીએસટીમાં ઘટાડા અને સરળીકરણથી ગ્રાહકો અને ઉદ્યોગોને ફાયદો
(૪) વ્યક્તિગત આવક વેરામાં રાહત થકી ખર્ચપાત્ર આવક વધતાં વપરાશ વૃદ્વિને વેગ મળવાની શકયતા
(૫)રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો અને કોર્પોરેટ ઈન્ડિયાને ધિરાણની ઓછા દરે વધુ ઉપલબ્ધિ
નેગેટીવ પરિબળો
(૧) રશિયા પરના અમેરિકાના પ્રતિબંધોથી ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર વૃદ્વિનું જોખમ
(૨) અમેરિકા સાથે ટ્રેડ ડિલની વણઉકેલાયેલી ગૂંચ અમુક બાબતોને લઈ વધુ ગૂંચવાઈ જવાનું સંભવિત જોખમ
(૩) જીઓપોલિટીકલ ટેન્શનને લઈ રશિયા યુદ્વને આક્રમક બનાવે અને યુદ્વનો નવો મોરચો એશીયામાં ખુલવાનું જોખમ
(૪) આર્થિક આફતમાંથી બહાર આવવા મથતું અમેરિકા ટ્રમ્પની નીતિઓને લઈ વધુ સંકટમાં મૂકાવાનું જોખમ
(૫) ક્લાઈમેટ ચેન્જ-બદલાતી આબોહવા પેટર્નને કારણે વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારત માટે સંભિવત પડકાર
સંવત 2082માં સોનાના ભાવ ફરી વિક્રમી ઊંચાઈને પાર થશે : ચાંદીમાં વોલેટીલિટી વચ્ચે મંદીની રૂખ
વિશ્વભરમાં સંવત ૨૦૮૧માં અત્ર, તત્ર, સર્વત્ર સોના અને ચાંદીમાં જોવાઈ રહેલી રેકોર્ડ તેજીની બોલબાલા થઈ છે. સોના અને ચાંદીમાં વિશ્વભરમાં વિક્રમી તેજી પાછળના ક્યાં પરિબળો કામ કરી રહ્યા હતા અને તેજી ક્યાં જઈને અટકશે એ અનેકને મૂંઝવનારો કોયડો બની રહ્યો હતો. ઘણા વર્ષો બાદ સોના-ચાંદીના ભાવોમાં જોવાયેલી ઐતિહાસિક તેજી ક્યાં જઈ અટકશે એની અટકળો વચ્ચે સંવત ૨૦૮૧ના ઉતરાર્ધમાં તેજીને બ્રેક લાગી અત્યારે ભાવો કરેકશન-પ્રત્યાઘાતી ઘટાડાના ઝોનમાં આવ્યા છે. ત્યારે ભાવોની સંવત ૨૦૮૨માં સ્થિતિ કેવી રહેશે એ વિશે જાણકારોનું માનવું છે કે સોનામાં ફરી ભાવો રેકોર્ડ ઊંચાઈને પાર કરતાં જોવાઈ શકે છે. જ્યારે ચાંદીમાં વોલેટીલિટી વચ્ચે અંડરટોન નરમાઈ તરફી જોવાઈ શકે છે.
ધનતેરસ પહેલા પુષ્યનક્ષત્ર આવે છે અને જે લોકો સોનાના બિઝનેસ નથી કરતાં તેઓએ ધનતેરસ અથવા પુષ્યનક્ષત્રના દિવસે જે ભાવ હોય એ ભાવે ફિઝિકલ સોનાની ખરીદી-રોકાણ કરતાં રહેવું સામાન્ય રીતે શુકનિયાળ બનતું હોય છે. વૈશ્વિક પરિબળોને પણ અત્યારે ધ્યાનમાં લેતાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રકારે જ્યારે ને ત્યારે ટ્રેડ વોરની ધમકી આપી રહ્યા છે અને એમની આ આદત હજુ તેમનો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી ચાલુ રહેવાની પૂરી શકયતાને જોતાં સોનામાં વધઘટે ફરી ભાવ વિક્રમી ટોચને આંબતા જોવાઈ શકે છે. આ ઉપરાંત ચાઈનાની જેમ દરેક દેશોની સેન્ટ્રલ બેંકો એટલે રિઝર્વ બેંકો સોનામાં ફિઝિકલ ખરીદી સંવત ૨૦૭૨ દરમિયાન પણ ચાલુ રાખશે એવી શકયતાને જોતાં સોનામાં ભાવ વધઘટે તેજી તરફી રહેવાની સંભાવના છે. જ્યારે ચાંદીમાં ઈન્ડસ્ટ્રીયલ માંગ મુજબ ભાવ ઉપર-નીચે થતાં હોય છે, જેથી ચાંદીમાં પાછલા વર્ષમાં જોવાયેલી રેકોર્ડ તેજી બાદ હવે વોલેટીલિટી વચ્ચે ભાવો એકંદર ઘટાડા તરફી રહેવાની શકયતા રહેશે.


