Get The App

બજારની વાત .

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                                                                           . 1 - image

વાનરે શ્રીલંકાને અંધારામાં ડૂબાડયું

આ ઘટના વાંચીને તમને રાવણને ત્યાં ભગવાન હનુમાને કરેલી તોડફોડ યાદ આવશે. શ્રીલંકાના ઇલેકટ્રીક સબ સ્ટેશનમાં એક વાનર ઘૂસી ગયો હતો અને ટ્રાન્સફોર્મર સાથે છેડછાડ કરતા સમગ્ર શ્રીલંકા અંધારામાં ગરકાવ થઇ ગયું હતું. એનર્જી પ્રધાને કહ્યું હતું કે ગ્રીડમાં ઘૂસેલા વાનરે તોફાન મચાવ્યું હતું જેના કારણે વિજળી ડૂલ થઇ હતી. ૨૦૨૨માં જ્યારે આર્થિક કટોકટી ઉભી થઇ ત્યારે લોકોએ પાવર કટનો ્અનુભવ કર્યો હતો. ત્યારે ૧૩-૧૩ કલાક વિજળી બંધ રહેતી હતી. ગયા રવિવાર વાનર ઇલેકટ્રીક સબ સ્ટેશનમાં ઘૂસ્યો હતો અને ટ્રાન્સફોર્મર સાથે ચેડાં કર્યા હતા. વાનર કેવી રીતે સબસ્ટેશનમાં ઘૂસ્યો અને બંધ ટ્રાન્સફોર્મર રૂમમાં પણ કેવી રીતે ઘૂસી ગયો તેની તપાસ ચાલે છે.

86 વર્ષના ઉદ્યોગપતિ દાદાની હત્યા 

હૈદ્રાબાદના બહુ જાણીતા ૮૬ વર્ષના ઉદ્યોગપતિની તેમના ૨૮ વર્ષના પૌત્રએ મિલ્કતના વિવાદમાં હત્યા કરી હતી. વીસી જનાર્દન રાવ વેલજન ગૃપના ચેરમેન હતા. મિલ્કતનો વિવાદ તેમને મૃત્યુના મુખમાં ખેંચી ગયો હતો.  ૧૯૬૫માં સ્થાપેલી કંપનીના ચેરમેન વી.સી. જનાર્દન રાવને ચપ્પુના ઘા મારીને પૌત્ર કે. કિર્તી તેજાએ હત્યા કરી હતી. પૌત્ર એ દાદાની હત્યા કરીને પછી  દાદી પર પણ હુમલો કર્યો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પૌત્ર અને તેની મમ્મી શહેરના છેવાડે રહે છે. દાદાને મળવા તે ગયા ગુરુવારે આવ્યા હતા. મમ્મી રસોડામાં કોફી લેવા ગઇ તે દરમ્યાન દાદા અને પૌત્ર વચ્ચે મિલ્કત બાબતે ઝગડો થયો હતો. પૌત્રએ ગુસ્સમાં આવીને દાદાની હત્યા કરી હતી અને દાદીને પણ ઇજા પહોંચાડી હતી.

જો હું આવતીકાલે મરી જાઉં તો...

બેંગલુરૂમાં રીયલ એસ્ટેટ કિંગ કહેવાતા કોન્ફિડન્ટ ગૃપના બોસ સી.જે.રોયને ત્યાં જ્યારે ઇન્કમટેક્ષના દરોડા પડયા ત્યારે તેમણે પોતાની રિવોલ્વરમાંથી ગોળી છોડી આપધાત કર્યો તે ઘટના દેશભરમાં બહુ ચર્ચાસ્પદ બની હતી. ૫૭ વર્ષના સીજે રોયે કેટલાક સમય પહેલાં એક પોડકાસ્ટ પર વાત કરતા કહ્યું હતું કે પોતે કેવો સંધર્ષ કરીને આગળ આવ્યા છે તેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વિમાન પ્રવાસ દરમ્યાન જો એવી જાહેરાત થાય કે પ્લેન ક્રેશ થવાનું છે તે હું લગ્ગીરેય ડર્યા વગર નાચવા લાગું કેમકે મેં જીંદગીના દરેક કામ પુરા કરી નાખ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે હું મારી જીંદગીની ક્ષણોને ઉજવી રહ્યો છું. જોકે દરોડા પડયા ત્યારે તે બહુ ટેન્શનમાં હતા.

