- સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં કડાકો બોલાતાં તેજીના વળતા પાણી
દેશના ઝવેરી બજારોમાં તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડાની ચાલ જોવા મળી હતી. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચેથી ઝડપી નીચા ઉતરતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં ઈમ્પોર્ટ કોસ્ટમાં થયેલા ઘટાડાના પગલે કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે તૂટતી બજારે નવી માગ સાઈડલાઈન થતાં વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ દેખાઈ હતી. જો કે મુંબઈ કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી જતાં તથા સામે ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૪ નજીક પહોંચી જતાં દેશના ઝવેરી બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૦૧૯થી ૫૦૨૦ ડોલરથી તૂટી નીચામાં ભાવ ૪૫૪૧ ડોલર સુધી ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળી ૧૦૦ની ઉપર જતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોનું સેલીંગ વધ્યું હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. તાજેતરમાં ગુડી પડવાનો તહેવાર ઉજવાયો હતો અને સોના-ચાંદીના ભાવ એ દરમિયાન નીચા આવતાં ઝવેરી બજારોમાં તહેવારોની માગ જોવા મળી હતી. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ તૂટી જીએસટી વગર રૂ.૧૪૭૦૦૦ તથા ચાંદીના ભાવ તૂટી જીએસટી વગર ૨૩૦૦૦૦ સુધી જતા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૮૦.૫૫થી ૮૦.૬૦ ડોલરના મથાળેથી ગબડી નીચામાં ભાવ ૬૮.૪૫ ડોલર સુધી ગબડયા હતા.
મુંબઈ બજારમાં સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના જે ઉંચામાં રૂ.૭૦ હજાર ઉપર ગયા હતા તે ભાવ તૂટી નીચામાં રૂ.૬૩હજાર સુધી ટ્રેડ થયા હતા, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૨૫થી ૨૦૩૦ ડોલરવાળા ઉંચામાં ભાવ ૨૧૦૦ ડોલર ઉપર ગયા પછી ફરી ઘટી નીચામાં ૧૯૩૧ ડોલર સુધી ઉતર્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૬૦૦ ડોલર ઉપર ગયા પછી નીચામાં ભાવ ૧૪૦૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં પણ વધ્યા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડા વચ્ચે ભાવ ટનના ત્રણ મહિનાના વાયદાના નીચામાં ૧૨૦૦૦ ડોલર ટનના બોલાયા હતા. જો કે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વોર ઈફેકટ વચ્ચે ઉછળતા રહ્યા હતા છતાં તેની કોઈ તેજીની અસર સોનાના ભાવ પર પડી ન હતી કારણ કે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી વધી હતી એવું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં વોર ઈફેક્ટ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળી બેરલના ઉંચામાં ૧૧૦ ડોલર નજીક પહોંચી ગયાના વાવડ તાજેતરમાં મળ્યા હતા. આથી વિપરીત ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૦ની સપાટીની ઉપર ગયો હતો. ક્રૂડતેલ ઉંચકાતાં વૈશ્વિક સ્તરે ફુગાવો વધતાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો હવે વ્યાજના દર ઘટાડવાને બદલે આગળ ઉપર વ્યાજના દર વધારવાના મુુડમાં આવી રહ્યાના સંકેતો પણ મળ્યા હતા. દરમિયાન ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ ભારતના કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ આગળ ઉપર વધી રૂ.૯૫ સુધી પહોંચી જવાની શક્યતા જણાય છે.