હલ્દીરામ હવે અમેરિકામાં 

મિઠાઇ અને ચવાણુ બનાવતી હલ્દીરામ બ્રાન્ડ દેશભરમાં પ્રખ્યાત છે. ઇંગલીશ સીંગર ઝાયન મલીકે પોતાના કોન્સર્ટની ટૂરની જાહેરાત કરી ત્યારે તેની પોસ્ટ પર હલ્દીરામની જાહેરખબર પણ જોવા મળી હતી. આ જોહારાત એવો સંકેત આપી રહી છે કે અમેરિકામાં હલ્દીરામ બ્રાન્ડ પ્રવેશી રહી છે. કહે છેકે લાસવેગાસ ખાતે હલ્દીરામનો પહેલો ચેઇન સ્ટોર શરૂ કરાશે. હલ્દીરામની આઇટમોનો ચટાકો ભારતના લોકો કરી ચૂક્યા છે. અમેરિકામાં રહેતા ભારતીયો પણ હલ્દીરામ બ્રાન્ડથી પરિચિત છે.

 શેરી કૂતરા અને પેટ ડોગની ઠંડી

 આપણે ત્યાં ઠંડીમાં શેરીના કૂતરા માટે કંતાનની ગોદડી બનાવાય છે. જેથી તેમને ઠંડી ના લાગે. ગામડા અને ટાઉન લેવલે આવી કંતાનની ગોદડી બનાવાય છે. પાળેલા ડોગ માટે તેમના માલિકો શિયાળામાં નવા ડ્રેસ પહેરાવે છે. સ્પોર્ટ બ્રાન્ડ એડીદાસે ડોગ લવર્સ તેમના પાળેલા ડોગને ઠંડીથી બચાવી શકે તે રીતના ગરમ કાપડના સ્વેટર્સ તૈયાર કર્યા છે. શેરીના કૂતરા કંતાનની ગોદડી પર લપાઇને બેસી જાય છે પરંતુ ડોગ લવર્સ આવી વ્યવસ્થાને દેશી ગણે છે. ડોગ લવર્સનો ડોગ પ્રત્યેનો  પ્રેમ જોઇને એડીદાસે પેટ ડોગ માટે પેટવેર કલેકશન ઓનલાઇન મુક્યું છે. ડોગ અને બિલાડી એમ બંને માટેનું કલેક્શન જોવા મળે છે. આવા કલેકશન પ૦૦ રૂપિયાની આપસાસના ભાવોનું હોય છે. ડોગલવર્સ માટે આ ભાવ સમાન્ય છે.

ટીપ આપો અને ડાન્સ જુઓ

પ્રવાસ દરમ્યાન હોટલો સહીતના વિવિધ સ્થળો પર ટીપ આપવાની સિસ્ટમને આધુનિકતામાં ખપાવાય છે. ક્યાંક તેને ફેશન ગણે છે.  કેટલીક હોટલોમાં ટીપની રકમ સરખા ભાગે અન્ય વેઇટરોમાં વહેંચી દેવાય છે જ્યારે કેટલીક હોટલોમાં ટીપ નહીં આપવાના બોર્ડ લાગેલા હોય છે. પરંતુ બેંગલુરૂની એક હોટલે તો બહુ સરસ નિર્ણય કર્યો છે કે જ્યારે ગ્રાહક ટીપ આપે ત્યારે હોટલનો સ્ટાફ ડાન્સ કરવા લાગે છે જેથી ગ્રાહકને પણ ગમે છે અને અન્ય ગ્રાહક પણ ટીપ આપવા માટે પ્રેરાય છે. હોટલમાં એક સૂચના પણ જોવા મળે છેકે જો તમે સ્ટાફને ટીપ આપશો તો તે તમારા માટે ડાન્સ પણ કરશે. લોકોને હોટલમાં જવાની મજા આવે છે અને ટીપ પણ શોખથી આપે છે